Arvind kejriwal

Arvind kejriwal statement: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છેઃ અરવિંદ કેજરીવાલ

Arvind kejriwal statement: આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક ગાય માટે ₹40 પ્રતિદિન આપીશું: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ, 02 ઓક્ટોબર: Arvind kejriwal statement: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કાલે બપોરે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગરબામાં ભાગ લીધો હતો અને માં અંબેની પૂજા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. પછી 2જી ઓક્ટોબર એ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને ઇસુદાન ગઢવીએ સંયુક્ત પ્રેસ કોનફરન્સ કરી હતી.

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક ગાય માટે ₹40 પ્રતિદિન આપીશું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે અમે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરીશું, જેમા એક ગેરંટી હશે જે અમે આજે ગુજરાતની જનતાને આપવાના છીએ. આપણે બધા ગાયને માતા માનીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ પરંતુ ગુજરાતમાં જે રીતે ગાયો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તે ખૂબ જ દુઃખદ છે. ઘણા લોકોએ તેના વિશે મને ફરિયાદ કરી.

દિલ્હીમાં અમે દરેક કામ માટે દરરોજ ₹ 40 ખર્ચીએ છીએ, જેમાંથી ₹ 20 દિલ્હી સરકાર અને ₹ 20 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારી સરકાર દરેક ગાય માટે પ્રતિદિન ₹40 આપશે. અને દરેક જીલ્લાની અંદર એક પાંજરાપોળ બનાવવામાં આવશે જેથી જે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે અને જે ગાયો રસ્તા પર રખડતી હોય તેમને પાંજરાપોળમાં લઈ જવામાં આવશે જેથી ત્યાં તેમની સંભાળ રાખી શકાય. ગાય માટે જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.

IBના અહેવાલ મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છેઃ અરવિંદ કેજરીવાલ

બીજી એક મહત્વની વાત એ છે કે સુત્રોના જણાવ્યા અનુસાર IBનો એક રિપોર્ટ આવ્યો છે, તે રિપોર્ટ મુજબ આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જો કે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ સરકાર ઓછા માર્જિનથી બની રહી છે, પરંતુ અમે બહુ ઓછી સીટોથી આગળ છીએ. આમ આદમી પાર્ટીની સરકાર મોટી બહુમતી સાથે રચાય તે માટે ગુજરાતની જનતાએ થોડું વધારે જોર લગાવવું પડશે. પરંતુ જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે ત્યારથી આ બંને પક્ષ એક થઈ ગયા છે.

બંને પક્ષો ખૂબ જ ગુપ્ત બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ ખરાબ રીતે બોખલાઈ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી તમે જોતા જ હશો કે બંનેપક્ષો મીટિંગ પછી આવે છે અને મને એક જ ભાષામાં ખરાબ કહે છે. આજે ભાજપ કોંગ્રેસને કશું કહેતું નથી અને કોંગ્રેસ ભાજપને કશું કહેતી નથી પણ આ બંને મળીને અમને ખરાબ કહે છે અને એક જ ભાષામાં કહી રહ્યા છે. હવે ભાજપ કોઈપણ રીતે કોંગ્રેસને મજબૂત કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

જેથી કરીને ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય. કોંગ્રેસને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના જેટલા મળે એટલા વોટ લઇ લો.મને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જવા માંગતા હતા અને તેઓએ ભાજપ સાથે બેઠક પણ કરી હતી પરંતુ ભાજપે તેમને કહ્યું હતું કે, “હમણાં ના આવો કારણ કે જો તમે હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશો તો કોંગ્રેસ વધુ નબળી પડી જશે. હમણાં કોંગ્રેસમાં જ રહો,અમે તમારી સારી સંભાળ રાખીશું અને અમે અત્યારે કોંગ્રેસને નબળી પાડવા માંગતા નથી.”

કોંગ્રેસને અત્યારે ગુજરાતમાં 10થી વધુ બેઠકો નથી મળી રહીઃ અરવિંદ કેજરીવાલ

હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, તમે લોકો આ બે પાર્ટીઓથી દૂર રહો, સાવચેત રહો. ગુજરાતમાં હાલ કોંગ્રેસને 10થી વધુ બેઠકો મળી રહી નથી. ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણ બરબાદ થઇ ગઇ છે. અને કોંગ્રેસમાં 10 કે તેથી ઓછી બેઠકો જીતનારાઓ પણ ચૂંટણી પછી ભાજપમાં જોડાઇ જશે. આજે સમગ્ર ગુજરાત મોટા પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતમાં દરેક જગ્યાએ લોકો પરિવર્તન અને બદવાલ માટે મત આપવા તૈયાર છે.

છેલ્લા 27 વર્ષથી ગુજરાત પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ ભગવાનની દયાને કારણે હવે એક પ્રામાણિક વિકલ્પ પાસે છે. મારી સૌને અપીલ છે કે કોંગ્રેસને મત આપીને ભાજપને જીતાડી ના દેતા. કોંગ્રેસને મત આપવો નકામો છે અને કોંગ્રેસને મત આપવો એ ગુજરાતના હિતમાં નથી. જે લોકો ભાજપથી નારાજ છે તે બધા સાથે મળીને આમ આદમી પાર્ટીને મત આપો, જેથી ગુજરાતમાં પરિવર્તન લાવી શકાય. જેમ મેં કહ્યું તેમ ગુજરાતના લોકોએ મોટો ધક્કો લગાવવાની જરૂર છે જો ગુજરાતના લોકો એક મોટો ધક્કો માર્યો તો દિલ્હી અને પંજાબના તમામ રેકોર્ડ તૂટી જશે.

મારા સૂત્રોએ મને કહ્યું છે કે, આજની તારીખમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને ભાજપ કોંગ્રેસ ઝડપથી નીચે પડી રહી છે. જો આ ટ્રેંડ ચાલુ રહેશે, તો અમારું વિનિંગ માર્જિન વધશે. પરંતુ હવે અમે બેથી ચાર બેઠકોથી આગળ છીએ અને અમારી સરકાર બની રહી છે.

ભાજપની મોટી-મોટી વાતોથી સામાન્ય માણસને કોઈ ફાયદો નથી થઈ રહ્યોઃ અરવિંદ કેજરીવાલ

અમે તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જાતિ, માટે કામ કરી રહ્યા છીએ. તમામ સમાજના બાળકો માટે અમે શાળાઓ બનાવીશું અને સારું શિક્ષણ આપીશું અને સૌનું ભવિષ્ય બનાવીશું. અત્યાર સુધી કોઈ સમાજે અમારા પર કોઈ દબાણ કર્યું નથી. અમારો એજન્ડા તમામ સમાજને પસંદ આવી રહ્યો છે. હું એક ઉદાહરણ આપું કે હું ટીવી પર એક કાર્યક્રમ જોઈ રહ્યો હતો જેમાં વડાપ્રધાન આવ્યા અને કદાચ તેમણે 20 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી. ત્યારે સભામાંથી એક માણસ બહાર આવી રહ્યો હતો, ત્યારે એક મીડિયાવાળા તેમને પ્રશ્ન પૂછ્યો, શું તમને લાગે છે કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, તો તે વ્યક્તિએ કહ્યું કે હા ઘણો વિકાસ થયો છે.

પરંતુ વ્યક્તિએ એ પણ કહ્યું કે તે ભાજપને વોટ નહીં આપે. કારણ કે તેમણે કહ્યું હતું કે વિકાસ થઈ રહ્યો છે પરંતુ તેમને કંઈ આપ્યું નથી. તેમના બાળકોને ન તો રોજગારી મળી, ન તો તેમને મફત વીજળી મળી કે ન તો તેમને મોંઘવારીમાંથી મુક્તિ મળી. ભાજપવાળા ખાલી મોટી મોટી વાતો કરે છે. એ લોકો હજારો કરોડના પેકેજની જાહેરાત કરે છે અને તેમના કોન્ટ્રાક્ટરો અમીર બની જાય છે.

પરંતુ લોકોને સારા શિક્ષણ અને સારી સારવારની જરૂર છે. લોકો ઈચ્છે છે કે તેમની વિજળી સસ્તી થઈ જાય અને ઘરમાં દરેકને રોજગાર મળે. આજે જ્યારે અમે આ બધી વાતો કરી રહ્યા છીએ, ત્યારે આ બધી બાબતો લોકોના હૃદયને સ્પર્શી રહી છે. ભાજપના લોકો આ બધું કરી શકતા નથી કારણ કે તેઓ અમારા જેવું કામ કરી શકતા નથી. અમે આ બધી વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમે તે દિલ્હી અને પંજાબમાં કર્યું છે.

અમે આખા દેશમાં જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં બેઠી છેઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલએ વધુમાં જણાવ્યું કે ગોવામાં કોંગ્રેસ પાર્ટીના 11 ધારાસભ્યો હતા જેમાંથી 8 ભાજપમાં ગયા અને આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો હતા, તેઓ હજુ પણ આમ આદમી પાર્ટીમાં છે. આપણે આખા દેશમાં જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં બેઠી છે. ભાજપને જેટલા ધારાસભ્યો જોવે તે કોંગ્રેસ પાસેથી ખરીદી લે છે. આ ભાજપની જોઇંટ સ્ટ્રેટેજી બની ગઈ છે.

ભાજપના સમર્થકો ભાજપના નેતાને તેમના ઘરે જમવા માટે આમંત્રિત કરતા નથી પરંતુ તેઓ મને આમંત્રણ આપે છે કારણ કે આજે દરેક ગુજરાતી મને પ્રેમ કરે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ મને પ્રેમ કરવા લાગ્યા છે અને આ ખૂબ જ સારી વાત છે. કોંગ્રેસના હોય કે ભાજપના હોય કોઈ મને તેમના ઘરે ભોજન માટે બોલાવે છે તો હું દરેકના ઘરે જાઉં છું. મને એની કોઈ દરકાર નથી કે કોણ કોને વોટ આપે છે. તે સારી વાત છે કે ભાજપના સમર્થકો ભાજપના નેતાને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા નથી પરંતુ તેઓ મને આમંત્રણ આપે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ભાજપના લોકોના વીજ બિલ માફ કરીશું અને કોંગ્રેસના લોકોના વીજ બિલ માફ કરીશું. અમે તે બધાની મોંઘવારી ઓછી કરીશું. અમે ભેદભાવ નહીં કરીએ કારણ કે બધા અમારા લોકો છે.

પંજાબમાં અમે ગાય રક્ષા કમિશનને મજબૂત કરી દીધું: ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, પંજાબમાં અમારી સરકારમાં એક ગાય રક્ષા કમિશન છે. ગાય ગૌશાળાને બદલે રસ્તા પર ફરતી હોય છે ત્યારે રસ્તાઓ પર અનેક અકસ્માતો સર્જાય છે. જ્યારે ગાય શહેરોમાં ફરે છે ત્યારે તે પ્લાસ્ટિક ખાય છે. ક્યારેક રસ્તાઓ પર ગાયો તડપી-તડપીને મૃત્યુ પામે છે. અને જ્યારે ગામમાં સવા સો ગાયોનું ટોળું ખેતરોમાં જાય છે ત્યારે પાકને નુકશાન થાય છે. એટલા માટે અમે ગાય રક્ષા કમિશનને મજબૂત કરી દીધું છે.

આખા પંજાબમાં જેટલી પણ ગૌશાળાઓ છે એમને અમે કહી દીધું છે કે તમારે જેટલી પણ જમીન જોઈતી હોય તો અમે એટલી જમીન આપીશું. પંજાબના લોકો એમ પણ દાન-પુણ્ય કરવામાં વિશ્વાસ રાખે છે, તેથી ગાય માટે ચારો ઘણો બધો આવે છે. અમે તમામ ગૌશાળાઓને કહી દીધું છે કે, તમારે એક પણ ગાયને એટલા માટે છોડવાની નથી કેમ કે તમારી પાસે જમીન નથી કે પછી તમારી પાસે ગાયને ખવડાવવા માટે ચારો નથી. અમે તમારી બધી રીતે સહાય કરીશું પરંતુ ગાયોનાં મૃત્યુ ન થવા જોઇએ.

ગુજરાતનું 2.5 લાખ કરોડથી વધુનું બજેટ છે, જો ઇમાનદાર સરકાર હોય તો બધી સમસ્યાઓનું સમાધાન શક્ય છેઃ ભગવંત માન

ગઈકાલે હું જૂનાગઢ અને કચ્છ ગયો હતો. મેં ત્યાં જોયું કે જે સમસ્યા પંજાબમાં છે તે જ સમસ્યા અહીં પણ છે. આખા દેશની સમસ્યાઓ એકબીજાને મળતી આવે છે. ત્યાં પણ ખેતીમાં સમસ્યા હતી, અહીં પણ ખેતીમાં સમસ્યા છે. ત્યાં પણ ‘જય જવાન જય કિસાન’ ના નારા લાગે છે, અહીં પણ ‘જય જવાન જય કિસાન’ ના નારા લાગે છે. ત્યાં પણ આ લોકોએ સરકારી શાળાઓને નષ્ટ કરી નાખી હતી, અહીં પણ એવું જ છે.

ત્યાં પણ હોસ્પિટલની હાલત ખરાબ હતી, પરંતુ અહીં પણ હોસ્પિટલની હાલત ખરાબ છે. ત્યાં પણ ભ્રષ્ટાચાર થતો હતો, અહીં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગઈકાલે હું જૂનાગઢ અને ગાંધીધામના રસ્તાઓ પર ગયો હતો ત્યારે જોયું કે રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં હતા. આજ સુધી મેં રસ્તાઓમાં ખાડા જોયા હતા, ગઈકાલે પહેલીવાર ખાડાઓમાં રસ્તો જોયો. પરંતુ આ બધું ઠીક થઇ શકે છે. ખજાનામાં કોઈ કમી નથી હોતી. ગુજરાતનું 2.5 લાખ કરોડથી વધુનું બજેટ છે, જો ઇમાનદાર સરકાર હોય તો બધી સમસ્યાઓનું સમાધાન શક્ય છે.

પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો, માત્ર એક જ બટન હતું, હવે બટન બદલાઇ જશે તો ભાગ્ય બદલાઈ જશે : ભગવંત માન

જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલએ શપથ લીધા હતા ત્યારે દિલ્હીનું બજેટ 28 હજાર કરોડ હતું. અને તે સમયે GST ને બદલે 12.5% ​​વેટનો ટેક્સ લાગતો હતો, તો અરવિંદ કેજરીવાલજીએ વેટ ઘટાડી દીધો અને વેટ માત્ર 5% થઇ ગયો. અરવિંદ કેજરીવાલજી એ વેપારીઓ માટે રેડ રાજ બંધ કર્યું. 7.5 ટકાનો વેટ ઘટાડીને દિલ્હીમાં બે હજાર કરોડની આવક વધી ગઇ હતી કારણ કે લોકો ઈમાનદારીથી ટેક્સ ભરવા લાગ્યા હતા.

આ એ જ વાત છે કે ઇમાનદાર સરકાર હોય તો આવું થઇ શકે છે. વીજળી મફત મળી શકે છે. દિલ્હીની જેમ પંજાબમાં પણ અમે વીજળી મફત કરી છે. 17000 લોકોને રોજગાર માટે નિમણૂક પત્રો આપી દીધા. પંજાબમાં હાલમાં 30,000 થી વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે એમને કાયમી કરીશું.

અહીં તો અમને એ પણ જાણવા મળ્યું છે કે અહીંની પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર છે. પરંતુ અમે આઉટસોર્સિંગના યુગનો અંત લાવીશું કારણ કે આઉટસોર્સિંગ કરનારા લોકો અધવચ્ચેથી પૈસા ખાય છે. પંજાબમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે અને તેમાં દરરોજ ઘણા બધા ફોન આવે છે અને તેમાં અનેક ધરપકડો પણ થાય છે. પંજાબના સરકારી અધિકારીઓને પણ લાગવા માંડ્યું છે કે હવે તેમને માત્ર પગાર પર જ જીવન નિર્વાહ કરવાનો છે.

ગઈ કાલે અમે ગુજરાત ગયા ત્યારે અમે જાહેર સભાને જોઇ તો આપોઆપ આટલા બધા લોકો આવ્યા છે, એનો અર્થ એ છે કે આ એક પરિવર્તનનું પ્રતિક છે. જેવો માહોલ ગુજરાતમાં છે બરોબર એવો જ માહોલ ચૂંટણીના એક મહિના પહેલા પંજાબમાં હતો, એટલે કે ગુજરાતની જનતા હવે નવી વાર્તા લખવા માટે તૈયાર બેઠા છે. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો, માત્ર એક જ બટન હતું, હવે જો એ બટન બદલાઇ જશે તો ભાગ્ય બદલાઈ જશે.

આ લોકો ઈચ્છે છે કે પંજાબ અને દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ પૂરું થાય, પરંતુ તે સફળ નથી થઈ રહ્યું, એટલા માટે તેમને તકલીફ થઇ રહ્યી છે: ભગવંત માન

અમે વિધાનસભાનું સત્ર બોલાવ્યું હતું કારણ કે, તેમણે અમારા ધારાસભ્યને ફોન કર્યો હતો. ભાજપ પાસે બે ધારાસભ્યો છે, તેઓ તો હંમેશા ચાલ્યા જાય છે અને એમની જગ્યા એ કોંગ્રેસ તેમનો પક્ષ લે છે. એટલે કે ભાજપ તરફથી કોંગ્રેસ બોલે છે. ભાજપે ગોવામાં, અરુણાચલ પ્રદેશમાં, કર્ણાટકમાં સરકાર તોડી દીધી. તેનાં પછી પણ આ લોકો ઈચ્છે છે કે પંજાબમાં પણ ઓપરેશન લોટસ પૂરું થાય. તેમણે દિલ્હીમાં પણ પ્રયાસ કર્યો હતો પરંતુ દિલ્હી અને પંજાબમાં તે સફળ થઇ શક્યું નહીં, એટલા માટે તેમને તકલીફ થઇ રહ્યી છે.

અને આ જ કારણે અરવિંદ કેજરીવાલ જે રીક્ષા ચાલકનાં ઘરે જમવા ગયા હતા એને પહેલાં પોલીસ ઉઠાવીને લઇ ગઇ અને પછી કહ્યું કે, જે સફાઇ કર્મચારી અરવિંદ કેજરીવાલનાં ઘરે જમવા ગયા હતા તેમને પણ ધમકી આપી કે પોલીસવાળા ઉપાડી જશે. પછી આ લોકો ધમકી આપે છે કે, ગ્રાઉન્ડનું બુકિંગ પણ કેન્સલ કરાવી દઇશું. આમ આદમી પાર્ટીથી ભાજપવાળા ડરી ગયા છે.

પંજાબમાં દર મહિને 300 યુનિટ વીજળી મફત કર્યા પછી, 72,66,540 મીટરમાંથી 49,93,326 ઘરોનું વીજળીનું બિલ ઝીરો આવ્યું છે: ભગવંત માન

જેવી રીતે લોકો ડેટા માંગી રહ્યા હતા, તો મારી પાસે પંજાબનો આ ડેટા છે. અમે પંજાબમાં 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ વીજળી મફત કરી દીધી. એટલે કે 2 મહિના માટે 600 યુનિટ વીજળી મફત કરવામાં આવી છે. વીજળી મફત કર્યા બાદ પંજાબમાં 72,66,540 મીટરમાંથી જુલાઇ અને ઓગસ્ટનું જે બીલ સપ્ટેમ્બરમાં આવે છે તેમાંથી 49,93,326 નું વીજળી બિલ ઝીરો આવ્યું છે.

જેની ટકાવારી 68.7% જેટલી થાય છે, હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં શિયાળો શરૂ થશે ત્યારે વધુ લોકોના વીજળીનાં બિલ ઝીરો પર આવી જશે. ત્યારે દેશમાં પહેલીવાર એવું બનશે કે પંજાબમાં 90% થી વધુ લોકોનું વીજળી બિલ ઝીરો આવશે. જો પંજાબમાં કરી શકીએ છીએ તો અહીં કેમ નથી કરી શકતા? ગુજરાતમાં પણ આ શક્ય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના ધારાસભ્યો સામે કોંગ્રેસે કોઈ કડક પગલાં કેમ ન લીધા?: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું. અને અમે એ પણ જાણીએ છીએ કે કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. મને કહો કે ક્રોસ વોટિંગ કરનારા 7થી 9 ધારાસભ્યો પર કોંગ્રેસે શું પગલાં લીધાં? હું જાણવા માંગુ છું કે તે ધારાસભ્યોએ ભાજપના કયા નેતા સાથે બેઠક કરી હતી અને બેઠકમાં શું ડીલ થઈ હતી અને આ બધું થયું હોવા છતાં કોંગ્રેસ ફરીથી તે ધારાસભ્યોને ટિકિટ આપવા જઈ રહી છે.

ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને ભાજપ પાંચથી સાત કરોડનું ફંડ આપશે, આ બધું આમ આદમી પાર્ટીને હરાવવા માટે થઈ રહ્યું છેઃ ઈસુદાન ગઢવી

ગુજરાતના લોકો ખૂબ જ હોશિયાર છે. ગુજરાતની જનતાએ 32 વર્ષ કોંગ્રેસ પર રાજ કર્યું અને 27 વર્ષ ભાજપ પર રાજ કર્યું. અમે એ પણ જોયું કે છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસના 65 ટોચના નેતાઓ ભાજપમાં જોડાયા છે. મતલબ કે હવે તમારી સામે કોંગ્રેસ યુક્ત ભાજપ છે. ભાજપમાં જેઓ સારા નેતાઓ છે તેમને ભાજપે સાઇડલાઇન કરી દીધા છે અને જેઓ માત્ર ગુંડાગીરી કરી શકે છે અને પૈસા ભેગા કરી શકે છે, આવા લોકોને ભાજપે આગળ ધપાવી દીધા છે.

કોંગ્રેસના ધારાસભ્ય પુરૂષોત્તમ સાબરિયા જીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યાર બાદ તેઓ 6 મહિના જેલમાં હતા અને પછી જ્યારે તેઓ ભાજપમાં જોડાય છે ત્યારે તેમને મુક્ત કરવામાં આવે છે અને ભાજપ તેમને ટિકિટ આપે છે તેનો અર્થ એ છે કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની બેઠક ચાલી રહી છે અને તે બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને ભાજપ પાંચથી સાત કરોડનું ફંડ આપશે.

આ બધું આમ આદમી પાર્ટીને હરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ અને કોંગ્રેસ એક ટીમ છે તે સાબિત થઈ ગયું છે. આમ આદમી પાર્ટીને મત આપો કારણ કે આમ આદમી પાર્ટી સારા શિક્ષણ, સારી સારવાર, મફત વીજળી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે.

અમારી પ્રથમ કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું: ઇસુદાન ગઢવી

મારા રાજકારણમાં જોડાવાના મુખ્ય 2-4 કારણોમાંનું એક કારણ ખેડૂતો છે. પંજાબમાં પણ ખેડૂતો માટે કામ કરવામાં આવી રહ્યું છે અને દિલ્હીમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50000નું વળતર પણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોની 200000 સુધીની લોન માફ કરીશું. ખેડૂતોએ કંઈ કરવા માટે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. ખેડૂતોને 0% વ્યાજે 500000 સુધીની લોન મળશે. અમે દોઢ વર્ષમાં તમામ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જવાબદારી પણ લઈએ છીએ. ખેડૂતો ત્રણ પાક ઉગાડી શકે તેવી વ્યવસ્થા, સિંચાઇનું પાણી અને 12 કલાક વીજળી આપવામાં આવશે.

આ પણ વાંચો: Cleanliness by Amdavad Railway Division: મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદ મંડળ ખાતે “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયું

Gujarati banner 01