Woman: સ્ત્રી શક્તિ અને ભક્તિનો સંગમ છે…..!

Woman: !!પ્રેરક પાત્રો!!

Woman: માઁ, બહેન, સખી, પ્રિયતમા, પત્ની, પુત્રી, પુત્રવધૂ જેવા કોઇપણ રૂપમાં સ્ત્રીઓ, પોતે જાતે જીવન જીવવા માટે, ભણતર, ઘડતર, કારકિર્દી ચણતર માટે, જીવન-પાત્ર, જીવન-શૈલી, જીવનના મહત્વના નિર્ણયો લેવા જેવી અસંખ્ય બાબતે આત્મનિર્ભર બનવા ઇચ્છે છે. સામાજીક વ્યવસ્થાએ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દીધી છે, પણ માનસિક રૂપમાં કોઈ પણ સ્ત્રી પરતંત્ર નથી.

એટલે જે લોકો પત્નીને ઘરની માલિક બનાવી દે છે, તે વારંવાર ખુશ દેખાતા હોય છે. આપ તેને માલિક ભલે ના બનાવો, પણ એની જીંદગીના એક ભાગને મુક્ત કરી દો. એને સ્વયંની અભિવ્યક્તિ વ્યક્ત કરી ખુદની અહેમિયત પૂરવાર કરવા, પોતાના વ્યક્તિત્વથી જોડાયેલા નિર્ણય પોતે જ લેવા દો ને પછી જુઓ મજા! સ્ત્રી શક્તિ અને ભક્તિનો સંગમ છે!

પુષ્પા છેલ્લાં 4 વર્ષથી દિલ્હીમાં કેબ ચલાવે છે. તેના કામનો સમય નિશ્ચિત નથી. જ્યારે ડ્યૂટી આવે છે ત્યારે તે ટેક્સી લે છે અને રાઇડ લેવા જાય છે. તેમને ઘણીવાર ખબર પણ હોતી નથી કે તેમને કયા સમયે ડ્યૂટી મળશે.

દિલ્હીના મૌજપુરમાં રહેતી પુષ્પાના ચહેરા પર ઘણો આત્મવિશ્વાસ હતો. તે ઉષ્માભર્યું અભિવાદન કરતાં કહે છે, લોકોને ખબર હોવી જોઈએ કે અમે કયા સંજોગોમાં કામ કરીએ છીએ અને અમારી સામે કેવા પડકારો હોય છે.

પુષ્પા સ્વતંત્ર બનવા માગતી હતી. કેબ ચલાવતાં પહેલાં તેણે સાઇકલ પણ ચલાવી ન હતી. આજે તે કારથી લઈને ટ્રક સુધી કોઈપણ વાહન ચલાવી શકે છે. પુષ્પાએ અહીં સુધી પહોંચવા માટે લાંબી લડાઈ લડી છે. તે કહે છે, ‘હું હંમેશાં કંઈક કરવા માગતી હતી.

માતા-પિતા નથી. આ કારણે તે તેની નાનીના ઘરે ઊછરી હતી. તે ઘરે રહીને એમ્બ્રોઇડરીનું કામ કરતી હતી. તહેવારો પર કપડાં ખરીદવા માટે મારે દસ રૂપિયા ભેગા કરવા પડતા હતા. એ ઉંમરે જ મેં વિચાર્યું હતું કે હું જીવનમાં કંઈક ચોક્કસ કરીશ.’

પુષ્પા પરિણીત છે. તે લગ્ન પછી જ ડ્રાઇવિંગ શીખી છે. જ્યારે મેં મારા પતિને કહ્યું કે મારે ડ્રાઇવિંગ શીખવું છે, ત્યારે તેઓ કોઈ રીતે સંમત થયા. પણ હું ખુશ થાઉં એ પહેલાં તેમણે શરત મૂકી. શરત એ કે આ વાતની ખબર ઘરમાં ન થવી જોઈએ. મેં વિચાર્યું કે મારે અત્યારે હા પાડી દેવી જોઈએ, નહીં તો તે ફરીથી ના પાડી દેશે. આ પછી હું કોમ્પ્યુટર શીખવા જઈ રહી છું એવું મારા સાસરિયાંને કહીને હું ડ્રાઈવિંગ શીખવા બહાર જતી હતી.

સ્ત્રી માટે આ વ્યવસાય કેટલો જોખમી છે ? જે અંગે પુષ્પા એક કિસ્સો કહે છે, ‘હું કંઈ ખોટું થતું જોઈ શકતી નથી. ટ્રેઈનિંગ દરમિયાન તે જે બસમાં મુસાફરી કરતી હતી એમાં મોટા ભાગે ખિસ્સાકાતરુઓ હતા. એક દિવસ જ્યારે મેં ખિસ્સાકાતરુઓનો વિરોધ કર્યો ત્યારે તેઓ મારી સાથે ઘર્ષણમાં ઊતર્યા. એ સમયે બસમાં કોઈ બોલ્યું ન હતું.

હું ડરી ગઈ હતી અને બસમાંથી ઊતરવા માગતી હતી. જ્યારે હું આગળના સ્ટેન્ડ પર ઊતરવા માટે ગેટ પાસે ઊભી હતી ત્યારે એ બધા પોકેટમાર ગેટ પાસે આવ્યા અને મને ઘેરી લીધી. બસ ઊભી થતાં જ તેઓ મારી પહેલાં ઊતરી ગયા. ડ્રાઈવર સમજદાર હતો અને હું નીચે ઊતરું એ પહેલાં જ તેણે બસનો દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે તમે આગળ ઊતરો. એ દિવસે હું ખૂબ ડરી ગઈ હતી. આ પછી મને ઘણા દિવસો સુધી ટ્રેઈનિંગમાં જવાનું મન ન થયું.’

પછી તમે તાલીમ છોડી દીધી ? જ્યારે હું ત્રણ દિવસ સુધી ડ્રાઇવિંગ શીખવા ન ગઈ ત્યારે ટ્રેનરે ફોન કર્યો. તેમણે સમજાવ્યું કે હવે તમારે રસ્તા પર જ રહેવાનું છે, તેથી તમે આવા લોકોનો સામનો થતો જ રહેશે. આવા લોકોથી કેવી રીતે બચવું એ પણ તમારે શીખવું પડશે. એ પછી હું માસ્ક પહેરવાનું શીખી અને બસમાં ચહેરો ઢાંકીને મુસાફરી કરવા લાગી.

શું તમને કાર ચલાવવાનું સરળ લાગ્યું કે મુશ્કેલ ? શરૂઆતના દિવસોમાં એ થોડું મુશ્કેલ હતું. ઘણીવાર હું ઘરે આવ્યા પછી ખૂબ રડતી. એવું લાગતું હતું કે મેં હિંમતથી આ નિશ્ચય કર્યો છે, પરંતુ મને ખબર નથી કે હું એ કરી શકીશ કે નહીં. એક દિવસ પતિએ કહ્યું કે તારે ઘરની બહાર બિલકુલ બહાર ન આવવું જોઈતું હતું, હવે તું બહાર આવી ગઈ છે તો વચ્ચેથી એ છોડી ન દેવું જોઈએ. હું તેમની વાત સમજી ગઈ અને મેં નક્કી કર્યું કે હવે હું શીખીને જ રહીશ.’

થોડા મહિના પછી ઘરના લોકોને ખબર પડી કે પુષ્પા કાર ચલાવતા શીખી રહી છે. પુષ્પા કહે છે, સંબંધીઓ અને પડોશીઓ ટોણા મારતા હતા કે તે એરોપ્લેન ઉડાવવવાનું શીખવા જઈ રહી છે. હું સાંભળતી અને જવાબ આપ્યા વિના જતી રહેતી. હું ઘણી વખત નિરાશ થતી. બસ હિંમત હારી નહિ. આખરે કેબ ચલાવવાનું લાયસન્સ મળ્યું. એ દિવસે લાગ્યું કે યુદ્ધ જીતી લીધું છે, પરંતુ એ પણ ખબર હતી કે ખરી લડાઈ તો રસ્તા પર ઊતર્યા પછી જ શરૂ થવાની છે.

જ્યારે સંબંધીઓ અને પડોશીઓનાં ટોણાં બંધ થયાં ત્યારે બહારના પુરુષો અને લોકોના ટોણાં શરૂ થઈ ગયા. જ્યારે એક મહિલા કાર લઈને રસ્તા પર નીકળે છે ત્યારે ચાર શખસ બિનજરૂરી રીતે તેની કારની નજીક આવવાનો પ્રયાસ કરે છે. લોકોની નજર મારી સામે તાકી રહે છે અને અમારે બધું ભૂલીને રસ્તા પર જ નજર મંડાયેલી રાખવાની હોય છે. લોકો કોમેન્ટ કરે છે કે જુઓ, આ મહિલા કાર લઈને નીકળી ગઈ છે, તેને ડ્રાઇવિંગ આવડતું નથી. એક દિવસ હું હેક્સા કાર લઈને નીકળી ત્યારે બસ-ડ્રાઈવરે ટિપ્પણી કરી કે કીડી જેવી સ્ત્રી હાથી લઈને નીકળી છે.

પુષ્પાને અજાણ્યા લોકો સાથે સફર કરવી પડે છે. સ્વબચાવ માટે કેવી રીતે તૈયાર રહે છે તેના જવાબમાં પુષ્પા તેની બેગમાંથી પેપર સ્પ્રે કાઢે છે અને કહે છે, હું આ હંમેશા મારી પાસે રાખું છું. એક વખત બસ સ્ટેન્ડ પર હું ત્રણ-ચાર રખડતા માણસોથી ઘેરાઈ ગઈ હતી. મેં આ બેગમાંથી બહાર કાઢ્યો, સ્પ્રે કર્યો અને તેઓ સ્વસ્થ થાય એ પહેલાં જ ત્યાંથી નીકળી ગઈ.

સ્ત્રી માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે પુરુષોની વિચારસરણીનો સામનો કરવો. તેઓ વિચારે છે કે જો સ્ત્રી ઘરની બહાર નીકળી છે, રસ્તા પર છે, તો તે લાચાર જ હશે, તેનો ફાયદો ઉઠાવો. કેટલીકવાર લોકો ખૂબ જ ભદ્દી વાતો કરે છે, તેમની અવગણના કરવી પડે છે.

જો બોલવું જરૂરી હોય તો થોડી કઠોર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. પુષ્પા સ્મિત સાથે કહે છે, ‘આ કારે મને ઘણું આપ્યું છે, મને આત્મનિર્ભર બનાવી છે, મને આત્મસન્માન આપ્યું છે અને હવે હું કંપની વતી ટૂંક સમયમાં હંગેરી જવાની છું. વિદેશ જવાની પણ તક મળી રહી છે!’ પુષ્પાને શુભેચ્છાવંદન.

વિજય લક્ષ્મી એક આત્મવિશ્વાસુ મહિલા છે જે સેંકડો પુરુષો વચ્ચે એકલી કામ કરી રહી છે, પરંતુ અહીં પહોંચતા પહેલાં તેણે જીવનની દરેક કાળી બાજુ જોઈ છે. વિજય લક્ષ્મી તેના જીવનમાં ખૂબ જ મુશ્કેલ અને કઠોર અનુભવોમાંથી પસાર થઈ હતી, વિજયાલક્ષ્મીએ જે કહ્યું એનાથી આંખોમાં આંસુ આવી જાય. બાળપણથી યુવાની અને પછી લગ્ન સુધીની તેમણે જે વાત જણાવી, એ કોઈને પણ અંદરથી હચમચાવી શકે છે.

વિજય લક્ષ્મી કહે છે, ‘હું ખૂબ નાની ઉંમરે શીખી ગઈ કે દરેક વ્યક્તિ સ્ત્રીને કેવી રીતે જુએ છે. તે ક્યાંય પણ સુરક્ષિત નથી, ન તો તેના ઘરમાં કે ન બહાર. તો પછી તેણે એવો વ્યવસાય કેમ પસંદ કર્યો, જેમાં તેને આખો દિવસ ઘરની બહાર રહેવું પડે. આના જવાબમાં તે કહે છે, ‘પેટની ભૂખથી બધું જ મટી જાય છે.

હું એક એક્સપોર્ટ ફર્મમાં કામ કરતી હતી. ત્યાં પણ બધાએ મારામાં માત્ર એક સ્ત્રી જ જોઈ. મને લાગ્યું કે હવે મારે પોતાનું કંઈક કરવું પડશે. વિજય લક્ષ્મીએ સાત વર્ષ પહેલાં ઈ-રિક્ષા ચલાવવાની શરૂઆત કરી હતી. તેની બહેને પ્રથમ ઈ-રિક્ષા ખરીદવામાં મદદ કરી.

વિજય લક્ષ્મી પણ એ જ પડકારોનો સામનો કરે છે, જે કોઈપણ ગરીબ પરિવારને સામનો કરવો પડે છે. તેણે તેની પુત્રીના લગ્ન કરાવવાના છે, પરંતુ તે દહેજ માટે પૈસા ભેગા કરી શકી નથી. તે કહે છે, હું ઈચ્છું છું કે મારી દીકરીને હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું એમાંથી પસાર થવું ન પડે. તેથી જ હું તેના લગ્ન એક સારા છોકરા સાથે કરવા માગું છું, જે આત્મનિર્ભર હોય.

તમે રસ્તા પરના ભયનો સામનો કેવી રીતે કરશો ? જવાબમાં તે તેની ઇ-રિક્ષાની ચાવી કાઢીને તેને તેની મુઠ્ઠીઓ વચ્ચે એવી રીતે ભીંસી દે છે કે તે ઘાતક હથિયાર બની જાય છે. મારી તરફ મુઠ્ઠી બતાવીને તે કહે છે, આ ચાવી મારું હથિયાર છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે છે ત્યારે હું તેને આ રીતે ફસાવું છું. તેનો એક જ હુમલો સામેની વ્યક્તિને સ્વસ્થ થવાની તક નહીં આપે.

એક-બે વાર જ્યારે કોઈએ તેનો મુકાબલો કરવાનો પ્રયાસ કર્યો, તો તે તેને જોઈને પાછો ફર્યો. હું એ પણ શીખી કે જો તમારે પુરુષોની વચ્ચે રહેવું હોય તો તમારે તમારી જીભને સખત રાખવી પડશે. કોઈ મને ખરાબ બોલે તો હું અપશબ્દો બોલતી. આ ગાળોએ હંમેશાં મને બચાવી.

એક ખરાબ અનુભવને યાદ કરતાં વિજય લક્ષ્મી કહે છે, એક રાત્રે ચાર છોકરા રિક્ષામાં બેઠા. તેમણે મારી પીઠ પર એક મોટો સૂયો અડાડી દીધો. આ પછી મને મારી સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું. મેં તેમની વાત સાંભળી નહીં. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેઓ મારા પર હુમલો કરે એ પહેલા એક ઓટો-ડ્રાઈવર ત્યાં આવ્યો. તેને જોઈને તેઓ ભાગી ગયા. સ્ટેન્ડ પર કોઈ તેને વિજયલક્ષ્મી કહેતું નથી. બધા બાહુબલી કહે છે. શા માટે ? તે કહે છે, ‘પુરુષોવાળું કામ અને પુરુષો જેવું નામ, આ મારી ઓળખ છે. અમારા જેવી સ્ત્રીઓએ પરિવાર ચલાવવા માટે પુરુષ બનવું પડે છે. સ્ત્રી શક્તિને નમન.

આ પણ વાંચો… Biggest Raid in India: ભારતના ઇતિહાસની સૌથી મોટી રેડ, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો