181

181 Abhayam team: યુવતીને ધમકી આપી ત્રાસ આપનાર યુવકની સાન ઠેકાણે લાવતી ૧૮૧ અભયમ ટીમ

181 Abhayam team: કાયદાકીય જોગવાઈ અને જેલસજાની સજાનું ભાન થતા યુવકે યુવતીને ક્યારેય હેરાન-પરેશાન કરશે નહીં તેવી ખાતરી આપી

સુરત, 19 એપ્રિલ: 181 Abhayam team: મહિલાઓ માટે સંકટના સમયનો સાથી બનેલી ૧૮૧ અભયમ હેલ્પલાઈન ફરી એક વાર સુરત શહેરની એક પીડિત યુવતીની વ્હારે આવી છે. અભયમ ટીમ પુણા પાસે, પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને સોશ્યલ મીડિયામાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપી ત્રાસ આપનાર યુવકની સાન ઠેકાણે લાવી હતી.

અભયમથી પ્રાપ્ત વિગતો મુજબ કોલેજમાં અભ્યાસ કરતી પર્વત પાટીયાની અનુજા (નામ બદલ્યું છે) ૨૩ વર્ષીય વિદ્યાર્થિની એક યુવક સાથે સોશ્યલ મીડિયા દ્વારા પરિચયમાં આવતા ૬ માસથી પ્રેમસંબંધમાં હતી. અનુજાને થોડા દિવસોમાં જ જાણ થઈ કે પ્રેમી દારૂ પીવાની ટેવ ધરાવે છે. ફોન પર ઝઘડો કરીને ક્યારેક કોલેજ પહોંચી જતો અને અનુજાને બોલાવી મારપીટ કરતો. ક્લાસમેટ સાથે વાતચીત પણ ન કરવા દબાણ કરતો.

ઉપરાંત, શંકા-કુશંકા કરી મારપીટ કરતો હોવાથી આખરે અનુજાએ તેની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. યુવકનો મોબાઈલ નં. પણ બ્લોક કર્યો, પણ આવારા પ્રેમી દરરોજ નવા-નવા નંબરો પરથી કોલ કરી ધમકી આપી પ્રેમસંબંધ રાખવાનું દબાણ કરતો, જો તેમ નહીં કરે તો ફોટા-વિડીયો વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો. ઉપરાંત, કોલેજમાં આવીને પોતે મરી જવાની ધમકી આપતો હતો. આખરે થાકી-હારીને પીડિત અનુજાએ ૧૮૧ પર કોલ કરીને આપવિતી જણાવી મદદ માંગી હતી.

અભયમ ટીમે યુવકને બોલાવી કડકાઈથી સમજાવ્યો હતો. તેમજ કાયદાકીય પગલાઓ અને યુવતીને બ્લેકમેઈલ કરવાની કડક જેલ સજા થઈ શકે છે, કોઈના અંગત ફોટા મોબાઈલમાં રાખવા અને તેનો દુરૂપયોગ કરવો એ ગુનો છે. એમ સમજાવતા યુવકની સાન ઠેકાણે આવી હતી. આ ઉપરાંત તેના મોબાઈલમાં રહેલા ફોટા-વિડીયો ડિલીટ કરાવ્યા હતા. કાયદાકીય જોગવાઈ અને જેલસજાની સજાનું ભાન થતા યુવકે હવે પછી અનુજાને ક્યારેય હેરાન-પરેશાન કરશે નહીં તેવી ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Tamil family welcome at surat railway station: મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો