Vasant panchami

Vasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

Vaibhvi joshi
વૈભવી જોશી, સિડની આસ્ટ્રેલિયા

Vasant special: આપણે જેમ વાર-તહેવાર કે ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ એનો ઉત્સવ ઊજવે છે અને એ ઉત્સવનાં વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ. આપણી ૬ ઋતુઓમાંની બધી જ ઋતુઓ પોતપોતાનાં સમયે આવીને પોતાનું કામ કરે છે પણ વસંત ઋતુનું પોતાનું એક અલગ અને વિશેષ મહત્વ છે. તેથી જ તો વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. શ્રીમદ ભગવદ્દ ગીતામાં કૃષ્ણએ પણ કહ્યું છે કે, ‘ઋતુઓમાં હું વસંત છું’.

ખરેખર તો વસંત પંચમી એ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. વસંત પંચમી એટલે જ્ઞાન અને વિદ્યાનું પંચામૃત. પ્રકૃતિનાં આ મહોત્સવ સાથે વિદ્યા, વિવેક, જ્ઞાન, સંગીત અને લલિતકલાઓની અધિષ્ઠાત્રી દેવી મા શારદાનો પણ સંગમ છે. વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીનાં દિવસે દેવી સરસ્વતીનું પ્રાગટ્ય થયું હોવાનું પણ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિની રચના સમયે બ્રહ્માએ જીવ-જંતુઓ અને મનુષ્ય જાતિની રચના કરી. પણ તેમને લાગ્યું કે કઈંક ખોટ રહી ગઈ છે, જેના કારણે ચારેય તરફ સન્નાટો છવાયેલો રહે છે. બ્રહ્માએ પોતાનાં કમંડળમાંથી જળ છાંટ્યું, જેનાથી ચાર હાથો વાળી સુંદર સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રીનાં એક હાથમાં વીણા અને બીજા હાથમાં વર મુદ્રા હતી. બાકી બંને હાથોમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માએ દેવીને વીણા વગાડવાં વિનંતી કરી.

દેવીએ જેવો વીણાનો મધુરનાદ કર્યો, સંસારનાં બધા જીવ-જંતુને વાણી મળી ગઈ. જળ ધારા ખળખળ વહેવાં લાગી. હવા સુસવાટા સાથે ગતિ કરવાં લાગી. ત્યારે બ્રહ્માએ તે દેવીને વાણીની દેવી સરસ્વતી કહી. મા સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણા વાદની અને વાગ્દેવી સહીત ઘણા નામોથી પૂજવામાં આવે છે. બ્રહ્માએ દેવી સરસ્વતીની ઉત્પત્તિ વસંત પંચમીનાં દિવસે કરી હતી અને એટલા માટે દર વર્ષે વસંતપંચમીનાં દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે.

DKA vasant panchami

મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી મા સરસ્વતી પૂજન વસંત પંચમીનાં દિવસે કરવાની પરંપરા ચાલતી આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાનાં સમાવેશથી મનુષ્યનાં જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આપણે ત્યાં માણસ બે પાંદડે થાય ત્યારે લોકો કહે છે કે તેનાં જીવનમાં વસંત આવી છે અને માનવી પાસેથી ધન-ધાન્ય ઓછું થાય ત્યારે લોકો કહે છે કે તેનાં જીવનમાં પાનખર બેઠી છે. આમ પરાપૂર્વથી વસંતને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે. તેથી મહા સુદ પાંચમનો દિવસ એટલે કે વસંત પંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ પણ મનાય છે.

પશ્ચિમ બંગાળ અને બિહારમાં વસંત પંચમીનાં દિવસે સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. સરસ્વતી માતાને જ્ઞાન, કળા અને સંગીતની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. ન ફક્ત ઘરોમાં પણ શિક્ષણ સંસ્થાઓમાં પણ આ દિવસે સરસ્વતીની પૂજાનું આયોજન કરવામાં આવે છે.

વસંત પંચમીનાં દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા કરી તેમને ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે વાદ્ય યંત્રો અને પુસ્તકોની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાનાં બાળકોને પહેલી વાર અક્ષર જ્ઞાન કરાવવામાં આવે છે. તેમને પુસ્તકોની ભેંટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવારનાં દિવસે વિદ્યાલયોમાં મા સરસ્વતીની પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓને વિદ્યાનુ મહત્વ સમજાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.

વસંત પંચમીનાં દિવસે અમુક લોકો કામદેવની પૂજા પણ કરે છે. ‘કાલિકાપુરાણ’ અનુસાર મહાદેવની તપશ્ચર્યાનો ભંગ કરવા માટે બ્રહ્માએ કામદેવનું સર્જન કર્યું. કામદેવે આ માટે એક સહાયકની માગણી કરી. બ્રહ્માજીએ નિઃશ્વાસ નાખ્યો અને આ નિઃશ્વાસમાંથી વસંત દેવનો જન્મ થયો. આમ વસંત પંચમી એટલે કામદેવનાં સહાયક અને મિત્ર વસંત દેવનો પ્રાગટ્ય દિવસ પણ. જો કે મહાદેવનું તપોભંગ કરવા જતાં કામદેવ ભસ્મીભૂત થયાં હતાં પણ કામદેવની પત્ની રતિ તથા દેવોની પ્રાર્થનાંથી મહાદેવે કામદેવને સજીવન કર્યા, પરંતુ કોઈ પણ અંગ વિના – ‘અનંગ’ તરીકે.

જૂનાં જમાનામાં રાજાઓ સામંતો સાથે હાથી પર બેસીને નગરનું ભ્રમણ કરતાં-કરતાં દેવાલય પહોંચીને કામદેવની પૂજા કરતા. વસંત ઋતુમાં વાતાવરણ સોહામણું થઈ જાય છે અને માન્યતા છે કે, કામદેવ સંપૂર્ણ માહોલ ભાવના પ્રધાન કરી દે છે. મેં અગાઉ જણાવ્યું એમ વસંત કામદેવનાં મિત્ર છે, એટલા માટે કામદેવનું ધનુષ ફૂલોનું બનેલું છે. જયારે કામદેવ કમાનમાંથી તીર છોડે છે તો એનો અવાજ નથી આવતો. તેમનાં બાણોનું કોઈ કવચ નથી હોતું. વસંત ઋતુને પ્રેમની ઋતુ એટલે જ કહી હશે. એમાં ફૂલોનાં બાણો ખાઈને દિલ પ્રેમથી રસતરબોળ થઈ જાય છે. આ કારણથી વસંત પંચમીનાં દિવસે કામદેવ અને તેમની પત્ની રતિની પણ પૂજા કરવામાં આવે છે.

Vasant special

ખેડૂતો માટે પણ આ તહેવારનું વિશેષ મહત્વ છે. વસંત પંચમી પર સરસવનાં ખેતર લહેરાઈ ઉઠે છે. વસંત પંચમી પર આપણાં પાક જેવા કે ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. ખેડૂત ભાઇઓમાં કહેવત છે કે “મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો” હોય તે સારી બાબત છે. એટલે કે મહા માસમાં વાદળ હોય તે સારી નિશાની છે. આ વાદળ મેઘગર્ભનું સૂચન કરે છે અને ચૈત્ર માસ નિર્મળ એટલે કે વાદળા વિનાનો ચોખ્ખો હોય તે આગામી ચોમાસાં માટે આવકારદાયક ગણાય છે.

પંજાબમાં વસંત પંચમીનાં દિવસે મેળાઓ યોજાય છે. સંધ્યાસમયે વસંતનો મેળો લાગે છે, જેમાં લોકો એકબીજાનાં ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. વૈષ્ણવ મંદિરોમાં લાલજીને ‘વાસંતી’ વાઘા પહેરાવાય છે. લાલજીની સાથે-સાથે કામદેવ, રતિ તથા વસંતદેવનું પણ પૂજન થાય છે. વસંત પંચમીનાં દિવસને ઘણાં ખરા લોકો શ્રી પંચમી, મદન પંચમી તથા સરસ્વતિ પંચમી તરીકે પણ ઓળખે છે.

આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનુ ભોજન કરે છે અને મીઠાઈઓ વહેંચે છે. વસંત પંચમીનાં દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે. હકીકતમાં વસંત ઋતુમાં સરસવનાં પાકથી આખી ધરતી પીળી દેખાય છે. વસંત પંચમીનાં દિવસે પીળા રંગનાં કપડા ઉપરાંત પીળા રંગનાં ખોરાકનું પણ મહત્વ છે. વસંત પંચમીનાં દિવસે પીળા વસ્ત્ર પહેરવાની જે પ્રથા છે એ મોટે ભાગે શહેરોમાંથી તો લુપ્ત થતી દેખાય છે પણ ગામડાઓમાં તેનો થોડો પ્રભાવ હજી પણ જોવા મળે છે.

આ પણ વાંચોGangubai kathiyawadi: આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ટ્રેલરમાં ઝલકયા પાવરફુલ ડાયલોગ્સ, આ મહિને જ ફિલ્મ થશે રિલીઝ-જુઓ ટ્રેલર

વસંત પંચમીનાં દિવસે ગીત-સંગીત, રમત હરીફાઈ અને પતંગબાજીનું આયોજન પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. હા, પણ વસંત પંચમીનાં દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજનાં સમયમાં પણ વસંત પંચમીનો હરખ પ્રગટ કરવાનું લોકો ચુકતાં નથી પણ ધીમે-ધીમે આ બધું ભૂલાઈ રહ્યું છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતાં જઈ રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિમાં જયોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અધ્યાત્મ, કલા, શિક્ષણ તથા વિદ્યાની ઉપાસના માટે વસંત પંચમીનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને એટલે જ કદાચ વર્ષો પહેલાં આ તહેવારની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવતી હતી. હકીકતમાં તો એની પાછળ પર્યાવરણનું જતન અને પ્રકૃતિનો આભાર માનવાની જ ભાવનાં હતી.

આશા રાખું કે આપણી સંસ્કૃતિને પ્રકૃતિ સાથે જોડી રાખતાં આ અનુપમ તહેવારની ઉજવણી ફરીથી એટલાં જ હર્ષોલ્લાસથી કરવાની પ્રથા શરૂ કરાય. આપ સહુને મારાં તરફથી વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ સહ વસંતનાં વધામણાં..!!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *