રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઈ : પરેશ ધાનાણી

kushagra kevat 8cYwYgasSis unsplash
Photo by Kushagra Kevat on Unsplash

ગાંધીનગર,૧૪ સપ્ટેમ્બર:રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિનિંગ ગોઠવવામાં આવેલ.

અમદાવાદના શ્રી મનોજકુમાર ડી. પટેલની તા. 9-9-2020ની રજૂઆતમાં જણાવ્યા મુજબ, અરજદારે માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ મેળવેલ માહિતી મુજબ, 37 ફિલ્મો પૈકી 18 ફિલ્મો એવી નીકળી કે જે વર્ષ 2016, 2017 અને 2018માં રજૂ થયેલ સબસીડી નીતિ 2016 હેઠળ આવતી હતી છતાં આ ફિલ્મો્ને 8 માર્ચ, 2019ના રોજ આવેલ નવી ફિલ્મી સબસીડી નીતિ-2019 હેઠળ રૂા. 4 કરોડ જેટલા વધુ નાણાં ચૂકવવામાં આવેલ છે. આ પ્રકરણમાં સબસીડી માટેના નિયમો બનાવતી અને સજેસ્ટ કરતી મેક્રો લેવલ કમિટીના સભ્યોની ફિલ્મોએ તેમણે જ બનાવેલ નિયમો વિરુદ્ધ જઈ પોતાની ફિલ્મોને ફાયદો કરાવી 2016ને બદલે 2019ની નવી નીતિ મુજબ કરોડો રૂપિયા વધુ લઈ લીધેલ છે,

loading…

જેથી જનતાની પરસેવાની કમાણીના રૂા.4 કરોડ અથવા તેથી વધુ ચૂકવી દીધેલ રકમ સરકારમાં પરત આવે અને અન્યાય થયેલ ફિલ્મ નિર્માતાઓને ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી થવા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ આજ રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખીને સદર બાબતે જરૂરી તપાસ કરાવી, ઉક્ત‍ પ્રકરણમાં થયેલ કથિત નાણાંકીય ગેરરીતિની તપાસ કરાવી, જનતાની પરસેવાની કમાણીની રકમ સરકારી તિજોરીમાં પરત આવે અને સાચા ફિલ્મ નિર્માતાઓને મળવાપાત્ર સબસીડીની રકમ મળે તે માટે જરૂરી કાર્યવાહી થવા સંબંધિતને સૂચના આપવા વિનંતી કરેલ છે.