72nd Convocation of Gujarat University

72nd Convocation of Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના ૭૨મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા

72nd Convocation of Gujarat University: સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના ૫૧,૬૨૨ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા

  • એક ગુજરાતી દિલ્હી જાય છે ત્યારે તેનો પ્રભાવ ગુજરાત પર તો પડે જ છે, દેશ અને દુનિયા પર પણ પડે છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
  • અમૃતકાળમાં યુવા શક્તિએ ભારતને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર, 19 જાન્યુઆરીઃ 72nd Convocation of Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના ૭૨માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના ૫૧,૬૨૨ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ-કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ-કલામ ભવનમાં જ આયોજિત દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ કહ્યું હતું કે, યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ. જો તમને સફળતા ન મળે તો નિરાશ કે હતાશ થઈ જવાને બદલે મક્કમ મને મુકાબલો કરશો તો સફળતા જરૂરથી મળશે.

આઝાદીના અમૃતકાળમાં કર્તવ્યકાળની એક મજબુત નીવ મૂકવામાં આવી છે. જ્યારે દેશ વર્ષ ૨૦૪૭માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો હશે ત્યારે યુવાનો પર સૌથી વધુ આશા હશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગુજરાત પધારેલા ઉપરાષ્ટ્રપતિએ ઉત્સાહભેર જણાવ્યું કે, હું ભાગ્યશાળી છું કે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો. ગુજરાત આવીને મને સારું લાગે છે, જ્યારે એક ગુજરાતી દિલ્હી જાય છે ત્યારે તેની અસર ગુજરાત પર તો પડે છે સાથે સાથે દેશ અને દુનિયા પર પણ પડે છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે ‘અટલ કલામ રિસર્ચ સેન્ટર’નું ઉદ્ઘાટન કરીને પોતે ભાગ્યશાળી હોવાનો ગૌરવભેર સ્વીકાર ઉપરાષ્ટ્રપતિએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સેન્ટરનું નામ ભારતના બંને મહાન પુત્રો અટલ બિહારી વાજપેયી અને એપીજે અબ્દુલ કલામના નામ પર છે એ આપણાં સૌ માટે એક ગૌરવની વાત છે. આ અવસરે તેમણે સ્વ.એપીજે અબ્દુલ કલામના પ્રેરણાદાયી કિસ્સાઓની વાત પણ યુવાનો સમક્ષ કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા વિશે તેમણે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતે ગ્લોબલ ડેવલપમેન્ટ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ સાથે તેમણે ગુજરાતને લેન્ડ ઓફ ઇનોવેશન પણ ગણાવ્યું હતું અને ગુજરાતના ગ્રીન હાઈડ્રોજન મિશનની પણ સરાહના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે અનેક સારા નિર્ણયો કર્યા છે. તેમણે સૌ પ્રથમ ગામે-ગામ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનએ હર ઘર નલ સે જલ યોજના થકી છેવાડા સુધી પાણી પહોંચાડ્યું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ઉજ્જવલા યોજના થકી ૧૦ કરોડથી વધારે ઘરોને મફત ગેસ કનેક્શન મળ્યા છે. આજે અનેક લાભાર્થીઓને બેંક ખાતાના માધ્યમથી સરકારી સહાય પૂરી પારદર્શિતા સાથે તેમના સુધી પહોંચે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતની ભૂમિ અંગે વાત કરતા ઉપરાષ્ટ્રપતિ એ કહ્યું કે, ગુજરાતની માટીમાં કંઈક ખાસ છે. વાત સરદાર વલ્લભભાઈ પટેલની હોય કે પછી મહાત્મા ગાંધીજીની હોય કે પછી હાલમાં દેશનું નેતૃત્વ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની હોય. દરેક કાળખંડમાં અનેક એવા મહાપુરુષો ગુજરાતની ભૂમિ પર જન્મ્યા છે જેમને ભારતનું નામ દેશ અને દુનિયામાં આગળ વધાર્યું છે. આમ, આ કાળખંડ ભારતના વિકાસનો છે. આ કાળખંડ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનાર છે.

ઈતિહાસ પર થોડો પ્રકાશ ફેંકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતના બંધારણ અને દેશના એકીકરણમાં બે મહત્વની બાબતો છે, સરદાર પટેલ જમ્મુ-કાશ્મીર સિવાય તમામ રાજ્યોના એકીકરણમાં સામેલ હતા! અને બીજા ડૉ. બી.આર. આંબેડકર, મુસદ્દા સમિતિના અધ્યક્ષ, આપણા ભારતીય બંધારણના પિતા કે તેમણે કલમ 370 સિવાય બંધારણના દરેક અનુચ્છેદનો મુસદ્દો તૈયાર કર્યો હતો.

ભારતના બંધારણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ આપ્યું છે તેમાં 22 ચિત્રો છે, તેમાં આપણી 5000 વર્ષની સાંસ્કૃતિક વારસાની ઝલક છે, સારનાથનું અશોક પ્રતીક છે, ગુરુકુળની પરંપરા છે અને તેનો સૌથી મહત્વનો ભાગ એ છે જેને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે કે જે લોકશાહીનું અમૃત અને લોકશાહી મૂલ્યોનો સાર જેના વિના લોકશાહી અધૂરી છે. આ મૂળભૂત અધિકારના લખાણની ઉપરનું ચિત્ર રામ, સીતા અને લક્ષ્મણનું છે એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ આપણા બંધારણનો ભાગ છે તેવું એમણે કહ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ કાયદો અને વ્યવસ્થાની વાત કરતા કહ્યું કે, દેશના સૌ નાગરિકોની રક્ષા કરવા માટે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવી છે. આજે કાયદાની ઉપર કોઈ નથી અને આજે કાયદાએ સામાન્ય માનવીમાં પણ અનેક આશાઓ જગાવી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રની વાત કરતા તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના અનેક દેશો કરતા ડિજિટલ ટ્રાન્જેક્શન ક્ષેત્રમાં સૌથી આગળ છે. એટલું જ નહીં ઇન્ટરનેટના ક્ષેત્રમાં પણ અનેક ક્રાંતિ ભારતે સર્જી છે. આ સાથે વર્લ્ડ બેંક આગામી સમયમાં ઇન્ડિયાને ફાસ્ટેસ્ટ ગ્રોથ ઇકોનોમી તરીકે પણ જોઈ રહી છે અને આ માત્ર નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે શક્ય બન્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

રાજ્યસભામાં હું દેશના સૌ યુવાનોનું ભવિષ્ય જોઉં છું. હું રાજ્યસભામાં પણ જે શાલીનતાથી વાત કરવા માગતા હોય તેમની વાત અચૂકથી સાંભળું જ છું. એટલું જ નહિ દેશહિતમાં કોઈ નિર્ણય હોય તો રાજ્યસભા અડધી રાત સુધી ચલાવવા માટે પણ તૈયાર છું. આજના યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે એટલે જો આજનો યુવાન પ્રજાતંત્રનો સારથી બનશે તો દેશ ભવિષ્યમાં અનેક ઉપલબ્ધિઓ હાંસિલ કરી શકશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ ૭૨મા પદવીદાન સમારોહ દરમિયાન બે એમઓયુ કરવામાં આવ્યા જેમાં પ્રથમ એમઓયુ વિમેન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે તેમજ દ્વિતીય એમઓયુ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવા સંસદ ભવનની મુલાકાતને લઈને કરવામાં આવ્યા હતા.

કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત:-

ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી‌. વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ. જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહેવું જોઈએ. એટલું જ નહીં, પોતાના જ્ઞાનને લોક કલ્યાણમાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં વહેંચતા રહેવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમૃતકાળમાં આ દેશના યુવાનો વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરે. જે ક્ષેત્રમાં કામ કરતા હોવ તે ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે યુવાનો કામ કરે એ સમયની માંગ છે.

દીક્ષાંત સમારોહના દિવસને આવનારા ભવિષ્યના નિર્માણનો દિવસ ગણાવતાં આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, ડિગ્રી મળી ગઈ એટલું પર્યાપ્ત નથી. યુવાનોએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું પાલન કરતાં કરતાં જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતાથી પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. જવાબદાર નાગરિક બનવું જોઈએ. માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે સન્માન સાથે જીવનભર આદરભાવ રાખવો જોઈએ.

અયોધ્યામાં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભ સાથે તેમણે કહ્યું કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે હંમેશા પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું. હંમેશા સત્યનું આચરણ કર્યું અને કર્તવ્યનું પાલન કર્યું ત્યારે તેમની પ્રતિષ્ઠા થઈ રહી છે. ભારતના પ્રત્યેક યુવાનોએ શ્રીરામના જીવનનું અનુસરણ કરવું જોઈએ, એમ કહીને તેમણે સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્રનું, પરિવારનું, કુળનું ગૌરવ વધારતા જીવનમાં આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ પ્રવેશ અને ગુજરાત યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેયના સુયોગથી ૭૨મો પદવિદાન સમારોહ વધુ  ગરિમામય બન્યો છે. તેમણે પદવી પ્રાપ્ત કરનારા યુવા છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેલી આ યુનિવર્સિટી આજે વિશાળ વટ વૃક્ષ બની છે.

એટલું જ નહીં, સ્પેસ પ્રોગ્રામના જનક ડૉ. વિક્રમ સારાભાઈથી લઈને રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિરલ પ્રતિભાઓ આ યુનિવર્સિટીએ આપી છે. મુખ્યમંત્રીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પણ આ ઉજ્જવળ પરંપરા આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ યુવાશક્તિને-યુથપાવરને એનર્જી, સ્કિલ અને સ્કેલ કહી છે તેનો સંદર્ભ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે ઉમેર્યું કે, દેશ ૨૦૪૭માં આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીના અમૃતકાળમાં યુવા શક્તિએ ભારત માતાને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે.

વિકસિત ભારત@૨૦૪૭ અને નવા ભારતના નિર્માણ માટે યુવાનોને તેમની એનર્જી અને સ્કીલ કામે લગાડવા અને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવવા પ્રેરક આહવાન પણ મુખ્યમંત્રીએ આ તકે કર્યું હતું. મુખ્યમંત્રીએ વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે પ્રથમ લક્ષ્ય વિકસિત ગુજરાત@૨૦૪૭ બનાવવાનું છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, ગુજરાતે દેશના રાજ્યોમાં અગ્રેસર રહીને પોતાનું આગવું વિઝન ડોક્યુમેન્ટ@૨૦૪૭ લોન્ચ કર્યું છે.

વિકસિત ભારતના નિર્માણની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનામાં ગુજરાતે આ જે ભાવિ રોડ મેપ કંડાર્યો છે તેનાથી હ્યુમન કેપિટલનું ગ્લોબલ સપ્લાયર ગુજરાત બને તેવું આયોજન કરી રહ્યા છીએ તેમ તેમણે કહ્યું હતું. હાયર એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૨૦૪૭ સુધીમાં ૬૫ ટકાથી વધુ લઈ જવાના નિર્ધાર સાથે રાજ્યની હાયર એજ્યુકેશન અને સ્કીલિંગ ઇકો સિસ્ટમને આ માટે સજ્જ કરવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝના હબ તરીકે ઉભરી આવ્યું છે તેની વિસ્તૃત વિગતો આપતા ફોરેન્સિક સાયન્‍સિસ, બાયોટેક, આઈ.ટી, રીન્યુએબલ એનર્જી, પોલિસીંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પિરસતી સંસ્થાઓને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્વોન્‍ટમ જંપ સમાન ગણાવી હતી.

મુખ્યમંત્રીએ ભગવાન રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં અને યોગેશ્વર શ્રીકૃષ્ણએ સાંદિપની મુનિના આશ્રમમાં રહીને શિક્ષા-દીક્ષા પ્રાપ્ત કર્યા હતા તેનું પૂણ્ય સ્મરણ કર્યું હતું. તેમણે આ અંગે યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, પુરાતન અને સનાતન જ્ઞાન વારસાના સંસ્કાર સાથે આધુનિક સમયાનુકૂલ જ્ઞાનના સમન્વયથી યુવાશક્તિએ દેશના અમૃતકાળને વિકાસનો અમૃતકાળ બનાવવા યોગદાન આપવાનું છે.

કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા:-

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ૭૫માં વર્ષમાં પ્રવેશેલી ગુજરાત યુનિવર્સિટીના ૭૨મા પદવીદાન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આપ સૌ યુવાનો ખૂબ આગળ વધી સમાજને ઉન્નત સ્થાન પર પહોંચાડો એવી શુભકામના પાઠવું છું.

ગુજરાત યુનિવર્સિટીના ૭૨મા વાર્ષિક પદવીદાન સમારંભમાં કુલ ૯ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં વિનયન વિદ્યાશાખામાં કુલ ૧૦,૨૯૪ વિદ્યાર્થીઓને, વિજ્ઞાન વિદ્યાશાખામાં ૫૭૧૮ વિદ્યાર્થીઓને, ઇજનેરી વિદ્યાશાખામાં ૦૭ વિદ્યાર્થીઓને, કાયદા વિદ્યાશાખામાં ૨૬૪૧, તબીબી વિદ્યાશાખામાં ૧૭૨૨ વિદ્યાર્થીઓને, વાણિજ્ય વિદ્યાશાખામાં ૨૭, ૮૩૫ વિદ્યાર્થીઓને, દંતવિજ્ઞાન વિદ્યાશાખામાં ૨૮૧ વિદ્યાર્થીઓને, શિક્ષણ વિદ્યાશાખામાં ૩૧૨૩ વિદ્યાર્થીઓને અને ફાર્મસી વિદ્યાશાખામાં ૦૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આમ કુલ ૯ વિદ્યાશાખાના ૫૧,૬૨૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો… Rejuvenation Of Ayodhya: અયોધ્યાની આધ્યાત્મિક યાત્રા આધુનિક કનેક્ટિવિટી સાથે ઉડાન ભરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો