Fifth Annual Convocation of Sri Gobind Guru University

Fifth Annual Convocation of Sri Gobind Guru University: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

Fifth Annual Convocation of Sri Gobind Guru University: ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી અને ૧૬,૧૮૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

  • આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ Fifth Annual Convocation of Sri Gobind Guru University: પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજયપાલએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ છે.

આ યુનિવર્સિટી થકી આ વિસ્તારમાં આજે શિક્ષણની જ્યોત સાથે ઘર આંગણે જ તમામ સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ખાતે ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓની સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે તે ખરેખર ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રાચીન ભારતીય ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરતાં કહ્યું કે, તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને પલ્લવી વગેરે સ્થળોએ દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા.

તેમણે દીક્ષાંત સમારોહમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ, માતા-પિતા અને ગુરુજનોના સંગમરૂપી આજના દિવસે વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્યો કરવાનો સંકલ્પ લે. માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. મનુષ્યને જીવનના મૂલ્યો શિખવાડનાર માતા-પિતા અને ગુરૂજન દેવતા સમાન છે. ભણતર અને ડિગ્રીની સાથે પોતાના કર્તવ્યોથી સજાગ બનીને માનવ કલ્યાણ માટે કાર્ય કરવું તે જ સાચું શિક્ષણ છે.

રાજ્યપાલએ આજે ૩૦ જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણ દિવસને યાદ કરીને કહ્યું કે, ઘોર અંધકારમાં એક પ્રકાશની જ્યોત અજવાળું પાથરી શકે છે, તેમ વિદ્યાર્થીઓએ હંમેશા સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીને તેનું આચરણ કરવું જોઈએ. તેમણે આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરનાર શ્રી ગોવિંદ ગુરુને યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉન્નતિ માટે વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલએ કહ્યું કે, આજે રાજ્યના ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું. તેમણે શિક્ષણની જ્યોતની સાથે શ્રેષ્ઠ સમાજ થકી ૨૦૪૭ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી અને ૧૬,૧૮૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્યપાલના સફળ પ્રાકૃતિક ખેતી અભિયાન થકી અનેક ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં આ યુનિવર્સીટીએ શિક્ષણ ક્ષેત્રે નવીન માર્ગ ચીંધ્યો છે. સરકારના પ્રયત્નો થકી વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ ફેકલ્ટી આપવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, અહીં ૨૨૮ વિદ્યાર્થીઓ સરકારની શોધ યોજના અંતર્ગત સહાય મેળવે છે. ગાંધીજીના મૂલ્યો પર ચાલતી આ યુનિવર્સિટીએ અનેક ક્ષેત્રોમાં સિધ્ધિઓ હાંસલ કરી છે.
યુનિવર્સિટીના કુલ સચિવ અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી.

આજના દીક્ષાંત સમારોહ વખતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત યુનિવર્સિટીના પ્રોફેસરઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Naxal Attack in Chhattisgarh: છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, ત્રણ જવાન શહીદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો