Peanut plant

Junagadh Peanut Research Center: જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી

Junagadh Peanut Research Center: કેન્દ્ર સરકારના 6 કરોડના ફંડથી 8 વર્ષે મગફળીની નવિન જાત તૈયાર થઈ

Junagadh Peanut Research Center
  • Junagadh Peanut Research Center: ગિરનાર 4 અને 5 મગફળીની નવી વેરાયટી વિકસાવવામાં આવી
  • ખરીફ પાક તરીકે પ્રથમ 6 રાજ્યોમાં વાવેતર માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
  • ઓલીક અને લીનોલિક એસિડની માત્રામાં વધારા સાથેની નવી જાત તૈયાર
  • ઓલીવ તેલથી પણ વધુ ગુણકારી છે મગફળીની ગિરનાર 4 વેરાયટી
  • આ મગફળીનું તેલ કાર્ડીયાક રોગો માટે ઉપયોગી, ખરાબ કેલેસ્ટ્રોલમાં કરશે ઘટાડો
  • મગફળીની સેલ્ફ લાઈફ 10 ગણી વધશે તેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે
  • બટર અને ચોકલેટ બનાવતી કંપનીઓમાં વૈશ્વિક બજારમાં માંગ વધશે

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૨૫ ડિસેમ્બર:
Junagadh Peanut Research Center: જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના 6 કરોડના ફંડથી 8 વર્ષે મગફળીની નવિન વેરાયટી ગિરનાર 4 અને ગિરનાર 5 વિકસાવવામાં આવી, ખરીફ પાક તરીકે પ્રથમ 6 રાજ્યોમાં વાવેતર માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, ઓલીક અને લીનોલિક એસિડની માત્રામાં વધારા સાથેની આ નવી વેરાયટી તૈયાર કરવામાં આવી છે જે ઓલીવ ઓઈલથી પણ વધુ ગુણકારી છે, ગિરનાર 4 મગફળીનું તેલ કાર્ડીયાક રોગો માટે ઉપયોગી થશે, ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો કરશે સાથે મગફળીની સેલ્ફ લાઈફ પણ 10 ગણી વધી જશે તેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે, મગફળીની ગિરનાર 4 વેરાયટીના આગમનથી બટર અને ચોકલેટ બનાવતી કંપનીઓમાં અને વૈશ્વિક બજારમાં ભારતની મગફળીની માંગ વધશે.

જૂનાગઢ સ્થિત એશિયાના એકમાત્ર નેશ્નલ રીસર્ચ સેન્ટર ઓફ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 એમ બે નવી વેરાયટી વિકસાવવામાં આવી છે. મગફળી સંશોધન કેન્દ્રમાં વર્ષ 2011 થી આ બે નવી વેરાયટી પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું અને આઠ વર્ષ બાદ વર્ષ 2019 માં આ નવી વેરાયટી તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ થયું. કેન્દ્ર સરકાર દ્વારા આ સંશોધન માટે 6 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. નવી વેરાયટી તૈયાર થયા બાદ તેને કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી અને વર્ષ 2020 માં કેન્દ્ર સરકાર દ્વારા ગિરનાર 4 અને 5 ને પ્રથમ છ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ અને તેલંગાણા માં ખરીફ પાકમાં વાવેતર માટે મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગિરનાર 4 વેરાયટીનું પ્રતિ હેક્ટર ઉત્પાદન 3.5 ટન જેટલું મળે છે.

હાલની સામાન્ય મગફળીની વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા છે અને લીનોલિક એસિડનું પ્રમાણ 2 છે, ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી મગફળીની ગિરનાર 4 અને 5 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા અને લીનોલિક એસિડનું પ્રમાણ 20 ટકા છે.

તેલમાં ઓલીક એસિડનું પ્રમાણ જેટલું વધુ એટલું તે ફાયદાકારક, ઓલીક એસિડની માત્રા વાળા તેલથી ખરાબ કેલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, હ્રદયરોગોમાં ફાયદો થાય છે, કાર્ડીયાક ડિસીઝમાં ફાયદો થાય છે. ઓલીવ ઓઈલમાં ઓલીક એસિડનું પ્રમાણ 75 ટકા હોય છે તેથી જ ઓલીવ ઓઈલની માંગ વધુ હતી અને ભાવ પણ વધુ છે, પરંતુ હવે ભારતના વૈજ્ઞાનિકોએ મગફળીની ગિરનાર 4 વેરાયટી એવી વિકસાવી છે કે તેમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા છે, આમ ગિરનાર 4 મગફળીનું તેલ ઓલીવ ઓઈલ થી પણ વધુ ઓલીક એસિડવાળું વધુ ગુણકારી અને ગુણવત્તાવાળું થશે.

આ મગફળીની ખાસિયત એ છે કે તેમાં ઓલીવ ઓઈલ થી પણ વધુ ન્યુટ્રીશન છે, હાલ ઓલીવ ઓઈલની માંગ વધી રહી છે, જેનો ભાવ પણ ઉંચો છે ત્યારે ઓલીવ ઓઈલમાં જે તત્વો છે અને તેનાથી જે ફાયદા થાય છે તેના કરતાં વધુ ગુણ અને તત્વોવાળી આ મગફળીની જાત વિકસાવવામાં આવી છે. જેથી હવે ઓલીવ ઓઈલને બદલ આ મગફળીનું તેલ ઉપયોગમાં લઈ શકાશે અને ઓલીવ ઓઈલ કરતાં ભાવમાં પણ ફાયદો થશે.

Junagadh Peanut

આ ઉપરાંત ગિરનાર 4 મગફળીમાં લીનોલિક એસિડનું પ્રમાણ વધવાથી મગફળી કે તેના તેલની સેલ્ફ લાઈફ એટલે કે ટકાઉ શક્તિ પણ વધી જશે, તેથી હવે સામાન્ય મગફળી કરતાં 10 ગણાં લાંબા સમય સુધી તે સંગ્રહ થઈ શકશે, જેમકે અત્યાર સુધી મગફળી, શિંગતેલ કે તેમાંથી બનતી બાય પ્રોડક્ટ જેટલો સમય સચવાતી હતી તેના કરતાં 10 ગણા વધુ સમય સુધી સાચવી શકાશે. હાલ બટર અને કોકલેટની ભારે માંગ છે, ખાસ કરીને પીનટ બટર અને ચોકલેટ બનાવતી કંપની વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી મગફળી ખરીદે છે, ઓછા પ્રમાણવાળી મગફળી રીજેક્ટ કરે છે,

અત્યાર સુધી આપણી મગફળીમાં ઓલીક એસિડનું પ્રમાણ 40 થી 50 ટકા હોવાને કારણે વૈશ્વિક બજારમાંથી રીજેક્ટ થતી હતી પરંતુ હવે નવી ગિરનાર 4 વેરાયટીમાં ઓલીક એસિડનું પ્રમાણ 80 ટકા હોવાથી ચોકલેટ અને પીનટ બટર બનાવતી કંપનીઓ ભારતની ગિરનાર 4 મગફળી ખરીદ કરવાનું પસંદ કરશે જેનો ખેડૂતનો સીધો ફાયદો થશે, આમ આગામી સમયમાં મગફળીની ગિરનાર 4 અને ગિરનાર 5 વેરાયટી ગુણવત્તા અને વૈશ્વિક બજારની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો…Canada citizenship: 2021માં નાગરિકત્વ આપવામાં કેનેડાનો રેકોર્ડ, કુલ 4,01,000 વિદેશીઓને કાયમી આપ્યું નાગરિકત્વ

Whatsapp Join Banner Guj