ST BUS

GPS Device Installed in ST Bus: ગુજરાતની એસટી બસો હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ)થી સજ્જ

GPS Device Installed in ST Bus: પ્રથમ તબક્કામાં 2400 બસોમાં, બીજા તબક્કામાં 2600 બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત 3300 બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ GPS Device Installed in ST Bus: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે, જે મુજબ નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર (ગુ.રા.મા.વા.વ્ય.) નિગમને તથા મુસાફરોને ખૂબ જ ફાયદાઓ મળી રહ્યા છે. તેના થકી નિગમને તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મળી રહે છે, જેના કારણે તેઓ બસોની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે. આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસોની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ સુધી ગુ.રા.મા.વા.વ્ય. નિગમને સંચાલનની રોજીંદી કામગીરી અને અસરકારકતા વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેવી કે સમગ્ર ફ્લીટનું ટ્રેકિંગ અને મોનિટરીંગ, શિડ્યૂલના સંચાલનનું નિરીક્ષણ, અવારનવાર અમુક વિસ્તારોમાં બસ ન પહોંચવાની કે બંધ થવાની ફરિયાદો, અનિયંત્રિત ડ્રાઇવિંગ વર્તન, સંચાલનનું સર્વગ્રાહી મૂલ્યાંકન, મુસાફરોને બસ અને રૂટની ઉપલબ્ધતાની વાસ્તવિક સમયની વિગતો ન મળવી વગેરે જેવી મુશ્કેલીઓનું સચોટ નિરાકરણ લાવી શકાતું ન હતું.

આ પણ વાંચો… Gandhinagar Lok Sabha Premier League: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો

આવી તમામ અસુવિધાઓના સમાધાન માટે ગુ.રા.મા.વા.વ્ય. નિગમને કોઈ ખૂબ જ અસરકારક ટેક્નોલોજીકલ એડવાન્સ પ્રોજેક્ટ કરવાની જરૂર જણાઈ રહી હતી. ઉપરોક્ત મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) પ્રસ્થાપિત કરવામાં આવી. જેના પ્રથમ તબક્કામાં ૨૪૦૦ બસોમાં, બીજા તબક્કામાં ૨૬૦૦ બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત ૩૩૦૦ બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

આ સાથે પ્રથમ તબક્કામાં ૫૯૧ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ ૧૦૦ બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. ૧૬ ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં ૧ સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક અને ખૂબ જ એડવાન્સ એવી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એપ્લીકેશનનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. જેમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેસન સિસ્ટમ (GIS) જેવી અત્યાધુનિક ટેક્નોલોજીને ઇન્ટીગ્રેટેડ કરવામાં આવી છે.

આ આઈ.વી.ટી એપ્લીકેશન જી.પી.એસ.ના લાઇવ અને રિયલ ટાઈમ ડેટાને ફક્ત અમુક મિલિસેકન્ડમાં પોતાના સર્વર પર મેળવી તુરંત આ ડેટાને પ્રોસેસ કરી પી.આઈ.એસ, આઈ.વી.ટી. એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનમાં વિવિધ રિપોર્ટમાં મોકલી આપે છે. આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા અનઓથોરાઈઝ હોલ્ડ, બીજા કોઈ રૂટ પરથી મુસાફરી, ઓવર સ્પીડીંગ અને અમુક ટ્રીપોનું ડેપો કે કર્મચારીઓ દ્વારા સંચાલન ના કરવું વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે.

આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મેનેજમેન્ટ તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મેળવી પેરેલલ ઓપરેશન થતું હોય, કોઈ બે લોકેશન પર પણ વધારે ટ્રીપની ફ્રિકવન્સી હોય, વાસ્તવિક મુસાફરીનો સમય તથા ટ્રીપનું અંતર જાણી શકાય છે. જૂની મુસાફરીઓના ડેટાનું એનાલિસિસ કરી વિવિધ પ્રકારના નિર્ણયો લઈ ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય છે અને પ્રોડક્ટિવિટી વધારી શકાય છે.

આ પ્રોજેક્ટ દ્વારા બસોની. ટ્રીપની, શિડ્યૂલની સમયબદ્ધતા જાળવી શકાય છે તથા ઓપરેશનલ કોસ્ટ ઘટાડી શકાય છે. ઓવર સ્પીડ અને તેના કારણે થતા અકસ્માતની ઘટનાઓ ઘટાડી શકાય છે. પહેલા ગુ.રા.મા.વા.વ્ય. નિગમ પર જે ખોટા એક્સીડન્ટના કે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ્સ (MACT) ક્લેઈમ થતા હતા તેને પણ ઘટાડી શકાયા છે.

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના મુખ્ય ડેપો પર પ્લેટફોર્મ તથા પ્લેટફોર્મ પર લાગેલ પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમમાં ઓડિયો-વીડિયો દ્વારા પેસેન્જરોને બસોની લાઈવ અને ચોક્કસ વિગત મળી રહે છે, જેવી કે બસનો રૂટ, સર્વિસ ટાઈપ, આવવાનો અંદાજીત સમય, ઉપડવાનો અંદાજીત સમય, બસ નંબર, બસનું લાસ્ટ લોકેશન, પ્લેટફોર્મ નંબર વગેરે.

આમ, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમની લાઈવ અને ચોક્કસ વિગતના કારણે મુસાફરોના ભરોસામાં વધારો થયો છે. આ પ્રોજેક્ટની મોબાઈલ એપ્લિકેશન મુસાફરોને તેમના સમય અને સ્થળ પર મુસાફરી, બસ, રૂટ વગેરેને લગતી તમામ વિગત આપે છે. જેથી મુસાફરોને હવે મુસાફરીમાં સરળતા થઇ ગઇ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો