Natural Agriculture Mega Camp 2

Natural Agriculture Mega Camp: સંસ્કારધામ ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિર યોજાઈ

Natural Agriculture Mega Camp: પ્રાકૃતિક ખેતીમાં નોંધપાત્ર કામગીરી કરનાર કૃષિકારોને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ આત્મા ખેડૂત પુરસ્કાર એનાયત

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ Natural Agriculture Mega Camp: અમદાવાદના સંસ્કારધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલએ જણાવ્યું કે, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી આવશ્યક છે. તેનાથી પાણીની પવિત્રતા, હવાની શુદ્ધિ અને ભોજનની ગુણવત્તા જળવાઈ રહેશે.

પ્રાકૃતિક ખેતીમાં પાણીના ઓછા ઉપયોગ અને અળસિયા તથા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને કારણે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. જેના પરિણામ સ્વરૂપે ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન મળી રહે છે. આમ, પ્રાકૃતિકના માધ્યમથી વિકસિત ખેડૂત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાસાયણિક ખેતીને ઝેર પીરસવાનું માધ્યમ ગણાવતા રાજ્યપાલએ પડકાર ફેંક્યો કે, વિશ્વનો કોઈપણ વૈજ્ઞાનિક એવું સાબિત કરે કે, રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તા સુધરે છે અને પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા બગડે છે. તો હું તેની પાસેથી દીક્ષા લઈ તેનો શિષ્ય બનવા તૈયાર છું.

Natural Agriculture Mega Camp

પ્રાકૃતિક ખેતીથી થયેલી ઉત્પાદન વૃદ્ધિનો સ્વાનુભવ વર્ણવવાની સાથે રાજ્યપાલએ કહ્યું કે, રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીનો ખર્ચ ખૂબ જ ઓછો આવે છે, અને ઉત્પાદનમાં અભિવૃદ્ધિની સાથે ગુણવત્તા પણ વધે છે. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને પદ્ધતિસર પ્રાકૃતિક ખેતીની સમજ સરળ શબ્દોમાં આપી હતી.

જળવાયુ પરિવર્તનની ગંભીરતા વચ્ચે પ્રાકૃતિક ખેતીની અગત્યતા સમજાવી રાજ્યપાલએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીને કારણે જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા અને પાણીના તળ ઊંચા આવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધવાથી જમીનમાં સૂક્ષ્મ જીવો અને જરૂરી પોષક તત્વોનું પ્રમાણ પણ વધે છે.

રાજ્યપાલએ આહવાન કરતા કહ્યું કે, સાણંદના સંસ્કારધામમાં આયોજિત તાલીમ શિબિરની તર્જ પર રાજ્યના તમામ ધારાસભ્યઓ પણ તેમના મતવિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજે તો ગુજરાતની જમીન ગુણવત્તા યુક્ત બનશે.

આજના અવસરે દસક્રોઈના ખેડૂત અમૃતબેન ઝાલા, દેત્રોજના ખેડૂત દિલીપભાઈ પટેલ અને ધંધુકાના ખેડૂત ભીમજીભાઇ સાબરાને રાજ્યપાલના હસ્તે બેસ્ટ આત્મા ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કારધામ સંકુલની મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

આ દરમિયાન રાજ્યપાલે શુટિંગ પર હાથ અજમાવ્યો હતો તેમજ ડ્રોન ઉડાવવાનો અનુભવ પણ મેળવ્યો હતો. તેમણે સંસ્કારધામ સંકુલમાં જ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

આજના અવસરે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા)ના ડિરેક્ટર પી.એસ.રબારી, અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી, સંસ્કારધામના ચેરમેન આર.કે.શાહ તથા જાગૃત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Affection Meeting of PM Swanidhi Yojana Beneficiaries: અમદાવાદ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો