Vidya Review Centre

Vidya Review Centre: વર્લ્ડ બેંકનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે

Vidya Review Centre: ભારતના પ્રધાનમંત્રીનું વિઝન વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડલનું 100થી વધુ દેશોમાં અનુકરણ થશે.”- હેરલ્ડ ટેવરેસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વર્લ્ડ બેંક

ગાંધીનગર, 01 ઓગસ્ટઃ Vidya Review Centre: “ભારતના પ્રધાનમંત્રીનું વિઝન અમે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જોયું. જેનું ગુજરાતથી ભારતમાં અને ભારતથી હવે સમગ્ર દુનિયામાં અનુકરણ થશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અમે જે અત્યાધુનિક ટેકનોલોજી અને તેનો ઉપયોગ જોયો તેવી વ્યવસ્થા શિક્ષણક્ષેત્રે અમે વિકસિત દેશોમાં પણ જોઈ નથી.

આ માટે હું ભારતના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. વર્લ્ડ બેંક હંમેશા સહિયારા પ્રયાસો અને ભાગીદારીમાં વિશ્વાસ ધરાવે છે. ગુજરાત સાથેની ભાગીદારીના કારણે અમને આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો અભ્યાસ કરવાની તક મળી. હવે અમે જે 100 દેશોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યાં પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે કાર્ય કરીશું.“- હેરલ્ડ ટેવરેસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વર્લ્ડ બેંક

“અમે વર્લ્ડ બેન્કના તમામ એક્ઝીક્યુટીવ ડિરેક્ટર્સ ભારતની સ્ટડી ટુર પર આવ્યા છીએ. અમારા પ્રમુખ અજય બાંગા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલન વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. વિશ્વસ્તરે અનુકરણીય આ મોડલ વિશે અમને જણાવ્યું હતું. વધુ જાણકારી મેળવી તેનો અભ્યાસ કરવા માટે 100 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છીએ.”- પરમેશ્વરન ઐયર, IAS, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ભારત, વર્લ્ડ બેંક

તાજેતરમાં અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંક અને જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અજય બાંગા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભારતના અન્ય રાજ્યો અને દુનિયાના અન્ય દેશો માટે અનુકરણીય મોડેલ છે તેવું જણાવ્યુ હતુ.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ દુનિયાના અન્ય દેશોમાં પ્રસ્થાપિત કરવા માટે આજે વિશ્વના 100 દેશોનું પ્રતિનિધિત્વ કરતા વર્લ્ડ બેંકના ડેલીગેટ્સ દ્વારા ગાંધીનગર ખાતે મુલાકાત લેવામાં આવી. આ ડેલીગેશનમાં ચીન, બ્રાઝિલ, યુકે, આર્જેન્ટીના, સાઉદી અરેબિયા, પોલેન્ડ, તાન્ઝાનિયા,મેક્સિકો, ઇન્ડોનેશિયા, નાઈઝેરીયા વગેરે દેશોના વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી.

ભારતના મોટા ભાગના રાજ્યો શૈક્ષણિક ગુણવત્તાને સુધારવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જયારે વૈશ્વિક સ્તરે ક્રેડીબલ ડેટાની અછત છે ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી રીઅલ-ટાઇમ ઓનલાઈન મોનીટરીંગ કરી ક્રેડીબલ ડેટા મેળવી તેનું અર્થપૂર્ણ એનાલીસીસ કરવામાં આવે છે.

આ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોરમેશન જર્નીની માહિતી મેળવી હતી. આ પ્રતિનિધિઓએ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સની તમામ વિગતો મેળવી હતી.

તમામ પ્રતિનિધિઓએ લાઈવ રીઅલ ટાઈમ એટેન્ડન્સ, એસેસમેન્ટ અને સ્કુલ એક્રેડીટેશનના ડેશબોર્ડ દ્વારા શાળા શિક્ષણની અધ્યતન માહિતી મેળવી હતી તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વર્તમાન સુધારાઓથી શું લાભ થયો તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર રીલાયેબલ અને વિશ્વસનીય ડેટા માટેનું એક વૈશ્વિક મોડલ આગામી સમયમાં બનશે, જે સમગ્ર વિશ્વના શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અગત્યની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચો…. Signature Bridge: ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ, જાણો વિશેષતાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો