PM sabar inaugurate dairy and many projects

PM sabar inaugurate dairy and many projects: આવતી કાલે PM મોદી ગુજરાતની મુલાકાતે, કરશે સાબર ડેરીના 3 પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

PM sabar inaugurate dairy and many projects: ભારતમાં ચીઝનું માર્કેટ રૂ. 3 હજાર કરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં 6 હજાર કરોડ સુધી જવાની સંભાવના

ગાંધીનગર, 27 જુલાઇઃ PM sabar inaugurate dairy and many projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28 જુલાઈના રોજ સાબર ડેરીના ૩ નવા પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવાના છે, જે ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે નવતર અભિગમ અને નીતિઓ સાથે કામગીરી કરી રહી છે.


5 એકર વિસ્તારમાં ચીઝ પ્લાન્ટનું નિર્માણ
5 એકર વિસ્તારમાં 600 કરોડના રોકાણથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા અનુસાર ચીઝની માંગ 15%ના દરથી વધી રહી છે તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી 2023-24ના ગાળામાં માંગને પહોંચી વળવામાં સહાયતા થશે. અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું નિર્માણ કરવામા આવશે. 2024 સુધીમાં આ પ્લાન્ટ નિર્માણ પૂર્ણ કરવામા આવશે.

સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક 700 કરોડની આવક થશે
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે નવી ચીઝ ફેક્ટરીમાં વાર્ષિક 1.2 કરોડ લિટર દૂધનો ઉપયોગ થશે અને તેનાથી સંકળાયેલા પશુપાલકોને વાર્ષિક 700 કરોડની વધારાની આવક થશે. ભારતમાં ચીઝનું માર્કેટ રૂ. 3 હજાર કરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં 6 હજાર કરોડ સુધી જવાની સંભાવના છે. ગુજરાતનું અમુલ અત્યારે ભારતના ચીઝ માર્કેટમાં 70 ટકા માર્કેટ શેર સાથે ટોચનું સ્થાન ધરાવે છે.


ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય 60 હજાર કરોડનો
ગુજરાતમાં 24 સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક 250 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી 5મા ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બાકીના દુધનો ઉપયોગ પાવડર, બટર, પનીર, ચોકલેટ સહિતના ઉત્પાદો બનાવવામાં થાય છે. સહકારી માળખા મારફતે ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય 60 હજાર કરોડનો છે.

આ પણ વાંચોઃ Dedicated policy: સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી dedicated પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું
છેલ્લા દસ વર્ષમાં ચીઝની માંગ 5 ગણી વધી ગઇ છે. તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી આવનારા દિવસોમાં ખેડૂતોને દૂધના વધુ ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે. ગુજરાતમાં ચીઝના અત્યારે ત્રણ પ્લાન્ટ છે. જેમાં અમુલ ફેડ ડેરી પ્લાન્ટ- ભાટ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ- ખાત્રજ અને બનાસ ડેરીના દિયોદર પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાબર ડેરીના આ પ્લાન્ટથી ગુજરાતમાં ચીઝ ઉત્પાદન વધી જશે અને તેનાથી રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થશે.


લોકાર્પણ અને ભૂમિપૂજનની વિગતો
• મુખ્ય ડેરી પ્લાન્ટની બાજુમાં રૂ ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન
• ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ
• 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક 120 ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

સાબર ડેરી વિશે
58 વર્ષથી સાબર ડેરી કાર્યરત છે. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ 2001-02માં ડેરી સાથે 2,50,000 પશુપાલકો સંકળાયેલા હતા જે સંખ્યા 2021-22માં વધીને 3,85,000 સુધી પહોંચી ગઇ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2001-02માં 351 કરોડનું હતું જે વધીને અત્યારે 6805 કરોડ પહોંચી ગયું છે. અત્યારે અહીં દૈનિક 33 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામા આવે છે.

પશુ ઓલાદ સુધારણા દ્વારા દુધ ઉત્પાદનને વધારવા સરકાર પ્રયત્નશીલ
આગામી દિવસોમાં દૂધનું ઉત્પાદન વધે તેના માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પંજાબ જેવા રાજ્યોમાંથી સારી પશુ ઓલાદને ગુજરાત લાવીને ગુજરાતના પશુપાલકોને પૂરી પાડવામાં આવી રહી છે. કૃત્રિમ વીર્યદાન અને ગર્ભધારણ માટે સરકાર પૂરતી મદદ પુરી પાડી રહી છે. સારી ઓલાદના બચ્ચાઓનો જન્મ થાય તેના માટે આણંદ, વડોદરા, સુરત, મહેસાણા, ભરૂચ, બનાસકાંઠા સહિતની મોટી ડેરીઓએ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેના કેન્દ્રો બનાવ્યા છે જ્યાં આ કામગીરી કરવામાં આવે છે. આ સિવાય બ્રાઝીલ અને ડેન્માર્ક જેવા દેશો પાસેથી માર્ગદર્શન લઇને જરૂરી પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. સહકારી ધોરણે આ કામગીરી પૂરી પાડવામાં આવી રહી છે અને રાજ્યના 25 લાખ જેટલા ખેડૂતો/પશુપાલકોને તેનો લાભ મળી રહ્યો છે. વેટરનરી ડોક્ટરની સુવિધા માટે પણ એક ખાસ હેલ્પલાઇન દ્વારા સ્થળ પર જ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Gift city-IFSC: ગિફ્ટ સિટી ખાતે અત્યાધુનિક સુવિધા સાથે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

Gujarati banner 01