kirtidan gadhvi bday

Kirtidan Gadhvi’s Birthday: ઉજળી પરંપરાનાં લોકકલાકાર કિર્તીદાન ગઢવીને એમના જન્મદિવસ પર અઢળક શુભેચ્છાઓ..!!

Kirtidan Gadhvi’s Birthday: ‘ડાયરો’ શબ્દથી સમગ્ર ગુજરાતીઓ ખૂબ પરિચિત છે. ‘ડાયરો’ સાંભળતા જ મંચ ઉપર દુહા-છંદ લલકારતાં લોકવાણીનાં કલાકારો નજરે ચડવા માંડે..!!

Kirtidan Gadhvi’s Birthday: આ ડેલીઓનાં ડાયરા, રજવાડાઓનાં વિલીનીકરણ બાદ સમાજની વચ્ચે આવ્યા, વિદ્વાન કવિ દુલા ભાયા કાગની વાણીથી અને રચનાઓથી સામાન્ય જનસમાજ પરિચિત થયો. કાગની વાણીએ, કવિતાએ માણસને માણસાઈ શીખવી. દુભાયેલાને ટાઢક આપી અને કાળમીંઢ કાળજાને આંખમાં આંસુ આપ્યા. એ જ સમયે સાહિત્યનાં સાચા રખોપીયા બની ગામડેગામડે ફરતાંફરતાં, વાતો વીણતાં ને ગીતોને ગોતતાં આવ્યાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. કાગબાપુ અને ઝવેરચંદ મેઘાણીની પરંપરાને ગરવા સાદે ગાનાર શ્રી કિર્તીદાન ગઢવીએ લોકસાહિત્યને ઘરઘરમાં વહેતું કર્યું. એવી ઉજળી પરંપરાનાં લોકકલાકાર કિર્તીદાન ગઢવીને Kirtidan Gadhvi આજે એમના (Kirtidan Gadhvi’s Birthday) જન્મદિવસ પર સાદર વંદન સહ અઢળક શુભેચ્છાઓ..!!

Kirtidan Gadhvi's Birthday: Vaibhavi Joshi

ગુજરાત રાજ્યનાં આણંદ જીલ્લાનાં વાલવોડા ગામે આજરોજ એટલે કે ૨૩ ફેબ્રુઆરી ૧૯૭૫નાં રોજ પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી (ચારણ) કુળમાં એમનો જન્મ થયેલો. લોકમાન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી (ચારણ) ની જીભે અને કંઠે વિધા અને સંગીતનાં દેવી મા શારદાનો કાયમી વાસ હોય છે.

એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડામાં જન્મ અને ઉછેર. બાલ્યકાળથી જ તે સમયનાં સંગીતજ્ઞ ગાયકોનાં ગીતો સાંભળવા અને ગાવાનો ખૂબ જ શોખ. એમનાં પિતા પ્રખ્યાત ગાયક હતાં. તેથી નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. તેથી એમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું. આણંદની એક કોલેજમાં એસ.વાય.બી.કોમ. સુધી આગળ અભ્યાસ ચાલુ રહ્યો. પરંતુ સંગીતનો જીવ એમના હ્રદયમાં સાધનારત સંગીતને અન્ય સંગીતપ્રેમીઓનાં હ્રદય સુધી વહેવડાવવા જંખતો હતો. એમને સંગીતનાં સૂરોને અભિવ્યક્ત કરવા માટે યોગ્ય અવસરની અપેક્ષા અને ખોજ રહતી અને નવરાત્રીનો તહેવાર, શાળા કોલેજનાં ઉત્સવો, સામાજીક ધાર્મિક કાર્યક્રમો વગેરેનાં સ્વરૂપે ક્યારેક આવા અવસર મળતા.

એક મુલાકાત દરમ્યાન એમણે કહેલું કે, “આસપાસનાં સંયોગો કોમર્સનું શિક્ષણ પૂરું કરવા માટે મારાં પર સતત દબાણ કરતાં હતા. પરંતુ અંદરનો એક ગાયક એક જુદા જ સ્વપ્ન અને કલ્પનાઓનો આનંદ લેવામાં વધુ વ્યસ્ત રહતો હતો. એવું લાગ્યા કરતું કે જાણે કોમર્સનો અભ્યાસ અને હું ક્યારે પણ અન્યોન્ય માટે સર્જાયા નહોતા. મારાં મોટાં ભાઈને જ્યારે એ સમજાયું કે કોમર્સનો અભ્યાસ કોઈ પણ સ્તરે માફક આવે તેમ નહોતું લાગતું ત્યારે મને ભારે હાશકારો થયો.

કોમર્સનાં અભ્યાસનાં બદલે વહેલી તકે સંગીતનાં અભ્યાસમાં સંલગ્ન થઈ જવું જ ઉચિત છે તેવા મારાં વિચાર સાથે તેઓ સંમત થયા. આ પ્રકારે તમામ બાહ્ય સંજોગો અને આંતદ્વાદોને પરાસ્ત કરીને એક ગાયક વિજયી થયો. આ રીતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટિ, વડોદરા ખાતે માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત પાંચ વર્ષની અવધીનાં સંગીતનાં અભ્યાસક્રમનો પ્રારંભ થયો. આ પાંચ વર્ષનો ગાળો જીવનનો એક અવિસ્મરણીય તબક્કો રહ્યો.”

એક વિધાર્થીને શાસ્ત્રીય સંગીતને તેની આંતર બહાય કલાત્મક સાથે આત્મસાત કરવાનો અવસર મળ્યો. જ્યારે એક ગાયક કલાકારને પ્રસંગોપાત તેની ગાયકીની અભિવ્યક્તિ થકી આનંદ સાથે થોડી-ઘણી ખિસ્સા ખર્ચી મેળવવાનો અવસર પણ મળ્યો. પાંચ વર્ષનાં અભ્યાસની સફળ સંપન્નતા સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટિ, વડોદરા તરફથી માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સની પદવી એનાયત કરવામાં આવી.

આ પણ વાંચો:- Diet tips: વજન વધી રહ્યું છે? તમે ડાયેટ માટે વિચારી રહ્યા છો. તમારા માટે આ ખાસ સલાહ

એમણે કહેલું કે, “એમ.વી.એ.ની પદવી કેવળ એક અતિ મહત્વપૂર્ણ, દ્રઢ અને ઉપયોગી પગથિયું હતું, તે કોઈ ગન્તવ્ય સ્થાન ન હતું. શ્રી ધોળકિયા કોલેજ ઓફ મ્યુઝિક શિહોર દ્વારા મારી એક પ્રોફેસર તરીકે નિમણૂકે મને એક નિરાંતનો શ્વાસ લેવાનો આનંદ આવ્યો.” એક ગાયક કલાકારે અવસ્થિત થવા માટે તેના શ્રોતાઓના હ્રદયમાં પહોચવાનું હોય છે. સંઘર્ષનાં સમયમાં એમને બે મહત્વનાં પાત્રો નિભાવવાનાં હતાં. એક પ્રોફેસર તરીકે વિધાર્થીઓને સંગીતનું શિક્ષણ આપવાનું અને બીજું પાત્ર એક નવોદિત ગાયક કલાકારનું. બીજા પાત્ર માટે પ્રસંગોપાત પ્રતિકૂળતાઓ વચ્ચે વ્યાપક અને કઠણ મુસાફરી કરવાની થતી પણ સંકલ્પ દ્રઢ હતો. ગમે તેમ પણ શ્રોતાઓ વચ્ચે પહોચવાનું અનિવાર્ય હતું જે એમણે સુપેરે પાર પાડ્યું.

ચાર વખત બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડથી સન્માનિત થયેલ છે અને ગ્લોબલ મિર્ચી મ્યુઝિક એવોર્ડનાં વિજેતા સાથે એનાયત કરાયો છે. ગુજરાતી મૂવીઝમાં વર્ષ 2013 થી 2015 માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે એનાયત કરાયેલો.

વર્ષ 2015નાં પ્રિય કલાકાર ભારત માટે એમટીવી એશિયા એવોર્ડ તરીકે એનાયત કરાયો છે. છેલ્લાં 4 વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પ્લેબેક સિંગર એવોર્ડ (2014-2017). તેમના બે ગીતો વીર હમીરજી ફિલ્મનાં “ઓસ્કાર” માટે નામાંકિત થયાં છે. વર્ષ 2013માં સર્વશ્રેષ્ઠ લોકસિંગર તરીકે એવોર્ડ મળ્યો.

છેલ્લા ૧૭ વર્ષથી બેસ્ટ નવરાત્રી શો કરવા બદલ તેમણે ‘ગિનીસ બુક Worldફ વર્લ્ડ રેકોર્ડ્સ’ માં પણ પોતાનું નામ હાંસલ કર્યું છે. તેમણે થોડાં મહિના પહેલા જામનગર, ગુજરાત ખાતે લોકડાયરો નામના મ્યુઝિકલ ભજન શોમાં લોકોએ એમના પર રૂ.4.85 કરોડ નાંખ્યા હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. “શ્રી નારાયણ સ્વામી એવોર્ડ” થી નવાજવામાં આવેલ છે અને પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા “મોગલ શક્તિ એવોર્ડ” નાં વિજેતા પણ છે. બેસ્ટ પ્લેબેક સિંગિંગ માટે વિજય મ્યુઝિક એવોર્ડથી સન્માનિત છે. કીર્તિદાને કોક સ્ટુડિયો @ એમટીવી સીઝન માટે પોતાનો અવાજ આપ્યો હતો. ગીત, “લાડકી”, જે તેમણે ગાયું હતું, તે યુટ્યુબ પર મિલિયનથી વધુ વ્યૂઓ દ્વારા એમ.ટી.વી. કોક સ્ટુડિયોનાં ઇતિહાસમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ જોવાયેલા ગીતોમાંનું એક બન્યું હતું.

કાગબાપુ – મેઘાણીજી – હેમુભાઈ – દિવાળીબેન અને એવા અનેક ધુરંધરોને લીધે જ લોકસંગીતનું નામ અમર છે. તેમના રસ્તે આગળ વધીને આપણા ગુજરાતનાં ખમીરવંતા અને લોકલાડીલા કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી Kirtidan Gadhvi એ આ શુદ્ધ લોકસંગીતનાં ઉપાસક બની ડાયરાની ગરિમાને જાળવી છે, વધારી છે અને દેશ-વિદેશમાં રહેતાં ભાષા અને કલાપ્રેમી લોકો સુધી પહોંચાડી છે. પરમ પૂજ્ય મોરારી બાપુનાં હસ્તે અપાયેલ કાગ એવોર્ડ આ વાતની સાક્ષી પુરે છે.

બે-ત્રણ વર્ષ પહેલાં અહીંયા સિડની ખાતે પણ કિર્તીદાન ગઢવીનાં ડાયરાની એક રઢિયાળી સાંજનું આયોજન કરવા બદલ મહેશભાઈ અને યુવા ગુજરાતની આખી ટિમનો આભાર માનીયે એટલો ઓછો છે. મારે તો ખાસ આભાર વ્યક્ત કરવો ઘટે એક સુવર્ણ તક આપવા બદલ જ્યાં તમે તમારાં માનીતા અને પ્રેરણારૂપ કલાકાર માટે અદભુત શ્રોતાગણને સંબોધી બે શબ્દો એમના માનમાં બોલી શકો. જીવનની એથી વિશેષ યાદગાર પળ બીજી શું હોઈ શકે?

લોકકલાકાર માટે કંઈ કેહવું એમાંય ખાસ કરીને શ્રી કિર્તીદાન જેવા મુઠી ઉંચેરા કલાકાર માટે એ અમારા માટે ઘણી વાર અઘરું થઇ પડતું હોય છે. અમારા શબ્દો આવા કલાકાર માટે ઓછાં પણ પડતા હોય છે અને આછાં પણ પડતા હોય છે. છતાંય આજે એમના જન્મદિવસ પર એમનું જીવનચરિત્ર એમના શ્રોતાગણ સામે ઉજાગર કરવાનો એક નાનો અમથો પ્રયાસ હતો..!!

ફરીફરીને એક વાર આ ગૌરવવંતા અને લોકલાડીલાં એવા કિર્તીભાઈને એમના જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર તમને સદાય સ્વસ્થ રાખે અને મા સરસ્વતીની કૃપા તમારાં પર હંમેશા બની રહે એ જ દેવાધિદેવને પ્રાર્થના..!! – વૈભવી જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *