Kuber Dindor

Cardio Pulmonary Resuscitation-CPR Training: કે.જી થી પી.જી સુધીના ૨ લાખથી વધુ શિક્ષકોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ

Cardio Pulmonary Resuscitation-CPR Training: નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસ અને શિક્ષકોને CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય: શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર

  • શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે
  • ૩જી ડિસેમ્બર અને ૧૭મી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન: 3જી ડિસેમ્બરે ૮૮ હજાર શિક્ષકોને CPR તાલીમ અપાશે
  • રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો આપશે સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ

ગાંધીનગર, 01 ડિસેમ્બરઃ Cardio Pulmonary Resuscitation-CPR Training: શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ હવે રાજ્યના શિક્ષકોને માસ CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળી કે.જી થી પી.જી સુધીના ૨ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 3જી ડિસેમ્બરે ૮૮ હજાર શિક્ષકોને CPR તાલીમ અપાશે. તે ઉપરાંત તા.૧૭મી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે. મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકઓને પણ તબક્કાવાર તાલીમ અપાશે. એટલુ જ નહિ, શિક્ષકો બાદ એન.એસ.એસ. અને એસ.સી.સી કેડેટ્સને તાલીમબદ્ધ કરવાનુ આયોજન છે.

તેમણે ઉમેર્યું કે, નાની વયે આવી રહેલા હાર્ટ અટેકથી મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મિનિટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મિનિટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.

મંત્રીએ ઉમેર્યું કે, આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૬.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે.

આ પણ વાંચો… Sankalp Siddhi Day: સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો