NASA Deepak Shashtri 2 2

નાસા દ્વારા યોજાયેલ લ્‍યુનાર કોમ્‍પીટીશનમાં દ્વિતીય સ્‍થાન મેળવતો ખંભાતનો યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્ત્રી

વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્‍થાન ધરાવતી નાસા દ્વારા યોજાયેલ લ્‍યુનાર કોમ્‍પીટીશનમાં દ્વિતીય સ્‍થાન મેળવતો ખંભાતનો યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્ત્રી

  • ભારદ્વાજ શાસ્‍ત્રીએ ચંદ્ર પર માનવ વસાહતની ડિઝાઇન બનાવી હતી
  • પોતાની માનવ વસાહતની ડિઝાઇનને ચંદ્ર પર મોકલવાના અભિયાનમાં જોડવામાં આવશે તેવો વિશ્વાસ ભારદ્વાજ ધરાવે છે
  • સમગ્ર વિશ્વમા રાષ્‍ટ્ર-રાજય-જિલ્‍લા અને ખંભાતનું નામ રોશન કરતો ખંભાતનો યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્‍ત્રી

આણંદ,૨૯ ઓગસ્ટ:વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્‍થાન ધરાવતી નાસા દ્વારા આગામી સમયમાં ચંદ્ર પર માનવ વસાહત અંગેનું સંશોધન હાથ ધરવામાં આવનાર છે. આ સંશોધન અંતર્ગત નાસા દ્વારા ચંદ્ર પર રોવર મોકલીને માનવ રહેણાંક સહિતની બાબતો અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. આ મિશનના ભાગરૂપે નાસા દ્વારા સૂચનો અને ડિઝાઇન મેળવવા માટે વિશ્વ સ્‍તરે નાસાની લ્‍યુનર રોવર પેયલોડ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ૧૩૨ સ્‍પર્ધકોએ ડિઝાઇન તૈયાર કરીને સૂચનો મોકલ્‍યા હતા. જેમાંથી એક આણંદ જિલ્‍લાના ખંભાત ખાતે ભૈરવનાથ મંદિર અને ભવનાથ મંદિરના પૂજારી શ્રી બચુભાઇ શાસ્‍ત્રીના પૌત્ર અને દિપકભાઇ બચુભાઇ શાસ્‍ત્રીનો યુવાન પુત્ર ભારદ્વાજએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. ખંભાતમાં રહેતા ભારદ્વાજ દીપકભાઇ શાસ્‍ત્રીએ બારડોલી ખાતેની મીકેનીકલ એન્‍જિનિયરીંગની ડીગ્રી પ્રાપ્‍ત કરી હતી. ભારદ્વાજને સ્‍પેસ અને યુનિવર્સમાં રૂચિ હોવાથી તેણે પોતાની કારકિર્દીને ઊંચાઇ પર લઇ જવા માટે મન મકકમ કરીને જર્મનીમાંથી હાયર એજયુકેશન લેવાનું નકકી કરી જર્મનીમાં બે વર્ષ માસ્‍ટર ઇન સ્‍પેસ ટેકનોલોજીનો અભ્‍યાસ કરવા જર્મની પહોંચી ગયો અને જર્મનીમાં માસ્‍ટર ઇન સ્‍પેસ ટેકનોલોજીના અભ્‍યાસક્રમમાં જોડાયો.

આ અભ્‍યાસ દરમિયાન એક વર્ષમાં સ્‍વીડનમાં રહીને સ્‍પેસને લગતી બધી જ સ્‍પર્ધાઓમાં ભાગ લીધો અને તેમાં સફળતા પણ મેળવી. ભારદ્વાજના આ સ્‍પેસ પ્રત્‍યેના લગાવના કારણે ચાલુ વર્ષે વિશ્વમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્‍થાન ધરાવતી નાસાએ લ્‍યુનાર કોમ્‍પીટીશનનું આયોજન કર્યું હતું. આ સ્‍પર્ધામાં ભારદ્વાજે પોતાની લ્‍યુનાર સરફેસ એનરજીટીક ન્‍યુટ્રાલ્‍સ એનેલાયઝર નામની લ્‍યુનાર સરફેસ પર મોકલાય તે માટેની ડિઝાઇન તૈયાર કરી. ભારદ્વાજ વેકેશનમાં પોતાના વતન ખંભાતમાં આવ્‍યો હતો. પરંતુ ખંભાત આવ્‍યા બાદ કોરોના મહામારીને કારણે તેણે વતન ખંભાતમાં જ રોકાઇ જવું પડયું હતું જેના કારણે ભારદ્વાજે ખંભાતમાં ઘરે બેઠાં જ આખી ડિઝાઇન તૈયાર કરી હતી. પોતે તૈયાર કરેલી આ ડિઝાઇન અંગેની વાત કરતાં ભારદ્વાજ જણાવે છે કે, નાસા દ્વારા ૨૦૨૪માં ચંદ્ર પર રોવર મોકલવામાં આવનાર છ. જે કદમાં ખૂબ જ મોટું હોવા સાથે તેમાં વિવિધ પ્રકારના ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ ગોઠવવામાં આવનાર છે.

NASA Deepak Shashtri

જે પૈકીનો એક માનવ રહેણાંક માટેની ડિઝાઇન બનાવવા નાસાએ વિશ્વ સ્‍તરે લુનાર રોવર પ્‍લેલોડ સ્‍પર્ધા યોજી હતી જેમાં મેં ભાગ લઇને ખંભાતમાં ઘરે બેઠાં જ સતત ચાર માસ સુધી ડિઝાઇન સહિતના સોફટવેર દ્વારા ડોકયુમેન્‍ટરી અને રહેણાંકની ડિઝાઇન તૈયાર કરી હતી જેનું નામ લુનાર સરફેસ એનર્જીક ન્‍યુટ્રીસ એનાઇઝર છે. ભારદ્વાજે પોતે તૈયાર કરેલી માનવ વસાહતની ડિઝાઇનને ચંદ્ર પર મોકલવાના અભિયાનમાં જોડવામાં આવશે તેવો વિશ્વાસ વ્‍યકત કરતાં કહ્યું કે, આ સાધનનું નામ એલઇએ છે જેના ઉપયોગથી ચંદ્ર પર માનવ વસાહત માટે કયું સ્‍થળ યોગ્‍ય રહેશે તે શોધવામાં મદદરૂપ બનશે.

વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્‍થાન ધરાવતી નાસા આયોજિત આ સ્‍પર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ભાગ લેનાર ૧૩૨ હરીફોમાંથી ભારદ્વાજ દિપકભાઇ શાસ્‍ત્રીએ તૈયાર કરેલ ડીઝાઇનને સમગ્ર વિશ્વમાં બીજું સ્‍થાન પ્રાપ્‍ત કરતાં નાસા દ્વારા ભારદ્વાજ શાસ્‍ત્રીને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું છે. આમ ખંભાતના યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્‍ત્રીએ પોતાના શાસ્‍ત્રી પરિવારનું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રાષ્‍ટ્ર-રાજય-જિલ્લા તેમજ ખંભાત શહેરનું નામ ગૂંજતું કર્યું છે.

સંકલન: સંજય શાહ, સહાયક માહિતી નિયામક, આણંદ