Vaishno Devi Stampede

Vaishno Devi Stampede: માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

Vaishno Devi Stampede: મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની, ઘાયલોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

નવી દિલ્હી, 01 જાન્યુઆરીઃ Vaishno Devi Stampede: જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થવાના કારણે 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 13 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટના રાતે 2:45 કલાક આસપાસના સમયે બની હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના કહેવા પ્રમાણે પ્રાથમિક વિગતોમાં એવું સામે આવ્યું છે કે, કોઈ વાતને લઈ વિવાદ વકરતાં શ્રદ્ધાળુઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી. 

આ પણ વાંચોઃ Film Prithviraj Protest: અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’ સામે વિરોધ પ્રદર્શન, ફિલ્મને બોયકોટ કરવાનું કહ્યું- વાંચો શું છે મામલો?

કટરા હોસ્પિટલના બીએમઓ ડોક્ટર ગોપાલ દત્તે મૃતકઆંક અંગેની પૃષ્ટિ કરી હતી. હાલ ઘાયલોને સારવાર માટે નારાયણા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે જ્યારે પોલીસના કહેવા પ્રમાણે હવે સ્થિતિ કાબૂમાં છે. જાણવા મળ્યા મુજબ નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી.

એક અહેવાલ પ્રમાણે મૃતકો અને ઘાયલોનો આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના 1-1 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે અને અન્યની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. 

આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ભગવાન ઘાયલોને જલ્દી સાજા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાનના કહેવા પ્રમાણે તેમણે જમ્મુ કાશ્મીરના ગવર્નર મનોજ સિન્હા, ઉધમપુરના સાંસદ ડોક્ટર જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે. ઘાયલોને તમામ સંભવિત ચિકિત્સા સહાયતા અને અન્ય મદદો પ્રદાન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 

Whatsapp Join Banner Guj