Naman munshi image 600x337 1

Open Letter to Naresh Patel: નરેશ પટેલને ખુલ્લો પત્ર

Open Letter to Naresh Patel: સાહેબ, ગુજરાતની વિધાનસભા ચૂંટણી હવે બહુ ખાસ દૂર નથી ત્યારે દરેક પક્ષો પોતપોતાના ચોકઠાં ગોઠવી રહ્યા છે. તો સામે પક્ષે રાજનેતાઓ પણ સ્વાર્થ અનુસાર, હા નિસ્વાર્થ સેવા તો કહેવાનું હોય, બાકી સ્વાર્થ વિનાનો રાજનેતા જડવો અસંભવ છે, છેવટે પક્ષ કે રાજ્યમાં સત્તા મેળવવી કે માન મોભો મેળવવાનું લક્ષ્ય પણ સ્વાર્થ જ કહેવાય. હા તો રાજનેતાઓ સ્વાર્થ અનુસાર ક્યાં પોતાની દાળ ગળે એમ છે તેના પારખા કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી તમને પણ નેતા (લીડર) માંથી રાજનેતા થવાની મહેચ્છા જાગી છે. લીડર તો તમે છો જ. પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના વડા તરીકે વર્ષોથી સમાજનું નેતૃત્વ તો કરી જ રહ્યા છો. બેશક મહેચ્છા થવી કાંઈ ખોટી વાત નથી, થવી જ જોઈએ પરંતુ તમે જે આ સંદર્ભે કયા તમારે પક્ષમાં જોડાવવું જોઈએ તે માટે જે સર્વે કરી રહ્યા છો તે યોગ્ય નથી કારણકે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કે સમાજ, પોતાના સ્વાર્થ કે હિત નજરઅંદાજ કરીને અથવા બાજુ પર મૂકીને તમને સાચી સલાહ આપે તે અસંભવ છે.

કેટલાક નિર્ણય સ્વયંસ્ફૂરિત હોય છે, તે લેવા પડતા નથી. વ્યક્તિ પોતે જ રાજ્ય અને દેશનું ભલું વિચારીને નિર્ણય લેવાનો હોય છે જો સાચા અર્થમાં સેવા કરવી હોય તો. બાકી નિહિત સ્વાર્થ જ મહત્વનો હોય તો રાજ્ય કે દેશ નહિ પરંતુ કયા પક્ષમાં તમને વધુ ને વધુ માન-મોભો મળે છે તે જ જોવાનું હોય, સર્વે ના નામે તમે આવી જ શક્યતાઓ તપાસતા હોય એવું લાગે છે જે આડકતરી રીતે તો સોદાબાજી જ છે.

Why Gujarat parties are wooing Patidar leader Naresh Patel - India Today  Insight News
નરેશ પટેલ

ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે ફક્ત ત્રણ જ પક્ષ પ્રમુખ છે અને ત્રણે ત્રણ પક્ષ તમને લાલ જાજમ પાથરીને આવકાર આપી રહ્યા છે તે માટે તમારી વ્યક્તિગત સિદ્ધિ કે લાયકાત નહિ પરંતુ ખોડલધામ જેવી શસક્ત તેમજ માતબર સંસ્થાના વડા છો એ વધુ જવાબદાર પરિબળ છે. વિચારી જોજો જો તમે  ખોડલધામના વડા ન હોત તો ત્રણે પક્ષોમાંથી કોઈ તમને પૂછવા પણ આવતે ખરા ?

રાજ્યમાં પહેલો પક્ષ ભાજપ છે જે પચ્ચીસ સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં સત્તા જમાવી બેઠો છે. અને પચ્ચીસ સત્તાવીસ વર્ષમાં જ પાટીદારોએ તેમજ રાજ્યની દરેક પ્રજાએ જે પ્રગતિ કરી છે તેવી પ્રગતિ બીજા કોઈ પક્ષના સમયગાળામાં સંભવિત હતી ખરી ? બેશક, રાજ્યની પ્રગતિમાં પ્રજાની મહેનત, તેમજ જબરદસ્ત સહયોગ છે જ પરંતુ આ મહેનત અને સહયોગને સરકારનો સાથ ન મળ્યો હોત તો ?

મહત્વની વાત ભાજપમાં રાજનેતાઓની ભીડ છે કેમ કે વર્ષોથી પક્ષમાં રહીને પક્ષને માટે કામ કરનારા અનેક કાર્યકરો હવે રાજનેતા બનવાને લાયક જ નહિ, હકદાર પણ છે તેથી ત્યાં તમને અન્ય પક્ષની જેમ માથે બેસાડવામાં આવે તેવી શક્યતા તો નહિવત જ છે, હા ભાજપમાં જોડાવાથી જે તમને સંતોષ અને સહકાર પ્રાપ્ત થશે તે અન્યત્ર નહિ જ મળે તેની ખાતરી છે.

આ પણ વાંચોઃ Indian table tennis player death: 18 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ- વાંચો વિગત

બીજો પક્ષ કોંગ્રેસ જે પચ્ચીસ સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં સત્તા ગુમાવી ચુક્યો છે અને દસેક આઠેક વર્ષથી કેન્દ્રમાં સત્તાવિહોણો છે. કોંગ્રેસમાં રાજનેતાઓનો તોટો નથી, હકીકતમાં આ પક્ષ એવો છે જેમાં બધા જ રાજનેતાઓ જ છે, કાર્યકર છે જ નહિ. ઉપરથી આ પક્ષની સૌથી મોટી સમસ્યા માલિકીપણાની છે, આ પક્ષના આલાકમાન રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી માલિકીભાવથી પીડિત, ગ્રસિત છે. તેઓ તમને એક હદથી વધારે સહન સુધ્ધાં નહિ કરે. અત્યારે એમને જરૂરિયાત છે પક્ષને ગુજરાતમાં ફરી પાછો બેઠો કરે તેવા મહારથીની જે માટે તમે સંપૂર્ણ રીતે યોગ્ય છો કેમકે તમને ખોડલધામ સંસ્થા અને તે પાછળ પાટીદારોનું પીઠબળ છે.

ત્રીજો પક્ષ છે આમ આદમી પાર્ટી (આપ) જે પંજાબ વિજય પછી ગુજરાત વિજય માટે અધીરો થયો છે. તેમને પણ તમારી સખ્ખત જરૂર છે કેમ કે તેમની પાસે પણ ગુજરાતમાં વિજય અપાવી શકે તેવો ચહેરો જ નથી. તેમનું લક્ષ્ય પણ કોંગ્રેસથી જુદું નથી. હા તમને આમ આદમી પાર્ટીમાં ખુબ જ માન-મોભો મળી શકે છે, જો તમારો અંગત-વ્યક્તિગત ઉદ્દેશ્ય (સ્વાર્થ) એક પક્ષના સર્વેસર્વા જ બનવાનો હોય તો અત્યારે આમ આદમી પાર્ટીથી સારી તક બીજી કોઈ નથી. આ પક્ષ તમારી દરેકે દરેક શરત આંખ બંધ કરીને સ્વીકારી લેશે કેમ કે તેમને માટે ગુજરાતમાં પ્રવેશ મેળવવો એ જ પ્રાથમિકતા છે, આ પક્ષની કોઈ વિચારધારા જ નથી. જે બાજુ ઢલાણ હશે તે તરફ દોડ મુકશે પછી તેમાં રાજ્ય કે રાષ્ટ્રનું હિત ભૂલવું પડે એમ હોય તો પણ ભૂલશે. તમારી મહત્વાકાંક્ષા અને મહત્વતા બંને આ પક્ષના દિલ્હીમાં બેઠેલા રાજનેતાઓ સ્વીકારશે.

જયારે તમે સર્વે કરવો છો ત્યારે મને પણ આ રાજ્યના નાગરિક તરીકે તમને પત્ર લખવાની ઈચ્છા થઇ જે આ ખુલ્લા પત્ર દ્વારા પુરી કરું છે કેમ કે તમારી પાસે વ્યક્તિગત રીતે આવવાની મારી પહોંચ નથી. મેં તમને પહેલા જ કહ્યું એમ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કે સમાજ, પોતાના સ્વાર્થ કે હિત નજરઅંદાજ કરીને અથવા બાજુ પર મૂકીને તમને સાચી સલાહ આપે તે અસંભવ છે, તેમાંથી હું પણ બાકાત નથી. મારુ પણ હિત (સ્વાર્થ) સમાયેલો છે આ પત્ર લખવા પાછળ તે એ કે હું ભાજપ સમર્થક છું (કાર્યકર નહિ). તે માટે રાજ્ય-રાષ્ટ્ર હિત માટે મોદી-ભાજપની અનિવાર્ય જરૂરિયાત સહીત અનેક કારણો છે, જે હું જાણું છું કે તમે પણ સારી રીતે જાણો જ છો અને રાજ્ય-રાષ્ટ્રનું હિત દરેક ગુજરાતીઓની પ્રાથમિકતા રહી જ છે એ નિર્વિવાદ કથન છે. હું તમારી પાસે પણ આ જ અપેક્ષા રાખું છું કે રાજનેતા બનવાના ચક્કરમાં તમે તમારી સાચી લીડરશીપ (જેના થકી તમે પાટીદાર સહીત દરેક સમાજમાં માન-મોભો ધરાવો છો) ન ગુમાવી, રાજ્ય-રાષ્ટ્ર માટે યોગ્ય નેતાગીરી પસંદ કરશો. – નમન મુનશી

આ પણ વાંચોઃ 14 month old Google Boy: માત્ર 3 જ મિનિટમાં 26 દેશોના નેશનલ ફ્લેગ ઓળખીને ભારતનો આ દિકરો બન્યો, વિશ્વનો બીજો નાની ઉંમરનો ‘ગૂગલ બોય’ 

Gujarati banner 01