PM Modi and rishi sunak

G-20 Summit: પીએમ મોદીએ બાલીમાં દુનિયાની સામે રહેલા પડકારોમાંથી મુક્તિ મેળવવાનો સંદેશ

G-20 Summit: જલવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ), કોવિડ મહામારી અને યુક્રેન સંકટને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવા પર પીએમ મોદીએ યુએન પર સાધ્યું નિશાન

  • અમેરિકન રાષ્ટ્રપતિ અને બ્રિટીશ પીએમને મળ્યા ભારતીય વડાપ્રધાન
  • પીએમ મોદીએ બાલીમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા

નવી દિલ્હી, 15 નવેમ્બર: G-20 Summit: ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે 17મા જી-20 શિખર સંમેલનની શરૂઆત થઈ, જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક કક્ષાના અનેક નેતાઓ હિસ્સો લઇ રહ્યા છે. બે દિવસીય શિખર સંમેલનના પહેલા દિવસનું પહેલું સત્ર ખાદ્ય અને ઊર્જા સુરક્ષા વિષય પર આયોજિત થયું, જેમાં પીએમ મોદીએ સંબોધન કર્યું.

વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆતમાં જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ), કોવિડ મહામારી અને યુક્રેન સંકટને હાલમાં વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ જણાવી અને તેમનું સમાધાન લાવવા પર ભાર મૂક્યો. તેમણે આ સમસ્યાઓને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવા પર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની ટીકા કરી.

પીએમ મોદીએ કહ્યું, “આપણે એ વાતનો સ્વીકાર કરવામાં સંકોચ ન કરવો જોઇએ કે યુએન જેવી બહુપક્ષીય સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે. આપણે સહુ પણ તેમાં ઉપયોગી સુધારાઓ કરવામાં અસફળ રહ્યા છીએ. એટલે આજે જી-20 પાસેથી વિશ્વને વધુ અપેક્ષાઓ છે. આપણા ગ્રુપની પ્રાસંગિકતા વધી છે.”

યુક્રેનમાં વાતચીત તેમજ કૂટનીતિ દ્વારા સંઘર્ષ વિરામના પોતાના આહ્વાનને દોહરાવતા પીએમ મોદીએ કહ્યું, “પોસ્ટ-કોવિડ સમય માટે એક નવા વર્લ્ડ ઓર્ડરની રચના કરવાની જવાબદારી આપણા શિરે છે. સમયની માંગ છે કે આપણે વિશ્વમાં શાંતિ, સદ્ભાવ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઠોસ અને સામૂહિક સંકલ્પ દર્શાવીએ. મને વિશ્વાસ છે કે આગામી વર્ષે જ્યારે જી-20 બુદ્ધ અને ગાંધીની પવિત્ર ભૂમિ પર આયોજિત થશે, તો આપણે સહુ સહમત થઈને વિશ્વને એક મજબૂત શાંતિ-સંદેશ આપીશું.”

PM Modi Joe biden

આ ઉપરાંત પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને ખાતરની અછતને મોટું સંકટ જણાવ્યું અને તેનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત મિલેટ્સ (બાજરી) જેવા પૌષ્ટિક અને પરંપરાગત ખાદ્યાન્નને ફરીથી લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહ્યું છે. પીએમએ કહ્યું, “મિલેટ્સથી વૈશ્વિક કુપોષણ અને ભૂખમરાનું પણ સમાધાન થઈ શકે છે. આપણે સહુએ આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જોરશોરથી ઉજવવું જોઇએ.”

ઊર્જા સુરક્ષા વિષય પર વાત કરતા તેમણે કહ્યું, “આપણે એનર્જીના સપ્લાય પર કોઇપણ પ્રકારના પ્રતિબંધોને પ્રોત્સાહન આપવું જોઇએ નહીં, તેમજ એનર્જી માર્કેટમાં સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઇએ. ભારત ક્લીન એનર્જી અને પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. 2030 સુધીમાં અમારી અડધી વીજળી પુનઃપ્રાપ્ય સ્ત્રોતોથી પેદા થશે.”

મંગળવારે બીજું સત્ર સ્વાસ્થ્ય વિષય પર આયોજિત થયું અને આ સત્રમાં પણ પીએમ મોદીએ ભાગ લીધો. પહેલા સત્રમાં તેમણે આપેલા સંબોધન પરથી એટલું સમજી શકાય કે ભારત હવે દુનિયાના સશક્ત દેશોને સમસ્યાઓના ઉકેલ સૂચવવાની સાથે જ તેના નિવારણ માટેનો માર્ગ પણ મોકળો કરી રહ્યું છે. ભારત દુનિયાને એવો સંદેશ આપી રહ્યું છે કે તેનામાં વિશ્વની સામે રહેલા પડકારોમાંથી મુક્તિ મેળવવાનું સાહસ પણ છે અને સામર્થ્ય પણ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાનને મળ્યા પીએમ મોદી

જી-20 શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ઉષ્માપૂર્ણ મુલાકાત કરી. તેમણે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેક્નોલોજીઓ, અદ્યતન કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા ભવિષ્યોન્મુખી ક્ષેત્રોમાં સહયોગ સહિત ભારત-અમેરિકા રણનૈતિક ભાગીદારીને ગાઢ કરવાની સમીક્ષા કરી. તેમણે ક્વૉડ જેવા નવા સમૂહોમાં ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો.

પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોં અને જાપાનનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને પણ મળ્યા. વડાપ્રધાન મોદીએ બ્રિટનના પીએમ અને ભારતીય મૂળના ઋષિ સુનક સાથે મુલાકાત કરી. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે ઘણો લાંબો વાર્તાલાપ થયો. પીએમ મોદીએ નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ સાથે પણ વાતચીત કરી.

ચિર-પરિચિત અંદાજમાં ભારતીય મૂળના સમુદાયને સંબોધિત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આયોજિત એક સ્વાગત સમારોહમાં બાલીમાં રહેતા ભારતીય મૂળના આશરે 800 લોકોને પણ સંબોધિત કર્યા. ભારતીય મૂળના લોકોમાં વડાપ્રધાન મોદીને મળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીમાં વિકાસ માટે ભારત અને ઇન્ડોનેશિયા એકબીજાની સાથે ખભે-ખભો મેળવીને કામ કરી રહ્યા છે. તેમણે ઓડિશાના કટકમાં દર વર્ષે આયોજિત થનારી બાલી યાત્રાનો ઉલ્લેખ કરીને ભારત અને ઇન્ડોનેશિયાને પરસ્પર જોડવાનો પ્રયાસ કર્યો.

પીએમ મોદીએ ભારત અને ઇન્ડોનેશિયાની કોમન પ્રાચીન સંસ્કૃતિ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “બાલીની આ ભૂમિ મહર્ષિ માર્કન્ડેય અને મહર્ષિ અગત્સ્યના તપથી પવિત્ર છે. ભારતમાં જો હિમાલય છે, તો બાલીમાં આંગુગ પર્વત છે. ભારતમાં જો ગંગા છે, તો બાલીમાં તીર્થગંગા છે. અમે પણ ભારતમાં દરેક શુભ કાર્ય વખતે શ્રીગણેશ કહીએ છીએ. અહીંયા પણ શ્રીગણેશ ઘરે-ઘરે બિરાજમાન છે.” તેમણે ઇન્ડોનેશિયામાં રહેતા ભારતીય મૂળના લોકોને 8-10 જાન્યુઆરી, 2023ના રોજ ઇંદોરમાં યોજાનારા પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં પણ આમંત્રિત કર્યા.

આ પણ વાંચોIndian Community and Prime Minister’s Conversation in Bali: ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

બુધવારે પણ વ્યસ્ત રહેશે શેડ્યુલ

શિખર સંમેલનના બીજા દિવસે એટલે કે બુધવારની સવારે પીએમ મોદી અન્ય સભ્ય દેશોના નેતાઓની સાથે બાલીની નજીક આવેલા એક મેંગ્રુવ ફોરેસ્ટની પણ મુલાકાત કરશે. બપોરના સમયે ડિજિટલ ટ્રાન્સમિશન પર એક સત્ર આયોજિત થશે. આ ઉપરાંત, પીએમ મોદી અન્ય ઘણા દેશોના નેતાઓને પણ મળશે અને તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.

ઇન્ડોનેશિયાઇ રાષ્ટ્રપતિએ કર્યું પીએમ મોદીનું સ્વાગત

15-16 નવેમ્બરના રોજ જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી 14 નવેમ્બરની રાતે બાલી પહોંચ્યા હતા. શિખર સંમેલન અધિકૃત રીતે શરૂ થાય તે પહેલા સોમવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આયોજન સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

સાંકેતિક રીતે ભારતને જી-20ની અધ્યક્ષતા સોંપશે ઇન્ડોનેશિયા

સંમેલનના સમાપન સત્રમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાંકેતિક રીતે જી-20ની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીને સોંપશે. ભારત આ વર્ષે 1 ડિસેમ્બરથી ઔપચારિક રૂપથી જી-20ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર ગ્રહણ કરશે.

Gujarati banner 01