H1B visa edited

H-1B visa: અમેરિકાની કોર્ટે એચ-૧બી વિઝા અંગે ટ્રમ્પ યુગની દરખાસ્ત રદ કરી- વાંચો શું છે મામલો?

H-1B visa: એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે

વોશિંગ્ટન, 18 સપ્ટેમ્બરઃH-1B visa: અમેરિકાની ફડેરલ કોર્ટે એચ-૧બી વિઝાની પસંદગી માટે વર્તમાન લોટરી સિસ્ટમના બદલે ટ્રમ્પ યુગની પગાર આધારિત પસંદગી પ્રક્રિયા લાગુ કરવાની સૂચિત દરખાસ્ત રદ કરી દીધી છે. આ દરખાસ્ત રદ થવાથી ભારતીય પ્રોફેશનલ્સને ઘણી રાહત મળશે. કેલિફોર્નિયાના ઉત્તરીય જિલ્લાની અદાલતે દરખાસ્ત રજૂ કરતી વખતે કાર્યવાહક હોમલેન્ડ સિક્યોરિટી સચિવ ચાડ વૂલ્ફ કાયદાકીય રૂપે તેમના પદ પર કામ કરતા નહોતા તેવા આધારે તત્લાકિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને નકારી કાઢી હતી.

એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. ભારતના હજારો પ્રોફેશનલ્સ આ વિઝા પર કામ કરવા માટે અમેરિકા જાય છે. અમેરિકામાં દર વર્ષે ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવાની મર્યાદા નિશ્ચિત છે. આ સિવાય ૨૦ હજાર ઉચ્ચ ડિગ્રીવાળા પ્રોફેશનલ્સ માટે અનામત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના અંતિમ સમયમાં એચ-૧બી વિઝા અંગેની નીતિમાં ફેરફાર કર્યો હતો. તેમણે વર્તમાન લોટરી સિસ્ટમના બદલે પગાર આધારિત પસંદગી પ્રક્રિયા લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. જોકે, તેમની આ દરખાસ્તનો ઘણો વિરોધ થયો હતો.

કેલિફોર્નિયાના ઉત્તરીય જિલ્લાની યુેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેફ્રી એસ. વ્હાઈટે બુધવારે એચ-૧બી વિઝા(H-1B visa) અંગેની ટ્રમ્પ સરકારની સૂચિત દરખાસ્તને કોર્ટમાં પડકારતાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સની અરજી મંજૂર રાખી હતી. એચ-૧બી વિઝા માટેની વર્તમાન સિસ્ટમ મુજબ વહેલા તે પહેલાના ધોરણે અને લોટરીના મિશ્રણથી વિદેશી પ્રોફેશનલ્સની પસંદગી થાય છે. 

આ પણ વાંચોઃ Today Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન, રાજ્યનાં કેટલાંક શહેરોમાં અર્ધ લશ્કરી દળો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના અંતિમ સમયમાં એચ-૧બી વિઝા(H-1B visa) માટે પગાર આધારિત પસંદગી પ્રક્રિયાનો અમલ કરવાની દરખાસ્ત કરી હતી. તે સમયે યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે, તે અમેરિકન કર્મચારીઓના હિતોને અગ્રતા આપતાં પગાર આધારિત એચ-૧બી વિઝા પસંદગી પ્રક્રિયા અમલી બનાવશે અને કામચલાઉ રોજગારી કાર્યક્રમનો અત્યંત કુશળ વિદેશી કામદારોને જ લાભ મળે તેની ખાતરી કરાશે. એચ-૧બી વિઝાની ફાળવણીનો નિયમ મૂળભૂત રીતે માર્ચ ૯, ૨૦૨૧થી અમલમાં આવ્યો હતો. પરંતુ બાઈડેન વહીવટી તંત્રના નિયમનકારી ફ્રીઝના પ્રતિભાવમાં હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે સૂચિત નિયમના અમલની તારીખ લંબાવીને ડિસેમ્બર ૩૧, ૨૦૨૧ કરી હતી. 

બીજીબાજુ તાજેતરમાં અમેરિકન સિટિઝનશિપ અને ઈમિગ્રેશન સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારે ૨૦૨૨ના નાણાકીય વર્ષ સુધી વધુ અરજીઓ પસંદ કરવાની જરૂર છે. માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે વૈકલ્પિક નોંધણીવાળા અરજદારોજ એચ-૧બી વર્ક વિઝા માટે અરજી કરી શકશે. નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે નોંધણી કરનારાઓ માટે પહેલા અરજી કરવાની મર્યાદા ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન ૨૦૨૧ સુધી હતી.

Whatsapp Join Banner Guj