Banner

Affection Meeting of PM Swanidhi Yojana Beneficiaries: અમદાવાદ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

Affection Meeting of PM Swanidhi Yojana Beneficiaries: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

અમદાવાદ, 24 ડિસેમ્બરઃ Affection Meeting of PM Swanidhi Yojana Beneficiaries: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન સમારંભને સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, કોરોનાની મહામારી સમયે દેશના નાના વેપારીઓ, ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા-વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશઃ ૧૦, ૨૦ અને ૫૦ હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે. તેમના ગેરંટર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

પીએમ સ્વનિધિ યોજના વિશે વધુ વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ યોજનામાં સૌથી ઓછું NPA જોવા મળ્યું છે. એટલે કે મોટાભાગની લોન પરત કરવામાં આવી રહી છે, જે નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓની પ્રામાણિકતાની સાબિતી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આ યોજના સ્વનિધિથી સ્વરોજગાર અને સ્વરોજગારથી સ્વાવલંબનનો મંત્ર સાર્થક કરે છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પીએમ સ્વનિધિ યોજનાના લાભોના વિતરણમાં દેશભરમાં સૌથી પ્રથમ ક્રમે છે. શહેરમાં ૧,૫૫,૧૦૬ શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૧,૪૮,૫૦૩ લાભાર્થીઓને ૧૮૬.૬૮ કરોડની લોન ચૂકવવામાં આવી છે.

સમયસર લોન પરત કરવાથી ૭% વ્યાજની સબસીડી લાભાર્થીને મળે છે. એટલું જ નહિ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી વાર્ષિક ૧૨૦૦ રૂપિયા કેશબેક પણ લાભાર્થીઓને મળે છે. આ યોજના અંતર્ગત અરજી કરનાર ૪૫% લાભાર્થીઓ મહિલાઓ છે. દેશમાં ૪૦ લાખથી વધુ ફેરિયાઓ આજે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં યોજનાના લાભોના વિતરણ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ૬ લાખ લોકોને ૭૭૨ કરોડ રૂપિયાથી વધુની લોન સહાય આપવામાં આવી છે. ૭૦,૦૦૦થી વધુ લોકોએ ડિજિટલ પેમેન્ટ અપનાવીને રૂપિયા ૨ કરોડથી વધુનો કેશબેક મેળવ્યો છે.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૫,૮૦,૦૦૦ જેટલા નાગરિકો કોઈને કોઈ યોજના અંતર્ગત લાભ મેળવી ચૂક્યા છે. મોટા ભાગની યોજનાઓમાં ૯૦% સેચ્યુરેશન થયું છે તથા ૭ જેટલી યોજનાઓમાં ૧૦૦% સેચ્યુરેશન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયું છે, જે ખૂબ મોટી સિદ્ધિ છે.

એકલા અમદાવાદમાં ૩.૨૫ કરોડ જેટલી વ્યાજ સબસીડી પૂરી પાડવામાં આવી છે. આ યોજના સહિત જનધન યોજના, પ્રધાનમંત્રી જન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જનની સુરક્ષા યોજના, વન નેશન- વન રેશન જેવી અનેકવિધ યોજનાઓ છેવાડાના, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોના ગુજરાન સહિત શિક્ષણ, આરોગ્ય અને આહાર જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મોદી સરકારના સુશાસનમાં થયેલાં કાર્યો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૬૦ કરોડ ગરીબોના જીવનધોરણ ઉપર આવ્યાં છે. ૩ કરોડ લોકોને ઘર, ૪ કરોડ લોકોને વીજળી, ૧૦ કરોડ લોકોને ગેસ જોડાણ, ૮૦ કરોડ લોકોને મફત અનાજ, ૧૨ કરોડ ખેડૂતોને પ્રત્યેકને રૂપિયા ૬ હજાર વાર્ષિક સહાય, ૬૦ કરોડ લોકોને ૫ લાખ સુધીની આરોગ્ય સહાય મળી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ૧૮ જેટલા પરંપરાગત વ્યવસાયકારોને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ૨ લાખ સુધીની લોન, ૧૫,૦૦૦ સુધીની ટૂલકિટ સહિત તાલીમ પણ પરંપરાગત વ્યવસાયકારોને પૂરી પાડવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોનાના કપરા સમયગાળામાં આપણે આત્મનિર્ભર વેક્સિન બનાવીને દેશના ૧૪૦ કરોડ નાગરિકોને કોરોના મહામારી સામે રક્ષણ આપવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું. એટલું જ નહિ, અન્ય દેશોમાં પણ આપણે રસી પહોંચાડી હતી. મહામારીના સમયે દેશના ૬૦ કરોડ ગરીબ પરિવારોને મફત અનાજ મળી રહે, તે પણ સરકારે સુનિશ્ચિત કર્યું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

આજના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં જોડવા સરકાર પ્રયાસરત છે. જેમાં પીએમ સ્વનિધિ જેવી યોજનાઓની મહત્ત્વની ભૂમિકા છે. આ યોજનાથી લાભાર્થીઓના જીવનમાં આવેલુ પરિવર્તન તેની સાર્થકતા દર્શાવે છે.

પીએમ સ્વનિધિ યોજનાને નાના માણસો માટેની મોટી યોજના ગણાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ હંમેશાં ગરીબો-વંચિતોની ચિંતા કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના સમયમાં ફ્રી વેકસીન અને ફ્રી રાશન આપી દેશવાસીઓને રોગના દુઃખ અને ભૂખ બંનેમાંથી મુક્તિ આપી હતી.

તેમણે કહ્યું કે, કોરોનાને કારણે ઠપ્પ થયેલા ધંધા રોજગારને પુનર્જીવિત કરવા અને ખાસ કરીને નાના વેપારીઓને ફરી બેઠા કરવા માટે પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૫.૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા ૭૦૦ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪થી જ ગરીબો અને વંચિતોને વિકાસના લાભો અપાવવાનો યજ્ઞ આરંભ્યો છે. છેલ્લાં ૯ વર્ષમાં લાખો ગરીબોને આરોગ્ય અને આવાસની સુવિધાઓ મળવાથી તેમનું જીવનધોરણ બદલાયું છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત સરકાર પર લોકોને વિશ્વાસ છે. જેની પ્રતીતિ તાજેતરમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઇ અને અમિતભાઈએ દેશભરમાં સુરાજ્યની પરિપાટી વિકસાવી છે. તેમના માર્ગદર્શનમાં માત્ર કલ્યાણકારી યોજનાઓનું નિર્માણ જ નહીં પરંતુ તેનો લાભ તમામ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. જેનાથી ગરીબ અને સામાન્ય નાગરિકોને પણ સરકાર પોતીકી હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇની ગુજરાતની પ્રત્યેક મુલાકાત નાગરિકો માટે વિકાસકાર્યોની ભેટ લાવનારી છે. એમ જણાવી ગાંધીનગર સંસદીય ક્ષેત્રને દેશમાં અવ્વલ રાખવાની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ સ્વનિધિ યોજનાનો લાભ આપવામાં અમદાવાદ શહેર દેશભરમાં મોખરે છે. રાજ્યભરમાં પીએમ સ્વનિધિ યોજનાના ૫.૬૨ લાખ લાભાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૧,૫૫,૧૦૬ લાભાર્થીઓ અમદાવાદ શહેરના છે.

આ લાભાર્થીઓમાંથી એક એવા કમલેશભાઈ બલદાણીયાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, પીએમ સ્વનિધિ યોજનાથી મળેલું ધિરાણ ધંધા માટે સંજીવની સાબિત થયું છે. અન્ય એક લાભાર્થી રુચિ ગુપ્તા બ્યુટીપાર્લર ચલાવે છે. તેમણે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મેળવી અન્ય ૨૦ જેટલી મહિલાઓને તાલીમ આપીને પગભર થવામાં પણ મદદ કરી છે.

આ પ્રસંગે લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. સ્નેહમિલન સમારોહમાં નાના વેપારીઓના સંતાનોએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આજના પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય હર્ષદ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, બાબુસિંહ જાદવ, દિનેશસિંહ કુશવાહ, અમિત શાહ, અમૂલ ભટ્ટ, કંચનબેન રાદડિયા, પાયલ કુકરાણી તથા, ડે.મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મનપાની વિવિધ સમિતિના ચેરમેનઓ તથા અમદાવાદ મનપાના કમિશનર એમ.થેન્નારસન અને મોટી સંખ્યામાં લાભાર્થી નાગરિકો જોડાયા હતા.

આ પણ વાંચો.. Dikshant Samaroh: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ત્રીજા દીક્ષાંત સમારોહનું ગૌરવપૂર્વક આયોજન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો