Corona death case in world: વિશ્વમાં એક દિવસમાં કોરોનાના નવા ૧૯ લાખ કેસ, ૭,૦૦૦થી વધુ મોત- વાંચો ક્યા દેશમાં કેટલા કેસ નોંધાયા?

Corona death case in world: અમેરિકામાં કોરોનાના નવા સૌથી વધુ ૫,૭૨,૦૨૯ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૧,૩૬૨નાં મોત નીપજ્યાં

વોશિંગ્ટન, 01 જાન્યુઆરીઃ Corona death case in world: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઝડપી પ્રસારના પગલે દુનિયાભરમાં કોરોના મહામારીએ ઊથલો માર્યો છે અને વર્ષના છેલ્લા સપ્તાહમાં મહામારી વઘુ ઘાતક બની છે અને દરરોજ કોરોનાના નવા વિક્રમી કેસ નોંધાઈ રહ્યા છે. દુનિયામાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના નવા ૧૯ લાખ કેસ નોંધાયા હતા જ્યારે સતત બીજા દિવસે ૭,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં જોવા મળ્યા છે, જ્યાં એક જ દિવસમાં ૫.૭૨ લાખ કેસ નોંધાયા હતા. આ સિવાય યુરોપમાં ફ્રાન્સમાં કોરોનાના બે લાખ જ્યારે બ્રિટનમાં ૧.૮૯ લાખ અને સ્પેનમાં ૧.૬૧ લાખ કેસ નોંધાયા હતા.


દુનિયા આખી નવા વર્ષની ઊજવણી માટે તૈયાર થઈ રહી હતી એવામાં મહામારીએ ઊથલો મારતાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકામાં કોરોનાના નવા સૌથી વધુ ૫,૭૨,૦૨૯ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૧,૩૬૨નાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૫,૫૨,૫૨,૮૨૩ થયા હતા અને મૃત્યુઆંક ૮,૪૫,૭૪૫ થયો હતો. બ્રિટનમાં નવા ૧,૮૯,૨૧૩ કેસ સામે આવ્યા હતા અને વધુ ૩૩૨નાં મોત થયા હતા.

બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૧,૨૭,૪૮,૦૫૦ થયા છે જ્યારે મૃત્યુઆંક ૧,૪૮,૪૨૧ થયો છે. ફ્રાન્સમાં પણ કોરોના મહામારી વકરી છે જ્યાં એક દિવસમાં કોરોનાના નવા ૨,૦૬,૨૪૩ કેસ સાથે કુલ કેસ ૯૭,૪૦,૬૦૦ થયા હતા જ્યારે વધુ ૧૮૦નાં મોત સાથે મૃત્યુઆંક ૨૩,૫૫૨ થયો હતો. સ્પેનમાં પણ ફરી એક વખત કોરોના મહામારીની બીજી લહેર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં એક દિવસમાં કોરોનાના ૧,૬૧,૬૮૮ કેસ સાથે કુલ કેસ ૬૨,૯૪,૭૪૫ થયા હતા અને વધુ ૭૪નાં મોત સાથે મૃત્યુઆંક ૮૯,૪૦૫ થયો હતો.

આ પણ વાંચોઃ Vaishno Devi Stampede: માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ


દરમિયાન ઓસ્ટ્રેલિયામાં પણ શુક્રવારે પહેલી વખત દૈનિક કેસ ૧૦,૦૦૦ને પાર થયા છે. ઓસ્ટ્રેલિયામાં શુક્રવારે ૨૪ કલાકમાં કોરોનાના ૩૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના વિક્રમી કેસો માટે નિષ્ણાતોએ ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. સિડની અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણોમાં છૂટછાટ અપાતાં ઓમિક્રોનનો ચેપ વધુ ફેલાયો છે. એકલા સિડનીમાં જ શુક્રવારે ૧૫,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં ૫,૦૦૦ અને વિક્ટોરિયામાં ૬,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.

ઓમિક્રોન સામેની લડતમાં તૈયારીના ભાગરૂપે ઈઝરાયેલે લોકોને કોરોના વિરોધી રસીનો ચોથો ડોઝ આપવાનું શરૂ કર્યું છે. આ સાથે દેશવાસીઓને ચોથો ડોઝ આપનાર ઈઝરાયેલ દુનિયાના પહેલા દેશોમાંનો એક બન્યો છે. ઈઝરાયેલે વૃદ્ધો અને કેર હોમ્સના કર્મચારીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને ચોથો ડોઝ આપવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલના શેબા મેડિકલ સેન્ટરમાં શુક્રવારથી હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને ચોથો ડોઝ આપવાનું શરૂ કરાયું હતું.ઈઝરાયેલમાં હાલમાં ઓમિક્રોનના કેસ વધતા કોરોનાના દૈનિક ૪,૦૮૫ નવા કેસ નોંધાયા હતા.

Whatsapp Join Banner Guj