Mayur guide

World Tourism Day: વિશ્વ પ્રવાસન દિવસ: પ્રવાસને રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવતા ભોમિયા અંગે જાણીએ…

World Tourism Day: ૨૭ મી સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઓળખાય છે.પ્રવાસનના વિકાસમાં જે તે સ્થળના જાણકાર ગાઇડ્સ નું પણ નોંધપાત્ર યોગદાન હોય છે.

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૭ સપ્ટેમ્બર:
World Tourism Day: ગાઈડ એટલે તળ ગુજરાતીમાં ભોમિયો. ગાઈડ એ પ્રવાસન નો આત્મા છે.પ્રવાસ ધામ ઐતિહાસિક,ધાર્મિક, પ્રાકૃતિક કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમાન ટેકનોલોજીની કરામત જેવું હોય,ગાઈડ કે ભોમિયો પ્રવાસમાં પ્રાણ પૂરે છે. જો પ્રવાસી મહેમાન છે તો ગાઈડ પ્રવાસધામ નો યજમાન છે જે અતિથિ સત્કારની સાથે પ્રવાસને જ્ઞાન સમૃદ્ધ અને યાદગાર બનાવે છે. ક્લાસિક હિન્દી ચલચિત્ર ગાઇડમાં સદાબહાર દેવાનંદે ગાઈડ કે ભોમિયા ની ભૂમિકાને અમર બનાવી છે.

એ જ રીતે કેવડિયા કોલોની અને હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસને અને ખાસ કરીને અતિ વિશિષ્ઠ મહાનુભાવોના પ્રવાસને અહીંના સદાબહાર રાજુ ગાઈડ જેવા મયુરસિંહ રાઉલ આનંદપ્રદ અને યાદગાર બનાવે છે. મયુરસિંહ રાજપીપળાના સ્થાનિક વતની છે એટલે અહીંના ઇતિહાસ અને ભૂગોળ થી વાકેફ છે.સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું છે છતાં,માત્ર અંગ્રેજી નહિ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં પ્રવાસીઓને અથ થી ઇતિ સુધીની માહિતી જીભના ટેરવે આપી શકે છે. મરાઠી એમના માતાની ભાષા છે.

World Tourism Day: એટલે કામચલાઉ મરાઠીમાં સમજણ આપવાની પણ તેમને ફાવટ છે.અને કુશળ ગાઈડ માટે એ અનિવાર્ય છે કે તે એક કરતાં વધુ ભાષાઓ માં પ્રવાસીઓને સ્થળની જાણકારી આપી શકે અને મયુરસિંહ આ કસોટીમાં ખરા ઉતરે છે. અને એટલે જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા ટુરિઝમ એકસેલન્સ એવોર્ડ ૨૦૨૧ માં એમને બેસ્ટ ટૂર ગાઈડ ઓફ ગુજરાતની શ્રેણીમાં રનર્સ અપ એટલે કે ઉપવિજેતા નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમના વહીવટી સંચાલક જેનું દેવને એમને આ એવોર્ડ પ્રદાન કર્યો હતો.

Arogya Van Kevadia image 600x337 1

એસ.ઓ.યુ.ના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ જણાવે છે કે મયુરસિંહ અગાઉ એચ.ડી.એફ.સી.બેંકમાં કાર્યરત હતા.એસ.ઓ.યુ.દ્વારા પ્રવાસીઓને ગાઈડ ની સુવિધા ઉપલબ્ધ કરાવવા તાલીમ યોજવામાં આવી જેની પ્રથમ બેચમાં તાલીમ લઈ આજે તેઓ ગાઈડ તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. કેવડિયા નું મુખ્ય આકર્ષણ વ્યક્તિત્વની દૃષ્ટિએ અતિ વિરાટ સરદાર સાહેબની મહા પ્રતિમા અને ગુજરાત નો મહા બંધ નર્મદા બંધ છે.તેની સાથે આ સ્થળને સંપૂર્ણ પ્રવાસ ધામ બનાવતા ૩૬ પ્રોજેક્ટ્સ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ટેકનોલોજીની કરામત છે તો તેની સાથે કુદરતી વિવિધતા, આરોગ્યમયતા, સામાજિક ઉત્કર્ષ પ્રેરક અનેક આકર્ષણ આ સ્થળને યાદગાર દર્શનીયતા આપે છે.

મયુરસિંહની વિશેષતા એ છે તેઓ સ્ટેચ્યુના અણુએ અણુ ની ઝીણવટભરી જાણકારી ધરાવે છે તો નર્મદા બંધની અનોખી ખાસિયતો તેમની જીભના ટેરવે છે. અહીં બે પ્રકારના ગાઈડ હોય છે.એક ગાઈડ તમામ સ્થળો અંગે જરૂરી પ્રાથમિક માહિતી થી સુસજ્જ હોય છે,તો બીજા સ્થળ વિશેષ ના નિષ્ણાત ગાઈડ હોય છે.તેઓ પ્રથમ શ્રેણીના ગાઈડ છે એટલે દરેક સ્થળની,દરેક પ્રોજેક્ટની પ્રાથમિક જાણકારી ધરાવે છે.
તેમનો સહજ રમુજી સ્વભાવ પ્રવાસીઓની મુલાકાતને આનંદથી ભરી દે છે.તેઓ સ્ટેચ્યુના પ્રદર્શન વિભાગમાં જેટલી ગહનતા થી સરદાર સાહેબને પ્રેરક જીવન પર પ્રકાશ પાડે છે એટલી જ સહજતા થી પ્રતિમાના ચરણ સ્થળની મોકળી જગ્યાએ રમૂજો થી મુલાકાતીઓને આનંદિત કરી શકે છે.

આ પણ વાંચો…Employment in Gujarat: ગુજરાતમાં રોજગારી અને કયર ઉદ્યોગને વેગ આપવાના નવતર પ્રયાસો

World Tourism Day: તેની સાથે તેમના વિનય,વિવેક અને સૌજન્યશીલતા પ્રવાસીઓને પ્રભાવિત કર્યા વગર નથી રહેતા. એટલે જ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જેવા ટોચના કેન્દ્રીય મંત્રી,અન્ય રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળો, વિદેશી રાજદૂતો,રાજદ્વારીઓ અને પ્રતિનિધિ મંડળો સાથે ગાઈડ તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે. અને મોબાઈલ ક્રેઝી યુવા સમુદાયમાં તેમની એક ખાસિયત વિશેષ લોકપ્રિય છે.જો કે હવે નાના મોટા સહુને પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનો ભારે શોખ છે. મયુરસિંહ સ્ટેચ્યુ ના બેસ્ટ સેલ્ફી પોઈન્ટ્સ ની ઊંડી જાણકારી ધરાવે છે.એટલે સેલ્ફી દ્વારા પ્રવાસીઓના પ્રવાસને યાદગાર બનાવવામાં તેઓ યોગદાન આપે છે.

કવિવર ઉમાશંકરે ભોમિયા વિના ડુંગરા ભમવાની હિમાયત કરી છે. પરંતુ ભોમિયા સાથે ડુંગરા ભમવાની કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસ ધામ ની મુલાકાત લેવાની લહેજત કંઇક અનેરી હોય છે.મયુરસિંહ જેવા ભોમિયા પ્રવાસને યાદગાર અને લહેજતદાર બનાવે છે.

Whatsapp Join Banner Guj