Naman munshi image 600x337 1

about government school: સરકારી શાળા સરકારોની રાજકીય મજબૂરી છે !

about government school: સરકારી નોકરી એટલે આજીવન લોટરી, સરકારી નોકરી પ્રાપ્ત કરવાના ફક્ત ત્રણ જ કારણ હોય છે.પહેલું કારણ પગાર ધોરણ, બીજું કારણ મન ફાવે ત્યારે, મન ફાવે એટલું કામ કરવાની આઝાદી અને ત્રીજું કારણ મળતી રજાઓ.

તેમાંય જો સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી જાય તો બલ્લે બલ્લે, હા દસેક વર્ષે ક્યારેક સરકારી શિક્ષકો પાસે વસતી ગણતરી અથવા કોવીડ જેવી બીમારી વખતે અણધારી વિચિત્ર કામગીરીમાં જોતરાવું પડે બાકી ખાનગી શાળાઓના શિક્ષકોની માફક ભણાવવાનું ભારણ કે પરિણામના પરફોર્મન્સની પરેશાની કે ટાઇમિંગનું ટેંશન રહેતું નથી.

ભારતમાં જ નહિ આખા વિશ્વમાં બે સરકારી વિભાગોમાં સૌથી ઓછો પગાર આપવામાં આવે છે એવું વિશ્વ બેંકના ડેટા કહે છે, એક પોલીસ અને બીજું શિક્ષણ. યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા રાજ્યોએ ૨૦૦૯-૨૦૧૦થી સરેરાશ ૪.૬% પગારમાં ઘટાડો નોંધાવ્યો છે. જો કે તેની સામે દુનિયામાં એવા પણ પ્રદેશો છે જે શિક્ષકોને સૌથી વધુ પગાર આપે છે. લક્ઝમબર્ગ વર્ષે ૫૯ લાખ રૂપિયા જેટલો પગાર ચૂકવે છે, જો જો વિસા માટે દોડતા નહિ; લક્ઝમબર્ગના શિક્ષકો ૩૦ વર્ષની કારકિર્દી પછી તેમનો આ સૌથી વધુ પગાર મેળવે છે. સ્વિટ્ઝર્લૅન્ડ ૫૨ (બાવન) લાખ રૂપિયા જેટલો તો ફ્રાન્સ ૨૪ લાખ રૂપિયા જેટલો વાર્ષિક પગાર શિક્ષકોને આપે છે. પગાર કેટલો છે તે બહુ મહત્વનું નથી, પરંતુ મહત્વની હકીકત એ છે કે દુનિયાના દરેક દેશોના, દરેક રાજ્યોમાં શિક્ષકોની ઘટ છે. 

આજકાલ ભારતમાં શાળા (સ્કૂલ્સ), શાળાના વર્ગો અને શિક્ષકોને રાજકારણમાં મુદ્દો બનાવવામાં આવે છે, જે રાજ્યમાં ચૂંટણી થવાની હોય તે રાજ્યની સરકારી શાળાઓને નીચલી કક્ષા કે નીચલી કક્ષા (ગુણવત્તા)ની દર્શાવી, અન્ય રાજ્યના નેતાઓ પોતાની પાટી (સ્લેટ) વધુ ચોખ્ખી દેખાડવાની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી વાળા સતત ગુજરાતની ખાનગી તેમજ સરકારી શાળાઓ, શાળાઓના વર્ગો, ફી અને ડોનેશનના મુદ્દે વાહિયાત રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હી કરતા ગુજરાતમાં શાળાઓ પણ વધારે છે અને શિક્ષકો પણ વધારે છે. શાળા, શિક્ષક, ભણતરને મામલે એક પણ રાજ્યની સરકારી શાળાઓ પોતાની પાટી ઉજળી રાખી શકતા નથી કેમ કે સરકારી શાળાઓ માત્ર રાજકીય મજબૂરીને કારણે ખોલવામાં (સ્થાપવામાં નહિ) આવે છે. એટલા માટે જ પક્ષો-વિપક્ષો વચ્ચે શાળાની સંખ્યા, શાળાના વર્ગોના રંગ-રૂપ કે શિક્ષકોની સંખ્યા બાબતે એક-બીજાને ઉતારી પાડવાની સ્પર્ધા જામે છે, શિક્ષણની ગુણવત્તા બાબતે નહિ. આખા રાજ્યની બે-ચાર શાળાઓને ચકાચક રંગરોગાન, પાટલીઓ (બેંચો)ને આધુનિક, કોમ્પ્યુટર જેવા સાધનો વડે સુસજ્જિત કરી અતિઆધુનિક આદર્શ મોડેલ તરીકે ચૂંટણીલક્ષી, રાજકીય રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) કરવામાં આવે છે. 

વાસ્તવિકતા એ છે જો રાજકીય મજબૂરી ન હોય તો એક્કેય સરકાર પોતાના ખર્ચે શાળા ચલાવે નહિ, કારણ નિયતમાં ખોટ માત્ર સરકારો નથી ધરાવતી હોતી, સરકારી શિક્ષકો પણ પુરેપુરી ધરાવે છે. કેટલાક સરકારી શિક્ષકો નિર્વિવાદપણે શ્રેષ્ઠ અને સંનિષ્ઠ હોય છે પરંતુ તેઓની સંખ્યા અલ્પમતિમાં હોય છે. બાકી સવાલ તો માત્ર શાળા-વર્ગ-શિક્ષકોની સંખ્યા પર નહિ, ગાણિતિક સંખ્યાઓ-સારા શિક્ષણ પર જ ઉઠવો જોઈએ. ખાનગી સ્કૂલો જેવી ભણાવવાની સ્પર્ધા થવી જોઈએ. એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તે ઘટ પુરવા પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવામાં આવે છે, બીજી તરફ વર્ગો અને વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા કોઈ જોતું જ નથી.

વાંક ફક્ત સરકારોનો નથી, વાલીઓનો પણ છે કેટલા લોકો સરકારી શાળાઓમાં ભણી મહાનુભાવ બની ગયા છે, પરંતુ મહાનુભાવ બન્યા પછી કેટલા સરકારી શાળા તરફ નજર સુધ્ધાં કરે છે ? પૈસે ટકે સધ્ધર થયેલો વ્યક્તિ પોતાના સંતાનને સરકારી શાળામાં ભણાવે છે? અરે, સામાન્ય જનને છોડો સરકારી ઓફિસરો કે સરકારી શાળાના શિક્ષકો પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવે છે ખરા ? બે-ચાર મોડેલ શાળાને જોરે રાજનીતિ કરતા નેતાઓના, મંત્રીઓના સંતાનો જે તે રાજ્યની સરકારી શાળામાં ભણાવે છે ખરા ?

સરકારી શાળા સરકારોની રાજકીય મજબૂરી છે, ઇચ્છાશક્તિ નહિ !

આ પણ વાંચોઃ Section 144 imposed in Noida: વધતા કોરોના કેસના કારણે અહીં 31મી મે સુધી કલમ 144 લાગુ, માસ્ક પહેરવુ ફરજીયાત

આ પણ વાંચોઃ Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Gujarati banner 01