gujarat vidhyapith

Morarji Desai Birth Anniversary: મોરારજીભાઈ દેસાઈની ૧૨૯ મી જન્મજયંતીની ગૂજરાત વિદ્યાપીઠમાં ગરિમામય ઉજવણી

Morarji Desai Birth Anniversary : મુખ્ય સભાગૃહનું નામાભિધાન ‘મોરારજી દેસાઈ મંડપમ્’ કરાયું : વિદ્યાપીઠના રેડિયોનું લૉન્ચિંગ : કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવો દ્વારા સ્વચ્છાંજલિ અર્પણ

ગાંધી વિચારના પુસ્તકોના ભંડારનો શુભારંભ કરાયો : નવી શિક્ષણ નીતિ અંતર્ગત શૈક્ષણિક વર્ષથી ગુજરાત વિદ્યાપીઠમાં નવો અભ્યાસક્રમ અમલી : અભ્યાસક્રમના પુસ્તકનું લોકાર્પણ

  • મૂલ્યોના માર્ગે ગુજરાત વિદ્યાપીઠને પ્રગતિના પંથે લઈ જઈએ, એ જ મોરારજીભાઈ દેસાઈને સાચી અંજલી કહેવાશે : આચાર્ય દેવવ્રતજી
  • અમુક જ એવા આગેવાનો છે, જેમની તિથિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં એક નામ સ્વ.મોરારજીભાઈ દેસાઈનું : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • ગુજરાત વિદ્યાપીઠને સાંસ્કૃતિક, આધ્યાત્મિક શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી સાથે જોડીને ભારતને વિકસિત બનાવવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે : કુલપતિ ડૉ. હર્ષદ પટેલ

અમદાવાદ, 29 ફેબ્રુઆરી: Morarji Desai Birth Anniversary: ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું.

પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી પહોંચે એ માટે કાર્યરત થનાર ગુજરાત વિદ્યાપીઠનો ‘રેડિયો – વૈષ્ણવજન’ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લૉન્ચ કર્યો હતો. ગાંધી સાહિત્ય મેળવવા ઉત્સુક વાચકોને ગાંધી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રવેશદ્વાર નજીક, આશ્રમ રોડ પર જ પુસ્તક ભંડાર બનાવવામાં આવ્યો છે. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંગલદીપ પ્રગટાવીને આ પુસ્તક ભંડારનો શુભારંભ કરાવ્યો હતો.

Morarji Desai Birth Anniversary

મોરારજીભાઈ દેસાઈને અંજલિ (Morarji Desai Birth Anniversary) આપવા ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, હસમુખભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકર અને અન્ય મહાનુભાવોએ મોરારજીભાઈ દેસાઈને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી.

આચાર્ય દેવવ્રતજીએ મોરારજીભાઈ દેસાઈને (Morarji Desai Birth Anniversary)અંજલિ આપતાં કહ્યું કે ગુજરાતના વલસાડ જિલ્લાના નાનકડા ગામ ભદેલીમાં જન્મીને, અંગ્રેજોના શાસનમાં સંઘર્ષ કરીને કલેકટરપદ સુધી પહોંચનાર મોરારજીભાઈ દેસાઈ પૂજ્ય ગાંધીજીના સંપર્કમાં આવીને, કલેક્ટરપદ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા હતા. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનાર મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી બન્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહ્યા. તેઓ મૂલ્યનિષ્ઠ અને આદર્શ જીવન જીવ્યા. તેમણે કહ્યું કે, નાની-નાની વાતોથી જ વ્યક્તિ મહાન બને છે. નાના-નાના નિયમો અને સિદ્ધાંતો પરિવર્તનનું કારણ બને છે. પૂજ્ય ગાંધીજી અને મોરારજીભાઈ દેસાઈએ દાખવેલા આદર્શો અને મૂલ્યોના માર્ગે ગુજરાત વિદ્યાપીઠને પ્રગતિના પંથે લઈ જઈએ, એ જ તેમને સાચી અંજલી કહેવાશે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતરત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ બંને મળ્યા હોય એવી એક માત્ર વિરલ વિભૂતિ મોરારજીભાઈ દેસાઈ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા મહામાનવ હતા. સુવિધાઓના અભાવમાં ઉછરેલા મોરારજીભાઈએ સંઘર્ષ વેઠીને, તપસ્યા કરીને, કષ્ટો અને દુઃખો સહન કરીને ઇતિહાસ રચ્યો છે. પ્રાકૃતિક ચિકિત્સાના હિમાયતી એવા મોરારજીભાઈ દેસાઈ ખાનપાન, દિનચર્યા, પ્રમાણિકતા, આધ્યાત્મિકતા અને ચિંતનથી ૯૯ વર્ષનું પ્રેરણાદાયી જીવન જીવી ગયા. મહામાનવ મોરારજીભાઈ દેસાઈની ચેતના અને પ્રણામ પ્રણામ પાઠવતાં તેમણે ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને વિદ્યાર્થીઓને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અને ભારતના વૈભવની પુનઃ સ્થાપના માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો:- Anant-Radhika pre-wedding: આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ 3 દિવસીય કાર્યક્રમ શરુ

પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારત દેશના અમુક જ એવા આગેવાનો છે, જેમની તિથિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવે છે જેમાંથી એક નામ સ્વ.મોરારજીભાઈ દેસાઈનું છે.

Morarji Desai Birth Anniversary: તેમણે સ્વ.મોરારજીભાઈ દેસાઈ સાથેની એક મુલાકાતને યાદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના એક આંદોલન દરમિયાન લાલદરવાજા ખાતે આયોજિત એક બેઠકમાં મને મોરારજીભાઈ દેસાઈના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓ સરળ સ્વભાવના સ્પષ્ટવક્તા તેમજ નિર્મળ હાસ્ય સાથે નિઃસંકોચ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા દેશનું સૌભાગ્ય છે કે આવા નેતાઓ થકી દેશનો વિકાસ થયો અને આજે પણ તેમના વિચારો આપણા સૌનું માર્ગદર્શન કરે છે.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સ્વ.મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહનું નામકરણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ‘મોરારજી દેસાઈ મંડપમ’ કરવામાં આવ્યું છે તેનો ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મોરારજીભાઈ દેસાઈ સૌથી વધુ લાંબો વખત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂક્યા છે, આપણે સૌએ તેમના વિચારોને કેન્દ્રમાં રાખીને આગળ વધવાનું છે, અને ગુજરાત વિદ્યાપીઠને સાંસ્કૃતિક, આધ્યાત્મિક શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી સાથે જોડીને ભારતને વિકસિત બનાવવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે.

ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં વિવિધ જૂથોમાં સ્વચ્છતાકાર્ય કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રનિંગ શિલ્ડ આપવામાં આવી રહ્યો છે. રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગત મહિને શ્રેષ્ઠ સ્વચ્છતા કાર્ય માટે આ રનિંગ શિલ્ડ શિક્ષણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને અર્પણ કર્યો હતો. અંતમાં આભારદર્શન કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે કર્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *