Discharge Patient RJT

સમરસ હોસ્ટેલ : ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય

સમરસ હોસ્ટેલ : જ્યાં અનુભવાય છે, પારિવારિક સંવેદનાઓ ડાયાબિટીઝ, શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય

રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોના મહામારીને નાથવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની સાથે સમરસ હોસ્ટેલ ખાતે પણ ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓ દર્દીઓને કોરોનામુક્ત કરવા રાત-દિવસ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે, જેના પ્રતાપે સમરસ હોસ્ટેલ ખાતેથી ડાયાબિટીઝ,  શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી ગંભીર બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. જેમાં શ્વાસની તકલીફ ધરાવતા ૭૦ વર્ષીય વનિતાબા જણાવે છે કે, “મને શરીરમાં કળતર થવા લાગી અને તાવ આવી ગયો તેથી હું તુરંત રાજકોટ સિવિલમાં દાખલ થઈ, ત્યાં કાર્યરત ડોકટરોએ મારી શ્વાસની તકલીફ નિવારવા માટે મને સઘન સારવાર આપી, ૩ દિવસની સારવાર બાદ મારી શ્વાસની તકલીફ દૂર થતાં મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી

ત્યાં પણ સ્થાનિક ડોક્ટરોએ મારી ખુબ જ સારી સારવાર કરી ખાસ તો મારી બીમારીને ધ્યાને લઈને ડોકટરો વારંવાર મને પૂછતાં ‘બા.., તમારી તબિયત તો સારી છે ને, તમે બરોબર જમ્યા ? ‘ જાણે મારો પરિવાર મારૂં ધ્યાન રાખતો હોય તેમ તે લોકો મારુ ધ્યાન રાખતા” તો ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની બીમારી ધરાવતા ૭૫ વર્ષીય તુલસીભાઈ હાપલીયા  જણાવે છે કે ,” મને તો કોરોનાનું નામ સાંભળીને જ ડર લાગતો હતો, એમાંય બ્લડપ્રેશર અને ડાયાબિટીઝ તો મને પહેલેથી જ છે પણ સમરસની સારવાર દરમિયાન ડોકટરોએ મારુ આત્મબળ મજબૂત બનાવ્યું તેનાથી મારુ મનોબળ દ્રઢ બન્યું અને આજે હું કોરોનામુક્ત બન્યો છું, 

સમરસના આરોગ્યકર્મીઓ દ્વારા અપાતી આ આત્મીયતાસભર સારવારથી જ હું કોરોના મુક્ત બન્યો છું”, હૃદયરોગની ગંભીર બીમારી ધરાવતા બશીરભાઈ નાઘોરી જણાવે છે કે સમરસના સ્ટાફ દ્વારા ભોજનથી લઈને દવાઓ, પાણી તેમજ ઉકાળા સહિતની તમામ વસ્તુઓ સમયસર મળી રહે તેની પૂરતી કાળજી લેવામાં આવતી અને મારે જયારે પણ મારા પરિવાર સાથે વાત કરવી હોય ત્યારે અહીંના ડોકટરો સમયસર વિડીયો કોલ કરીને મારી પરિવારજનો સાથે વાતચીત પણ કરાવી દેતા, અહીંના આરોગ્યકર્મીઓની અવિરત સેવા થકી અમને આત્મસંતોષ સાથે પોતીકાપણાનો અહેસાસ થાય છે.”

loading…

 સમરસ હોસ્ટેલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે સેવારત ડો.કેતન પટેલ જણાવે છે કે,”કોરોનાથી ડરવાની જરૂર નથી જો આટલી ગંભીર બીમારી ધરાવતા વયોવૃદ્ધ દર્દીઓ પણ કોરોનામુક્ત થઇ શકતા હોય તો અન્ય સંક્રમિત વ્યક્તિઓ તો અવશ્ય કોરોનામુક્ત થઇ જ શકે, અમે અહીંયા દરેક દર્દીઓની સેવા માટે ખડે પગે કાર્યરત છીએ.” જ્યારે સમરસ હોસ્ટેલના નોડલ ઓફિસર ડો. મેહુલ પરમાર જણાવે છે કે,” અહીં સમરસ હોસ્ટેલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત ફિઝિશિયન, રેસિડેન્ટ ડોક્ટર, એનેસ્થેટીસ્ટસ, ઇન્ટર્ન ડોક્ટર્સ, નર્સીંગ સ્ટાફ સહિતનો પૂરતો સ્ટાફ અને પૂરતા પ્રમાણમાં દવાઓ તથા ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે, અમે સતત દર્દીઓને કોરોનામુક્ત બનાવવા માટે પ્રયત્નશીલ છીએ અને કોરોનામુક્ત થયા બાદ સ્વસ્થ થતા દર્દીઓ તેમના સ્વગૃહે પરત ફરે છે તે અમારે માટે ગર્વની વાત છે”.

Reporter Banner FINAL 1

આમ, સમરસ હોસ્ટેલના આરોગ્યકર્મીઓનસ સઘન સારવાર થકી ડાયાબિટીઝ,  શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય બની તેમના પરિવાર પાસે પરત જતી વેળાએ એકસૂરમાં કહે છે, ” હારશે કોરોના… જીતશે રાજકોટ.”