Change in life: પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે!

Change in life: આપણો વિશ્વાસ પણ પાણી જેવો જ હોય છે

Change in life: કોઈને અદેખાઈ થાય એવું કાંઈક આપણી પાસે છે તે માટે નતમસ્તકે વિધાતાનો આભાર માનવો જ રહ્યો. આપણો વિશ્વાસ પણ પાણી જેવો જ હોય છે. એને જેવી વસ્તુમાં મૂકીએ એ એના જ જેવું રૂપ ધારણ કરી લે છે.

ઉચ્ચારો એવા કરવા કે એનાથી અન્યો મરે નહીં પરંતુ તરે! શબ્દો તાકાતવાન હોય છે જેને સાંભળવા માત્રથી ઘણાં લોકો જોમવાન બની જતા હોય છે. શબ્દોમાં પણ પ્રાણ હોય છે. પણ જીભને કયાં એની જાણ હોય છે. શબ્દનો ૫ણ સ્વાદ હોય છે, એને બોલતા ૫હેલા પોતે ચાખી લેવા, જો આ૫ણને ન ભાવે, તો તે બીજાને કયારેય ન પીરસવા!

મોબાઈલ પુષ્કળ સારા શબ્દો, વાક્યો અથવા સ્થિતિઓનું નિર્માણ કરતાં હોય છે તેથી ફક્ત સેલફોનને જ દોષિત ન ગણાય. અમુક વિચારવાંતોના મતે આપણે જિંદગીને આજકાલ ખૂબ વ્યસ્ત બનાવી દીધી હોય તેમ નથી લાગતું? બીજુ કશું વિચાર કરવા માટે આપણે મગજને નવરું પડવા દઈએ છીએ ખરા? હવે તો સ્થિતિ એ થતી જાય છે કે માણસ નવરો પડે તો ટેન્શનમાં આવી જાય છે, હાંફળો હાંફળો થઈ જાય છે!

એનું કારણ એ છે કે, આપણે નવરા રહેવાની આદત જ ગુમાવી દીધી છે ! માણસ બધાને સમય આપે છે પણ પોતાને જ સમય આપતો નથી. આપણે મગજને નવરું રહેવા જ દેતા નથી- આપણે કહીએ છીએ કે ટાઈમ જ નથી પરંતુ ફુરસદ મળે એટલે તરત મોબાઈલ! કયારેક આપણું મગજ નવરું રહે એ પણ બહુ જરૂરી છે. એ નોંધજો કે માણસ સાવ ફ્રી હોય ત્યારે શું કરે છે? એ તરત જ પોતાનો મોબાઈલ હાથમાં લઈ લેશે અને સોશિયલ મીડિયા કે ગમે ત્યાં મગજ લડાવવા લાગશે.

મગજની તંદુરસ્તી માટે એકદમ ફ્રી થઈ જઈને કુદરતી/પ્રાકૃતિક સૌદર્યનો માહોલ માણવો જોઈએ. કયારેક કંટાળો આવે એ પણ જરૂરી છે, કંટાળો આવે ત્યારે આપણે કંઈ કરતા હોતા નથી, નવરા બેઠા હોઈએ છીએ ત્યારે એ વખતે પણ આપણું મગજ તો કામ કરતું જ હોય છે. આવા સમયે જ મગજમાં કંઈક નવો વિચાર સ્ફુરે છે અને જિંદગીની દિશા બદલાઈ જતી હોય છે અને તેનું કારણ મોબાઈલમાં આવતો, વંચાતો સદ્દવિચાર કે તેનું બીજ પણ સંભવી શકે છે.

કોઈ લખાણો કે પ્રતો વ્યવહારુ પાઠ ભણાવી જતા હોય છે. બધું જ સમજવાની જિંદગીમાં કોશિષ ન કરવી કેમકે કેટલીક વાતો સમજવા માટે નથી હોય પણ સ્વીકારી લેવાની હોય છે. ઉપરવાળો રમાડે છે રમત શૂન્ય ચોકડીની, હારો તો ચોકડીને જીતો તોય શૂન્ય!

આજ પણ બદલાય છે,
ને કાલ પણ બદલાય છે…
સાથ પણ બદલાય છે,
સહવાસ પણ બદલાય છે…

વહેમ પણ બદલાય છે,
વિશ્વાસ પણ બદલાય છે…
પ્રેમ પણ બદલાય છે,
ધિક્કાર પણ બદલાય છે…

દિલ તો શું, દિલના બધાં,
ધબકાર પણ બદલાય છે…
એટલું અસ્થિર મળ્યું છે,
માનવીને મન અહીં…
સ્નેહ પણ બદલાય છે,

સંસાર પણ બદલાય છે…
જે બધું બદલે છે પણ,
પોતે બદલાતો નથી…
માનવીની નજરે એ,
ભગવાન પણ બદલાય છે…

‘આઈ લવ યુ’ કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઈ જાય છે જિંદગીમાં. એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ, પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે, હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”

ફૂલને થયું કે, આ તો સાલું માથે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે. ફૂલે પંખીને કહ્યું, “તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?” પ્રેમીપંખીડુ તો આ સાંભળીને એકદમ ગેલમાં આવી ગયું. એવું લાગ્યું જાણે કે, આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું. એણે તો તુરંત જ કહ્યું, “હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું !”

ફૂલે કહ્યું, “જો હું અત્યારે સફેદ છું. જ્યારે હું લાલ થઈ જઈશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.” આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફૂલ વિચારમાં પડી ગયું કે, હું તો સફેદ છું. લાલ તો થવાનું જ નથી. આ તો પક્ષીનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું. પણ આ તો એવું માની બેઠું લાગે છે કે, હું – ફૂલ લાલ થઈ જઈશ. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે !

પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા મંડ્યા અને ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું. થોડીવારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું અને પેલું સફેદ ફૂલ એકદમ લાલ થઈ ગયું.

ફૂલને હવે સમજાયું કે, આ સ્નેહઘેલું પંખી એને કેટલો પ્રેમ કરે છે ! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું અને કહ્યું, “દોસ્ત મને માફ કરજે. હું તો તારા પ્રેમને મજાક જ સમજતો હતો, પણ મને હવે તારો સાચો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…” ફૂલ સતત બોલતું જ રહ્યું. પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો ત્યારે ફૂલને સમજાયું કે, હવે ઘણું મોડું થઈ ગયું છે.

આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે. પણ કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને ઢોંગ, ધતિંગ કે મજાક માત્ર જ સમજીએ છીએ… જાળવજો… સંભાળજો… ક્યાંક પ્રેમનો સ્વીકાર તથા એકરાર કરવામાં મોડું ન થઈ જાય ! પ્રેમ માતા-પિતાનો, ભાઈ-બહેનનો, પતિ-પત્ની કે મિત્ર- સહેલીનો પણ હોય !

દરેક ક્ષણ કિંમતી છે, આપણી સામેની ક્ષણની સંભાળ રાખવી. દુન્યવી ઘોંઘાટમાં જાતને લીન કરો. સામેની વ્યક્તિ પર, તમારી સામેના પડકાર પર, તમારી સામેના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. અહીં-તહીં કે જ્યાં-ત્યાં ભ્રમમાં ન પડો, તમારી જાતને બિનજરૂરી મુશ્કેલી ન આપો.

જીવન ક્ષણોથી બનેલું છે, તેથી જે પણ ક્ષણમાં તમે તમારી જાતને શોધી રહ્યા છો, તેને સંપૂર્ણ રીતે વસાવો. તટસ્થ દર્શક ન બનો, ભાગ લો અને પોતાનું શ્રેષ્ઠ આપો. ભાગ્ય સાથે તમારી ભાગીદારીનું સન્માન કરો. જાતને વારંવાર પૂછો: હું આ કાર્ય કેવી રીતે કરી શકું જેથી તે પ્રકૃતિની ઈચ્છા સાથે સુસંગત હોય ?

જે જવાબ આવે તેને ધ્યાનથી સાંભળો અને વ્યસ્ત થઈ જાઓ. ભૂલશો નહીં કે જ્યારે તમારા દરવાજા બંધ હોય અને તમારા રૂમમાં અંધારું હોય, ત્યારે પણ તમે એકલા નથી ! જેમ કુદરતી પ્રતિભા આપણી અંદર હોય છે તેમ કુદરતની ઈચ્છા પણ આપણી અંદર જ હોય છે. તેમની વિનંતીઓ સાંભળીએ ને તેમની સૂચનાઓનું પાલન કરીએ.

જ્યાં સુધી જીવન જીવવાની કળાનો સંબંધ છે, તેનો સીધો સંબંધ તમારા જીવન સાથે છે, તેથી દરેક ક્ષણે સહુએ સાવચેત રહેવું પડશે. અધીરા થવાનો કોઈ ફાયદો નથી, કોઈ મોટી વસ્તુ અચાનક ઉદ્દભવતી નથી.

દિવસને આથમતા વાર નથી લાગતી
સમયને ભાગતા ય વાર નથી લાગતી.
મુક્ત ગગનમાં આજ વિહરી લો જરા
આફતને આવવામાં વાર નથી લાગતી.

રંગ બદલતા ચહેરા હોય છે બેશુમાર
માનવને ય બદલાતા વાર  નથી લાગતી.
શબ્દોની તલવારને રાખજો જરા મ્યાનમાં
સંબંધોને બગડતા પણ વાર નથી લાગતી.

માનવ બનીને થોડું જીવી લેજો વ્હાલા
જિંદગીને લથડતા વાર નથી લાગતી !

જીંદગી આપણને ચાન્સ તો આપે જ છે પરંતુ સૌને જીંદગી પાસે ચોઈસની જ અપેક્ષા હોય છે, જે જીંદગી નથી આપતી!

આ પણ વાંચો… Sabarmati-Jodhpur Express train cancelled: આ તારીખે રદ્દ રહશે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો