CM Bhupendra Patel 1

Gurukul for Girl in Gujarat: દેશના ઈતિહાસમાં પહેલીવાર સુરતના વડોદ ખાતે દીકરીઓ માટેનું ગુરૂકુલ નિર્માણ પામશે

Gurukul for Girl in Gujarat: ૨૨મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન થશે

સુરત, 19 એપ્રિલ: Gurukul for Girl in Gujarat: સામાન્ય રીતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં છોકરાઓ જ અભ્યાસ કરતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે દેશના ઈતિહાસમાં સુરતની ધરતી પર પહેલીવાર દીકરીઓ માટેનું ગુરૂકુલ નિર્માણ પામશે. આઉટર રિંગરોડથી બે કિ.મી.ના અંતરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્રણ તબક્કામાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારે બાલિકાઓ માટેનું વિશેષ ગુરૂકુલ સાકાર થશે.

જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. આગામી તા.૨૨મી એપ્રિલના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે.

જૂન ૨૦૨૪ થી કાર્યરત થનાર આ ગુરૂકુલમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથેનું શિક્ષણ ઉપલબ્ધ થશે. ધો. ૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા તેમજ ધો. ૧ થી પ સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા ઉભી થશે. ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના પોતાના સંતાનના સંસ્કાર અને શીલની રક્ષા ઈચ્છતા દેશ-વિદેશના કોઈ પણ વાલીઓ પોતાની દીકરીઓને કન્યા ગુરૂકુલમાં પ્રવેશ અપાવી શકશે.

આ ગુરૂકુલમાં પ્રથમ તબક્કામાં ૬૦૦ જેટલી દીકરીઓને રહેવા જમવા સાથે અભ્યાસની વ્યવસ્થા કરાશે. બીજા તબક્કામાં વધુ ૧૨૦૦ અને ત્રીજા તબક્કા મળી કુલ ૨૦૦૦ થી ૨૫૦૦ દીકરીઓને અભ્યાસ તથા રહેવા-જમવાની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે.

આ ગુરૂકુલનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. કેમ્પસમાં પુરૂષ વાલીને પણ પ્રવેશ નહીં હોય એમ રાકેશભાઈ દુધાતે વિગતો આપતા જણાવ્યું હતું.

સુરત ગુરૂકુલના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ ગુરૂકુલો કાર્યરત છે, જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા છાત્રાલયમાં રહીને વિદ્યા સાથે સંસ્કાર મેળવી રહ્યા છે. આ સર્વ ગુરૂકુલો કુમાર (છોકરાઓ) માટેના છે, જ્યારે દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેના ગુરૂકુલ બનવા જઈ રહ્યું છે.

વધુમાં પ્રભુ સ્વામીએ કહ્યું કે, વર્ષ ૧૯૪૮માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરૂકુલની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન સંચાલિત આ શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલની સ્થાપના ૭૫ વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે.

પોતાની શુભલક્ષ્મી માતૃશક્તિના કાર્યને ઉજાગર કરવા માટે ઉપયોગ કરવાની ઈચ્છા હોય તેવા દાતાઓને પણ આ ગુરૂકુલ આવકારે છે. રૂ.૫૧ લાખ અર્પીને દાતા પરિવારની મહિલાઓ કન્યા ગુરૂકુલના ટ્રસ્ટી બની શકે છે. રૂ.૫ લાખમાં એક રૂમના દાતા બનવાનો પણ લાભ લઈ શકાય છે.

હાલ ૧૮ વીઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. કુલ છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે. પ્રથમ ફેઝમાં ૩.૫૦ લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. તા.૨૨મીએ વડોદ ગામે કિરણ મેડિકલ કોલેજની પાછળ, તાપી નદીને સામે કિનારે ૧૦ હજાર ઉપરાંત મહિલા, પુરૂષો, અતિથિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

વિશેષત: મુખ્યમંત્રી સાથે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજ દેવકૃષ્ણદાસ સ્વામી, મહંત દેવપ્રસાદદાસ સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના ધર્મવલ્લભદાસ સ્વામી વગેરે સંતો તથા દાતાઓ ભૂમિપૂજન વિધિમાં જોડાશે.

જૂન-૨૦૨૪માં બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે અને શૈક્ષણિક વર્ગો શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજકોટમાં પણ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રામમંદિર પાસે, રતનપર ગામે દીકરીઓ માટે ગુરૂકુલના નિર્માણ કરવા માટેનું કાર્ય વેગવંતુ છે.

આ પણ વાંચો… 181 Abhayam team: યુવતીને ધમકી આપી ત્રાસ આપનાર યુવકની સાન ઠેકાણે લાવતી ૧૮૧ અભયમ ટીમ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો