WhatsApp Image 2020 11 11 at 5.39.25 PM 1 edited

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત

Mata Yasoda Award Surat

મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત


સુરત, ૧૨ નવેમ્બર: નાના ભૂલકાઓનું બીજુ ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતાં નાના કુમળા ફૂલ જેવા ભૂલકાઓને પોતાના બાળકોની જેમ સંભાળ અને સમગ્રતયા કાળજી રાખતી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

નાના બાળકોથી લઈને ધાત્રી માતાઓ, કિશોરીઓના આરોગ્યની સંભાળ લઈને શ્રેષ્ઠ કામગીરી બદલ સુરત જિલ્લાકક્ષાનો ૨૦૧૮-૧૯ના એવોર્ડ મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડી ની કાર્યકર સંગીતાબહેન પટેલને રૂા.૩૧ હજાર તથા તેડાગર ઉર્મિલાબેન પટેલને રૂા.૨૧ હજાર જિલ્લાકક્ષા માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નાના ભુલકાઓ સુધી પહોચે અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવાના પ્રયાસોની કદર થઇ છે.

Mata yasoda award surat

આંગણવાડી કાર્યકર સંગીતાબેન પટેલ જણાવે છે કે, જે એવોર્ડ મળ્યો છે તેમાં ગ્રામજનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. ગામનું એક પણ બાળક કુષોષિત ન રહે તે માટે ગામના સહયોગથી લોક ફાળા મારફતે અતિકુપોષિત બાળકો માટે શીંગદાણા, ગોળ, કોપરા, ખજુર વગેરે એકત્ર કરીને બાળક તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કાળજી લીધી છે. બાળકો કુપોષિત ન રહે તે માટે તંદુરસ્તી ના પ્રયાસો કર્યા છે. અમારા વિસ્તારના તમામ ૧૯ બાળકો નિયમિત આંગણવાડીમાં આવે છે. આંગણવાડીમાં કિચનગાર્ડન બનાવીને શાકભાજીનું વાવેતર કર્યું છે. જે શાકભાજી માતા-કિશોરી ઓ-બાળકોને આપીએ છીએ. બાળકોની યશોદા માતા બનવાનું સૌભાગ્ય સાંપડયું છે જે બદલ હું ગર્વ અનુભવુ છું.

તેડાગર ઉર્મિલાબેન કહે છે કે, અમારી આંગણવાડી ‘એ ગ્રેડ’ ધરાવે છે. અમારા ગામમાં બે સગર્ભા માતા, છ ધાત્રી માતા તથા ૧૬ કિશોરીઓ છે. બાળકોના આરોગ્યની નિયમિત તપાસ, રસીકરણ અને પૂરક પોષણની વિશેષ તકેદારી લેવામાં આવે છે. આ ઉપરાંત કોઈ રસીકરણથી વંચિત ન રહે તે માટે પણ ઘરે-ઘરે જઈને નિયમિત માતા-પિતાને સમજાવીને રસીકરણ કરવામાં આવે છે. આંગણવાડીમાં વિશ્વ એઈડસ દિવસ, મમતા દિવસ, મહિલા-બાળ દિન તથા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, સ્તનપાન સપ્તાહ, ગાંધી સપ્તાહની ઉજવણી નિયમિત કરવામાં આવે છે.

નાનકડા કુમળા છોડને પાણીનું સિંચન અને ઉછેર કરીને જેમ એક માળી કાળજી લે છે એ જ રીતે આંગણવાડી કાર્યકર બહેનો કુમળા છોડ સમાન બાળકોનું આંગણવાડીમાં લાલન-પાલન કરે છે. એટલે જ યશોદા એવોર્ડ આપીને રાજ્ય સરકાર તેમની ઉમદા કામગીરીને સરાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *