Heavy rain in Maharashtra

Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ‘મહાપૂર’- અહીં છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, મહાબળેશ્વર ખાતે પર્યટકો પણ ફસાયા!

Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ભયજનક સ્થિતિ છે. પાલઘરમાં વરસાદના કારણે 3 લોકોના મોત થયા છે

મુંબઇ, 23 જુલાઇઃ Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ચોમાસુ આફત લઈને આવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અનેક જિલ્લાઓ જળબંબાકાર થઈ ગયા છે અને હજુ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી જણાઈ રહ્યો. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કોંકણ કોસ્ટને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ભયજનક સ્થિતિ છે. પાલઘરમાં વરસાદના કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે પાલઘર-થાણેમાં સતત વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. 

મહારાષ્ટ્રના કલઈ ગામમાં લેન્ડ સ્લાઈડના કારણે અનેક લોકો ફસાયા છે. દરેક જગ્યાએ પાણી ભરાયા હોવાથી સ્થાનિક પ્રશાસનને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ સંજોગોમાં મહાડ ખાતે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મીની મદદ પણ લેવી પડી હતી. રાયગઢ ખાતે અલગ અલગ 4 જગ્યાએ લેન્ડ સ્લાઈડના કારણે અનેક લોકો ફસાયા છે, તે પૈકીના 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને 30 લોકો હજુ પણ ફસાયેલા હતા. 

વરસાદના કારણે સ્થિતિ એ હદે બગડી ગઈ કે કોંકણ રેલ રૂટ પર સર્વિસ ઠપ થઈ જવાના કારણે આશરે 6,000 મુસાફરો ફસાયા છે. રત્નાગિરી જિલ્લામાં વરસાદના કારણે રેલ સર્વિસ બંધ થઈ ગઈ હતી જેથી મુસાફરો ફસાયા હતા. અલગ અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોની મદદ માટે એજન્સીઓ કામે લાગી છે. એનડીઆરએફની અનેક ટીમોને ત્યાં તૈનાત કરવામાં આવી છે જે રેસ્ક્યુમાં જોતરાઈ છે. 

ચિપલૂન, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાલ, હિંગોલી જેવા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. પાલઘરમાં હજુ પણ ભારે વરસાદના કારણે એલર્ટ છે. 

આ પણ વાંચોઃ Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

મહારાષ્ટ્રમાં ખરાબ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને સ્થાનિક સ્થિતિનો તકાજો મેળવ્યો હતો અને રાજ્યને તમામ સંભવિત મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. 

મહારાષ્ટ્રનો ચિપલૂન વિસ્તાર સતત વરસાદના કારણે જાણે પાણીમાં ડૂબી ગયો હોય તેવી સ્થિતિમાં છે. તે વિસ્તારનું બસ સ્ટેશન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે અને બસના માત્ર છાપરા જ દેખાઈ રહ્યા છે. પાણીની લહેરો ઘરના પહેલા માળને અડી રહી છે અને લોકો ઘરમાં રહીને પણ પૂરમાં તણાઈ ન જવાય તેની ચિંતામાં છે. દૂર દૂર સુધી પાણી સિવાય કશું જ નથી દેખાઈ રહ્યું. એનડીઆરએફની 2 ટીમને આ વિસ્તારમાં મોકલવામાં આવી છે અને તે સિવાય કોસ્ટ ગાર્ડ બોટ વડે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ચિપલૂન દક્ષિણ કોંકણનું બિઝનેસ હબ ગણાય છે. રત્નાગિરી જિલ્લામાં આવેલા ચિપલૂનને અડીને આવેલા ખેડ અને મંગોન જેવા વિસ્તારો પણ પૂરમાં ડૂબેલા છે. આશરે 27 ગામડાઓનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. 

આ પણ વાંચોઃ Coronavirus case in olympics: ટોકિયો ઓલિમ્પિક ઉદઘાટન કાર્યક્રમના 24 કલાક પહેલા 1979 કોરોનાના કેસ નોંધાયા- વાંચો વિગત

ચિપલૂન જેવી જ સ્થિતિ સાતારા શહેરની પણ છે. ભયંકર વરસાદના કારણે હાઈવે પૂરમાં સમાઈ ગયા છે. સાતારાના મહાબળેશ્વર હિલ સ્ટેશન ખાતે 480 એમએમનો વરસાદ નોંધાયો છે જે છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે છે. મહાબળેશ્વરનો સાતારા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે કારણ કે બંનેને જોડતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગયો છે. તકલીફ એ છે કે, આ સિઝનમાં અનેક પર્યટકો મહાબળેશ્વરનો વરસાદ માણવા આવે છે જે ત્યાં ફસાઈ ગયા છે. તેમના રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ છે.

Whatsapp Join Banner Guj