Vibrant Gujarat Global Summit 2024 1

VGGS 2024: 28 દેશો-14 સંસ્થાઓએ વાઈબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી

VGGS 2024: દરેક ભાગીદાર દેશ અને સંસ્થા VGGS ની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે

ગાંધીનગર, 30 ડિસેમ્બર: VGGS 2024: વડાપ્રધાન નરેંદ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ની થીમ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે.

આ ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલ્ટા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, કોરિયા રિપબ્લિક, રવાન્ડા, સિંગાપોર, તાંઝાનિયા, થાઇલેન્ડ, યુએઇ , યુનાઇટેડ કિંગડમ, ઉરુગ્વે, ઘાના અને વિયેતનામનો સમાવેશ થાય છે.

ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (AMCHAM ઇન્ડિયા); એપિક ઇન્ડિયા- યુનિવર્સિટી ઓફ શિકાગો; ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC); ઇન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી; ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ; જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO); કોરિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી; નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઓફિસ (NBSO); કાઉન્સિલ ઓફ EU ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા; UAE ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ; US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC); US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF); ધ ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર (INCHAM) ઇન વિયેતનામ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICCI) ઇન ઇટલીનો સમાવેશ થાય છે.

દરેક ભાગીદાર દેશ અને સંસ્થા VGGS ની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓએ સહયોગ, વેપાર અને રોકાણની તકોને વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી VGGS ને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમિટના છેલ્લા 9 સંસ્કરણોમાં, ભાગીદાર દેશો અને સંસ્થાઓએ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની દ્રષ્ટિએ સમિટ માટે હાઇ-પ્રોફાઇલ પ્રતિનિધિત્વ અને પ્રતિસાદમાં પણ યોગદાન આપ્યું છે.

આગામી VGGS 2024 સાથે, સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સમિટની સફળતા માટે નિર્ણાયક, ભાગીદાર દેશો અને ભાગીદાર સંગઠનો વિકસિત ભારત@2047 ના સર્વાંગી વિઝન સાથે અનુરૂપ, સેક્ટોરલ અને કન્ટ્રી સેમિનારોમાં સક્રિયપણે ભાગ લઈને યોગદાન આપશે.

આ પણ વાંચો… Train Schedule Extended: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો