Amit shah speech 2

સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી વિકાસોત્સવનો શુભારંભ: કેન્દ્રીય ગૃહ મંત્રી

Amit shah bhuj border area devlopment
  • દેશની આંતરરાષ્ટ્રીય – આંતરીક સુરક્ષા મજબુત હશે તો જ ભારત સમૃધ્ધ બનશે
  • સીમાવર્તી રાજ્યો – ગામોના જન પ્રતિનિધિ – નાગરિકો સાચા અર્થમાં સીમાના પ્રહરી
  • સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શ્રુંખલા : વડાપ્રધાનશ્રી કક્ષાએ સતત મોનીટરીંગ કરાશે
  • દેશ – રાજયની સીમાઓ માતાના આંચલ સમાન : તેની સુરક્ષાની જવાબદારી પ્રત્યેક દેશવાસીઓની
  • સીમાઓ ઉપર માળખાકિય સુવિધાઓ વધારવાનો નિર્ધાર
  • સુરક્ષા દળોના દવાખાનામાં આમ નાગરિકને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

અહેવાલ: દિલીપ ગજજર/ હેતલ દવે

કચ્છ સીમા, ૧૨ નવેમ્બર: સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, દેશની સુરક્ષા માટે કાર્ય કરતા જવાનોની સાથે સીમાવર્તી ગામના લોકો અને જન પ્રતિનિધિઓ પણ સીમાના પ્રહરીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની સીમાના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સીમા સુરક્ષા સબંધિત સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાની સાથે સીમાઓ પર પલાયન રોકવા, સીમાના ગામડાઓનો વિકાસ કરવા અને લોકોમાં દેશભકિત વધુ જીવંત બનાવવાની સાથે સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.

whatsapp banner 1

સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શ્રૃંખલા છે અને આવનારા દિવસોમાં આ વિકાસોત્સવ દેશના વિવિધ પ્રાંત – સીમા વિસ્તારોમાં પણ યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને હું પોતે પણ દેશની જમીન સાથે સંકળાયેલી તમામ સીમાઓ પર સમયાંતરે મુલાકાત લઇ આ વિકાસોત્સવ કાર્યક્રમનું મોનીટરીંગ કરીશું. જયાં સુધી સીમા ઉપર રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો સીમા સુરક્ષા બાબતે જાગૃત નહીં બને ત્યાં સુધી સીમાઓને સાચા અર્થમાં સુરક્ષિત રાખી નહીં શકાય તેમ જણાવતાં ગૃહમંત્રીશ્રી શાહે કહયું હતું કે, દેશની અને રાજયની સીમાઓ માતાના આંચલ સમાન છે. તેની સુરક્ષા કરવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની ફરજ છે. તે પછી દેશની આંતરીક સુરક્ષા હોય કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા હોય. દેશની આંતરિક સુરક્ષા જયાં સુધી મજબૂત નહી હોય ત્યાં સુધી દેશ આગળ વધી નહીં શકે અને તેથી જ વડાપ્રધાનશ્રીએ દેશની સીમાઓને અભેદ બનાવવા સંકલ્પ સાથે પરીન્દુ પણ પર ન મારી શકે તેવું કાર્ય કર્યુ છે. દેશની એક ઈંચ પણ જમીન કોઇ પચાવી ન પાડે તે માટે દેશના જવાનો આંખમાં આંખ મિલાવીને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. તેમણે ઉમેર્યુ કે, કાશ્મીર પુલવામાં આંતકવાદી હુમલા સામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા જડબોતોડ જવાબ આપીને વિશ્વને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે.

Amit shah Speech at bhuj border

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહેએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના કપરા કાળ સામે સમગ્ર વિશ્વ જયારે ઝઝુમી રહયું હતું ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિંમતભર્યા નિર્ણયો લઇને વિશ્વથી અલગ વિચારીને જે નિર્ણયો કર્યા અને તેની સાથે સાથે ૧૩૫ કરોડ ભારતીયોનો વ્યાપક જન સહયોગ સાંપડયો જેના પરિણામે આજે આપણે સંક્રમણ અટકાવી શકયા. અને સાથેસાથે અર્થતંત્રને પણ તૂટતું બચાવી શકયા છીએ. આપણે સૌ ઉત્સવપ્રિય છીએ ત્યારે તેમણે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવતાં કહયું કે, આવનારા તહેવારો પણ આપણે ઉજવીએ પરંતુ સંપૂર્ણ સાવધાની અને તકેદારી સાથે જ ઉજવીશું કેમ કે હજુ કોરોના ગયો નથી.
તેમણે ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક વિપક્ષી રાજકીય દળોએ સહયોગ આપવાના બદલે રાજકીય નિવેદનો કર્યા અને જુઠાણા ફેલાવીને દેશને બદનામ કરવાના પ્રયાસો કર્યા તે સમયે પણ દેશવાસીઓએ જે સહયોગ આપ્યો છે. જેના પરિણામે આપણે બચી શકયા છીએ. દેશવાસીઓએ પ્રધાનમંત્રી પર મૂકેલો ભરોસો એમણે સુપેરે નિભાવ્યો છે. એટલે જ વિવિધ રાજયોમાં ચુંટણી દરમ્યાન લોકો પ્રધાનમંત્રી સાથે ચટ્ટાનની જેમ ઉભા છે. લોકતંત્રમાં જનાદેશ જ મહત્વનો છે.

કેન્દ્રિય મંત્રીશ્રી શાહે ઉમેર્યુ કે, સરદાર સાહેબના સપનાઓને મૂર્તિમંત કરવાનું કામ અમારી સરકાર સુપેરે કરી રહી છે. સીમાઓ પર રસ્તા નિર્માણનું કામ વર્ષ ૨૦૦૮ થી ૧૪ દરમ્યાન ૧૭૦ કિ.મી. પ્રતિ વર્ષ થતું હતું ૨૦૧૪ થી ૨૦ દરમ્યાન ૪૮૦ કિ.મી. પ્રતિ વર્ષ કરી રહયા છીએ. એજ રીતે ભારત-ચીન સીમાપર સડક નિર્માણનું કામ પ્રતિ વર્ષ ૨૩૦ કિ.મી. થતું હતું એ ૪૭૦ કિ.મી. પ્રતિ વર્ષ થાય છે. સીમાઓ પર ૨૦૦૮ થી ૧૪ માં ૧ જ સુરંગ નિર્માણ થયું હતું. વર્ષ ૨૦૧૪-૨૦માં ૬ નવી સુરંગોનું નિર્માણ કર્યુ છે અને ૧૯ નવી સુરંગોના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. એ જ રીતે સીમાની સુરક્ષાઓ વધારવા માટે બજેટમાં પણ ઉતરોત્તર વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૮-૧૪માં રૂ.૩૩૦૦ કરોડ હતા તેની સામે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૫૪૦૦ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ.૬૭૦૦ કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧ હજાર કરોડના જંગી બજેટની જોગવાઇ પણ કેન્દ્રની અમારી સરકારે કરી છે. છેલ્લા પચાસ વર્ષમાં સીમાઓ પર ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણનું જે કામ નથી થઇ શકયું તે અભિયાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે હાથ ધર્યુ છે. સીમાઓ પર ભૌગોલિક પરિસ્થિતિ અનુકુળ ન હોવા છતાં પણ આ ક્ષેત્રના નાગરિકોએ ઘરે ઘરે વીજળી, મકાન, શૌચાલય, ગેસનો ચૂલો અને રૂ.૫ લાખની સ્વાસ્થ સુરક્ષા પહોંચાડવાનું કામ કરી રહયા છીએ. તેમણે ઉમેર્યુ કે, સુરક્ષા દળોના દવાખાનાઓમાં પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની સુવિધા બી.એસ.એફ.ના દવાખાનાઓમાં નાગરિકોને પુરી પાડવાનાં જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. જેના પરિણામે સેનાના જવાનો, નાગરિકો માથે ભાઇચારાનું નિર્માણ થઇ શકશે અને નાગરિકોને સારવાર માટે દુર જવું નહીં પડે.

Amit shah Bhuj

મંત્રીશ્રી શાહે ઉમેર્યુ કે, ગુજરાતમાં જયારે જયારે કચ્છ આવું ત્યારે ભયાનક ભૂકંપની યાદ તાજી થાય છે એ કાળ આજે પણ ભૂલી શકાય એમ નથી. ભૂકંપે કચ્છમાં જે તારાજી સર્જાઇ હતી ત્યારે વિશ્વ એમ માનતું હતું કે કચ્છ હવે બેઠું નહીં થાય પરંતુ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીના પરિણામે આજે કચ્છ બેઠું થયું અને ઉધોગ, ધંધા, રોજગાર પુનઃ ધબકતાં થયાં છે. કચ્છના રણોત્સવ અને ધોરડો ટેન્ટસિટિ આજે વિશ્વ ફલક પર આવી ગયા છે. જેના પરિણામે દેશ-વિદેશના પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહયા છે. પરિણામે આજે સ્થાનિક કક્ષાએ ઉતરોતર વધારો થયો છે. કૃષિ વિકાસની સાથેસાથે પશુપાલન અને પીવાના પાણી સુવિધા પણ ગુજરાત સરકાર નલ સે જલ યોજના દ્વારા ઘર ઘર સુધી પુરી પાડી રહી છે. નર્મદાના નીર આજે ખાવડા સુધી પહોંચ્યા છે જેનો લાભ નાગરિકો આજે લઇ રહયા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સીમામાં સુરક્ષાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા સીમાના ગામડાઓના વિકાસ માટે સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, રાજય – કેન્દ્ર સરકાર સીમાઓ પરના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર બનાવવા કટિબધ્ધ છ
કચ્છના સફેદ રણમાં સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા સરપંચ સંમેલનમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે સહભાગી બનેલા મુખ્યમંત્રીશ્રીએ કચ્છની સાથે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સીમાવર્તી ગામડાઓના વિકાસ માટેના રાજય સરકારના આયોજનબધ્ધ કામોનો ચિતાર આપ્યો હતો. તેમણે રોજગારીના સર્જન થકી સીમાને સમૃધ્ધ બનાવવા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતુ કે, કચ્છ જિલ્લામાં રોજગારીના સર્જનની સાથે દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના સરહદી વિસ્તાર ઉપર શરૂ થવા જઇ રહયો છે. આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા માટેના પ્લાન્ટનું કામ પણ હાથ ધરાયું છે, જે પૂર્ણ થતાં આ વિસ્તાર માટે પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે.

Amit shah

કચ્છ જિલ્લાના વિકાસની સાથે અહીંના પ્રવાસન સ્થળોના વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરવા માતાના મઢના વિકાસ માટે ૩૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેની સાથો – સાથ નારાયણ સરોવરના વિકાસ માટે પણ સરકાર વિચારશીલ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, ગુજરાતની સીમા ઉપરના ગ્રામજનોમાં દેશભકિતની ભાવના પ્રબળ બને તે માટે નડાબેટ ખાતે સીમા દર્શન માટેના પ્રોજેકટનું આગવું કાર્ય હાથ ધરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સીમાઓ વધુ સુવિધાસભર બનાવવાની સાથે લોકોને જાગૃત બનાવવા સીમાઓના ગામડાઓના સર્વાગી વિકાસ સાથે સીમાઓને વધુ સુરક્ષિત બનાવવાની નેમ પણ વ્યકત કરી હતી.

કેન્દ્રિય કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે સીમાવર્તી રાજયોમાં વિકાસ કામોને ઐતિહાસિક અવસર ગણાવતાં જણાવ્યું કે, ગુજરાતની ભૂમિ જ એટલી પવિત્ર છે કે, તમામ ક્ષેત્રે ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી થકી દેશને નવો રાહ ચીંધ્યો છે. તેમણે ઉમેર્યુ કે, જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગ્યું કે, કચ્છ ફરીવાર ઉભું નહીં થાય, પરંતુ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઠાસુઝ અને દીર્ધદષ્ટિના પરિણામે આજે કચ્છ વિશ્વના નકશા પર પ્રસ્થાપિત થયું છે. શ્રી તોમરે ઉમેર્યુ કે, ગુજરાતના આ પનોતા પુત્રએ વડાપ્રધાનનું સુકાન સંભાળ્યુ ત્યારથી દેશમાં ઈમાનદારી અને પારદર્શિતાથી આર્થિક ગતિવિધિ વધારીને રોજગારીના નિર્માણ દ્વારા અર્થતંત્રને વધારવાનો અવિરત પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે હિંમતભર્યા નિર્ણયો અને જરૂર પડે તો કાયદાકીય સુધારા કરીને ગરીબ-છેવાડાના માનવીના સુખ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે.

મંત્રીશ્રી તોમરે વડાપ્રધાનશ્રીને ગરીબોના મસીહા ગણાવતા કહયું કે, ગરીબો માટે તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. વર્ષ ૨૦૨ર સુધીમાં તમામ ગરીબોને ઘરના ઘરનું સપનું પૂર્ણ કરીને આવાસા સુવિધા ઉપલબ્ધ બને તે માટેનું સંનિષ્ઠ કાર્ય આરંભ્યુ છે, તે ચોકકસ પૂર્ણ કરશે. ૧૩મા નાણાપંચમાં વર્ષ ૨૦૧૪ પહેલા પાંચ વર્ષમાં ૬૫ હજાર કરોડ રૂપિયા ફાળવાતા હતા. પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૪ નાણાંપંચ હેઠળ ૨ લાખ ૨૯૨ કરોડની જોગવાઇ કરીને ફાળવ્યા છે. તે પૈકી ૯૯ ટકા પૈસા ગામડાઓને પહોંચાડી દીધા છે અને ૧૫ મા નાણાં પંચમાં ૧ વર્ષ માટે રૂ. ૬૦ હજાર કરોડની જોગવાઇ પણ કરી છે. જે પૈકી ૩૫ હજાર કરોડ તો રાજયોને પહોંચાડી દીધા છે. તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય સ્તરે પાકી સડક માટે અટલ બિહારી વાજપેયી ગ્રામ સડક યોજનાને બીજા તબકકામાં રૂપિયા ૮૦,૨૫૦ કરોડના ખર્ચે ૧.૨૫ લાખ કિ.મી. માર્ગોનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. તે પણ પરિપૂર્ણ કરાશે. જેનાથી ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થશે.

સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતાં મુખ્યસચિવશ્રી ડો. અનિલ મુકિમે જણાવ્યુ હતુ કે, સરહદ વિસ્તારના વિકાસ કામોનો વિકાસોત્સવ કાર્યક્રમ રાજયમાં પ્રથમવાર યોજાઈ રહયો છે. જે આ વિસ્તારના લોકો માટે ગૌરવની વાત છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાનીંગ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવે છે. આ યોજના હેઠળ રાજયના કચ્છ, બનાસકાઠાં અને પાટણ જિલ્લા જે આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે. આ ત્રણેય જિલ્લાના ૧૫૮ ગામોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ સુવિધા, પીવાના પાણી સહિત વિવિધ આંતર માળખાકિય સવલતોના નિર્માણ થકી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, આ જિલ્લાઓમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાનીંગ પ્રોજેકટ સહિત રાજય સરકારની અન્ય યોજના દ્વારા પણ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે. મુખય સચિવશ્રીએ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી યોજનાઓની છેલ્લા બે વર્ષમાં હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપી હતી. તેમણે ઉપસ્થિત સૌને અહીં ઉભા કરાયેલા પ્રદર્શનને નિહાળીને રાજયની યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે અનુરોધ કર્યો હતો.
આ તકે બી.એસ.એફ. ના ડી.જી.પી. શ્રી રાકેશ અસ્થાના દ્વારા બી.એસ.એફ.ની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ તેમના ગામ – વિસ્તારમાં ‘‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’’ અંતર્ગત હાથ ધરાયેલ વિકાસ કામોનો ઉલ્લેખ કરી તેમના સરહદી વિસ્તારના વિકાસ માટે રાજ્ય – કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ વિભાગના વિવિધ અધિકારીશ્રીઓને યુનિયન હોમ મિનીસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ આપી સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, સમાજ કલ્યાણ રાજય મંત્રીશ્રી વાસણભાઈ આહિર, યુનિયન હોમ સેક્રેટરીશ્રી અજીતકુમાર ભલ્લા, ઈન્ટેલીજન્સ બ્યુરોના ડાયરેકટરશ્રી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીશ્રી કે. કે. નિરાલા, ગૃહ વિભાગના ડાયરેકટરશ્રી આશિષ ભાટીયા, સાંસદ સર્વશ્રી વિનોદ ચાવડા, પરબતભાઈ પટેલ, ભરતસિંહ ઠાકોર, ધારાસભ્યો સર્વશ્રી નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદયુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.