voting 200 e1667920502138

Gujarat election 2022: સમય સાથે કદમ મિલાવી મતદારોને આંગળીના ટેરવે સુવિધા આપતું ચૂંટણી તંત્ર

  • ચૂંટણી તંત્ર અને મતદાતાઓ વચ્ચે સેતુરૂપ વિવિધ વેબપોર્ટલ અને મોબાઈલ એપ

Gujarat election 2022: ચૂંટણી પ્રક્રિયા પારદર્શી, ઝડપી અને સરળ બનાવવાનો હેતુ સિદ્ધ કરવાનો સેતુ એટલે વેબપોર્ટલ-મોબાઈલ એપ

ગાંધીનગર, 08 નવેમ્બર: Gujarat election 2022: લોકશાહી પરંપરામાં ચૂંટણી અગત્યનું પર્વ છે. આ પર્વમાં નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થાય, તે માટે ભારતના ચૂંટણી પંચના સતત પરામર્શમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી  પ્રયત્નરત છે. નાગરિકો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી શકે તે હેતુથી ભારતનું ચૂંટણી પંચ સમયની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

આજના ડિજિટલ યુગમાં નાગરિકો-મતદારો તેમાં પણ યુવાઓ જ્યારે ટેક્નોસેવી બન્યા છે ત્યારે સમયની સાથે તાલ મિલાવવા ચૂંટણીપંચ પણ સુસજ્જ છે. આજે વિવિધ મોબાઈલ એપ, વેબપોર્ટલ, હેલ્પલાઈનના માધ્યમથી ચૂંટણી તંત્ર મતદારો, ઉમેદવારો તથા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મયોગીઓને કામ કરવામાં વધુ ઝડપ, સરળતા અને પારદર્શીતા પ્રદાન કરી રહ્યું છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોની જાગૃતિ તથા તેમને વિવિધ પ્રકારની જાણકારી ઉપલબ્ધ બને તે માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ એટલે કે, N.V.S.P. કાર્યરત છે. આ સેવાઓ માટે વેબસાઈટ http://ceo.gujarat.gov.in બનાવવામાં આવી છે. આ પોર્ટલ પર ચૂંટણી સંબંધિત તમામ પ્રકારની જાણકારી જેવી કે, મતદાતાની વિગતો, તમારા વિસ્તારના બી.એલ.ઓ. કોણ છે અને મતદાતાના મતદાન મથક અંગેની માહિતી ઉપરાંત, રાજકીય પક્ષો, ઉમેદવારો વિશેની જાણકારી તેમજ  ચૂંટણી અંગેની અદ્યતન માહિતી મેળવી શકાય છે.

www.voterportal.eci.gov.in પોર્ટલના માધ્યમથી મતદાતા ઘરે બેઠા પોતાની વિગત, મતદાન મથક તેમજ મતદાતાના BLO વિશેની માહિતી જાણી શકે છે. તેવી જ રીતે, ચૂંટણી પંચ દ્વારા Voter helpline – નામની મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જેમાં મતદાર યાદીમાં નામની ચકાસણી તથા ઈવીએમ વિશે જાણકારી અને ચૂંટણી વિષયક અન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વાહન વ્યવસ્થાપન અને જીઓ મેપિંગ સિસ્ટમમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)  દ્વારા દરેક વિધાનસભાના બહુવિધ માહિતી સ્તરો સાથેના ડિજીટાઇઝ્ડ GIS નકશા વિકસાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી આધારિત સ્માર્ટ પહેલ મુખ્યત્વે ECI, CEO ઓફિસ, નિરીક્ષકો, DEOS અને ROS માટે ખૂબ જ ઉપયોગી છે. આ એપ્લિકેશનમાં વાહન ટ્રેકિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

GIS પ્લેટફોર્મ પર માળખાકિય વિગતો, રાષ્ટ્રીય- રાજ્ય ધોરીમાર્ગ. રેલ, જિલ્લો, તાલુકા, ગામ, વિધાનસભા વિસ્તાર, Gender Ratio, નોંધણી, Voter Turnout, ચૂંટણી સ્તર, જટિલ મતદાન મથકો, મોડેલ મતદાન મથકો. તમામ મહિલાઓ-સખી મતદાન મથકો, PWD સંચાલિત બૂથ. છાયા વિસ્તારો, ચેક પોસ્ટની વિગતો ઉપલબ્ધ છે.

લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS)થી તારીખ, વિષય અને કીવર્ડ દ્વારા સૂચનાઓ શોધવાની સુવિધા આપવામાં આવી છે. LMS પર  વિષય મુજબની સૂચનાઓ જેમાં નોમિનેશન. ચકાસણી, ગણતરી, EVM-VVPAT વગેરે જેવા આશરે 30 વિષયો,  વિડિઓઝ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, અને માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સિસ્ટમ (GEEMs)માં શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટર (SOR),  DEO/EO/CEO દ્વારા રીયલ ટાઈમ મોનીટરીંગ, ઉમેદવારો અને રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચના રેકોર્ડ્સ માટે સિંગલ પ્લેટફોર્મ, ઉમેદવાર, વિધાનસભા મતવિસ્તાર સહિત તારીખ-જિલ્લાવાર વિશ્લેષણ અને અહેવાલ,  વિવિધ વિભાગો દ્વારા જપ્ત કરાયેલી રોકડ, દારૂ, જ્વેલરી, નાર્કોટિક્સ વગેરેની રિયલ ટાઇમ ઇન્ફરમેશન, બેંકોમાં કરવામાં આવતા સત્તાવાર રોકડ વ્યવહાર તેમજ કાર્યવાહી માટે પેન્ડિંગ કેસો માટે ટ્રેકિંગ વગેરેની સુવિધા ઉપલબ્ધ છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ઉમેદવારો પર નજર રાખવા માટે ફોર્મેટ C1નો ઉપયોગ કરવામા આવે છે. આ વેબ એપ્લિકેશન ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી માહિતીની રેકોર્ડ રાખવા માટે આર.ઓ.ને મદદ કરે છે. ઓબ્ઝર્વર પોર્ટલમાં સામાન્ય-પોલીસ અને ખર્ચ ઑબ્ઝર્વરની વિગતો છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ વિવિધ વિષયોના નિરીક્ષકોની નિમણૂંક કરી છે.

આ સાથે, ભારતના ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા ટુલ્સ જેવા કે, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા માટે કરવામાં આવે છે. આ સોશિયલ મિડિયા ટુલ્સમાં મુખ્ય નિર્વાચન અધિકારીથી લઈ ચૂંટણી નોંધણી અધિકારી સુધીનાં અધિકારીઓના એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ પ્રકારના વિવિધ પ્રકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા બુથ લેવલ સુધીનાં કર્મચારીઓની કામગીરી વધુ ઝડપી અને પારદર્શી બની છે. આ વિવિધ પ્રકારની વેબપોર્ટલ-મોબાઈલ એપ ચૂંટણી તંત્ર અને મતદાતાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવી રહી છે.

આ પણ વાંચો: WR GM anil kumar misra: અશોક કુમાર મિશ્રએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Gujarati banner 01