aamalaki ekadashi

Aamalaki Ekadashi: આવો જાણીએ આમલકી એકાદશીનું મહાત્મ્ય, પૂજા અને ઉપવાસથી થતો લાભ વૈભવી જોશીના આ લેખથી..

Aamalaki Ekadashi: આ એકાદશી પર આમાળાનાં વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે

Aamalaki Ekadashi: શરીરને સ્વસ્થ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ કોરોના કાળમાં આપણા બધાને સારી રીતે સમજાઈ ગયું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામીન સીનું મહત્વ આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થયેલું છે ત્યારે વિટામીન સી નાં સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત એવા “આમળા” ને કેમ ભૂલી શકાય ! આયુર્વેદમાં કહ્યું છે કે आमलम् वयस्थापनानां श्रेष्ठम | એટલે કે યુવાની ટકાવી રાખવા માટે આમળાનું સેવન સર્વશ્રેષ્ઠ છે.

પણ શું ખરેખર મારાં તમારાં જેવા સામાન્ય લોકોને આવા શ્રેષ્ઠ ફળ આમળાનાં ઉપયોગ અને તેનાથી થતાં લાભ વિશે પૂરતી જાણકારી છે ?? અને હશે તો પણ મારાથી અગાઉની પેઢી પૂરતી જ સીમિત રહી ગઈ હશે.તમને થશે કે મને અચાનક આજે આમળાની યાદ કેમ આવી તો જણાવી દઉં કે આપણા પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિને આમલકી એકાદશી (Aamalaki Ekadashi) અથવા આમળા એકાદશી કહેવામાં આવે છે. હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે જે હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે.

Aamalaki Ekadashi, Vaibhavi joshi

હિંદુ પંચાંગ પ્રમાણે આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણાય છે. (Aamalaki Ekadashi) એકાદશીની તિથિ આજે બપોરનાં ૩:૫૧ થી પ્રારંભ થઈને આવતી કાલે સાંજનાં ૫:૩૫ સુધી રહેશે. આ સમય અહીંના એટલે કે સિડનીનાં સમય પ્રમાણે મુક્યો છે અને અમે ભારતીય સમય કરતા ૫:૩૦ કલાક આગળ હોવાથી એ મુજબ ગણવું. દર વર્ષે આ અગિયારસ હોળીનાં તહેવારથી ૩-૪ દિવસ પહેલાં આવે છે. થોડાં વૈષ્ણવ તીર્થસ્થાનોમાં આ દિવસથી જ હોળીનાં ઉત્સવની શરૂઆત થવાથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે.

હંમેશ મુજબ સહુથી પહેલાં તો આ એકાદશી સાથે જોડાયેલાં ધાર્મિક તત્ત્વોની વાત કરીશ અને પછી એની પાછળ રહેલું વિજ્ઞાન કે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંબંધિત પાસાઓ વિશે સમજીશું. આ વ્રતનું નામ આમળા એકાદશી એટલા માટે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ આમળાનાં વૃક્ષની પણ પૂજા કરવાનો નિયમ છે.

Aamalaki Ekadashi: આ એકાદશી પર આમાળાનાં વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આમળાનાં વૃક્ષને આદિ વૃક્ષનાં રૂપમાં પ્રતિષ્ઠિત કર્યુ હતુ. એટલા માટે એવું માનવામાં આવે છે કે આમળાનાં વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે જ અન્ય દેવી દેવતાઓનો પણ વાસ છે. બ્રહ્માજી આંબળાનાં ઉપરનાં ભાગમાં, શિવજી મધ્યમાં અને ભગવાન વિષ્ણુ મૂળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે. જોકે ગરૂડ પુરાણમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે સૃષ્ટિનાં આરંભમાં ભગવાન વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીનાં મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે પોતે કોણ છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?

આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તેઓ તપસ્યા કરવા લાગ્યા. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયાં. ભાવ વિહ્વળ થયેલા બ્રહ્માજીનાં આંસુ તેમના ચરણો પર પડ્યાં અને તેમાંથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. બ્રહ્માજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “આ આંસુઓથી ઉત્પન્ન થયેલું આ વૃક્ષ અને એના ફળ મને અતિ પ્રિય રહેશે. જે પણ આમળા એકાદશીનાં દિવસે આંબળાનાં વૃક્ષની પૂજા કરશે એ મોક્ષની પ્રાપ્તિનો અધિકારી રહેશે.

“અલગ-અલગ શાસ્ત્રોક્ત ઉલ્લેખ છતાંય એક દ્રઢ માન્યતા છે કે આમલકી એકાદશીનાં દિવસે આંબળા અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પૂજા કરવાથી પરિવારમાં સુખ અને પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહે છે. આ દિવસે આમળાનાં વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે.

આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે એટલા માટે આ દિવસે કેળા, કેસર અથવા હળદરનું દાન કરવાનું પણ ઉત્તમ માનવામાં આવે છે. હકીકતમાં તો હું દર વખતે કહું છું એમ દરેક વાર-તહેવાર, તિથિ કે પર્વ પાછળ વિજ્ઞાન, શરીર કે મન સંબંધિત સ્વાસ્થ્ય કે પર્યાવરણનું સંવર્ધન કરવાનો જ આશય રહેલો છે. આ તિથિએ આંબળાનાં વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. હવે આ એકાદશી પાછળ રહેલું આમળાનું મહત્વ પણ સમજીયે.

આયુર્વેદ પ્રમાણે આંબળામાં ઔષધીય ગુણ છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જોવાં મળતા આમળા એ એક નિર્દોષ અને ખૂબ લાભકારી ઔષધ છે. આપણા માટે તો આ આમળા અમૃતનું કામ કરે છે. એનામાં રહેલા ઔષધીય ગુણોને જોતા તેને માત્ર ઋતુગત ફળ તરીકે ન લેતાં બારેમાસ એનું સેવન કરવું જોઈએ.

Aamalaki Ekadashi

“Indian Gooseberry” તરીકે ઓળખાતા આમળાનો એક સંસ્કૃત પર્યાય છે. અમૃતા, એટલે કે જે ફળનાં સેવનથી કોઈ અકાળે મૃત્યુ નથી પામતું. આમળા સામાન્ય રીતે નાનાં-મોટાં વૃક્ષનાં સ્વરૂપમાં ઉત્તર ભારતમાં, મધ્ય ભારતમાં અને ગુજરાતમાં જોવા મળે છે. નવેમ્બર – ડીસેમ્બર મહિનામાં આ ફળો મળી આવે છે. આમળાનાં નિયમિત સેવનથી અકાળે વૃદ્ધત્વ આવતું નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સામાન્ય રીતે વિટામીન સી ગરમીમાં નાશ પામે છે. પરંતુ આમળામાં એવું થતું નથી. સુકવીને તૈયાર કરેલાં આમળાનાં ચૂર્ણમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. ૧૦૦ ગ્રામ આમળામાં આશરે ૬૦૦ થી ૯૦૦ મીલીગ્રામનાં પ્રમાણમાં વિટામીન સી રહેલું હોય છે. આંખોનાં વિવિધ રોગોમાં નિષ્ણાંત વૈદ્યની સલાહ અનુસાર આમળાનો પ્રયોગ કરવાથી ઉત્તમ ફાયદો થતો હોય છે.

ડાયાબિટીસ, એસીડીટી, ચામડીનાં કે વાળનાં રોગોમાં પણ આમળાનો પ્રયોગ શ્રેષ્ઠ સાબિત થયો છે. આમળાનાં ગુણો વિશે જો હું લખવા બેસું તો એક આખો લેખ અલગથી લખી શકાય.આજ બધું જ્ઞાન એ વખતે સરળતાથી લોકોનાં આચાર-વિચારમાં ઉતરી જાય અને લોકો સમયસર એને અનુસરતાં રહે એ જ આશયથી આપણાં બધા વ્રત અને ઉપવાસ સાથે આ બધી બાબતો જોડી દેવામાં આવી હતી જે સમયાંતરે માત્ર ધાર્મિક પાસાઓ પૂરતી સીમિત રહી ગઈ અને ક્યારેય આગળની પેઢી સુધી પહોંચી નહિ અને પરિણામ આપણી સામે જ છે.

આજ કારણ છે કે આજની યુવા પેઢીને આ બધી એકાદશી, વ્રત કે ઉપવાસ બધુ અંધશ્રદ્ધા લાગે છે.હું હંમેશા કહું છું કે આપણા ઋષિમુનિઓ ખુબ ઊંડા તત્ત્વજ્ઞાનીઓ હતાં. એ જમાનામાં આજનાં જેવું ભણતર નહોતું માટે આપણી દરેક સારી પ્રથા, સારા રીત-રિવાજો કે આચાર-વિચારની સારી પદ્ધતિઓને ધર્મ સાથે જોડી દેવામાં આવતી જેથી લોકો એને અનુસરે. પણ આજની પેઢીનો જયારે આપણાં ધર્મ કે સંસ્કૃતિમાંથી વિશ્વાસ ઉઠતાં જોઉં છું ત્યારે ખરેખર દુઃખ થાય છે.

આ પણ વાંચો..Dilip Kumar part-2; ના કોઈ અફસોસ હૈ ના કિસી સે ઉમ્મીદ હૈ

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર પેઢી એ વાતને સમજાવવામાં કે આપણાં કોઈ પણ પર્વ, ઉત્સવ કે વાર-તહેવાર અને ખાસ તો એ દિવસે રાખવામાં આવતા વ્રત કે ઉપવાસ પાછળ ખરેખર તો પર્યાવરણની કાળજી, પર્યાવરણમાં આવતા ફેરફારો મુજબ આરોગ્યલક્ષી હેતુ કે પછી વિજ્ઞાન જ જોડાયેલું છે.આપણે આવનારી પેઢીને ક્યારેય પણ આ બધા વાર-તહેવાર, વ્રત કે ઉપવાસ પાછળ રહેલાં તાર્કિક કારણો સમજાવ્યા છે ? આપણે પોતે પણ ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે ? બસ પેઢી દર પેઢી જેમ ચાલતું આવ્યું એમ આપણે પણ ચાલવા દીધું અને પરિણામે આજે નવી પેઢીને આ બધામાં વિશ્વાસ નથી રહ્યો એની પાછળ જવાબદાર કોણ?

એની પાછળ આપણે અને આપણી જડ માન્યતાઓ જ જવાબદાર છે. આપણે કોઈ દિવસ આ પેઢીને પ્રશ્નો પૂછવા દીધા છે ? કોઈ દિવસ એ લોકો પ્રશ્નો પૂછે તો પણ એમ કહીને બેસાડી દઈએ કે તને આ બધામાં ન ખબર પડે, એ તો આમ જ થાય કે આમ જ ચાલતું આવ્યું છે વગેરે વગેરે. એમનાં પ્રશ્નોનાં કોઈ દિવસ શાંતિથી સંતોષકારક જવાબ આપ્યા છે ?

આ તાર્કિક પેઢી છે. એમને સાચી દિશામાં એમનાં મનનું સમાધાન થાય એ રીતે આગળ વધવું છે તો કેમ નહિ ?આપણા ધર્મનાં વિશ્વાસનાં પાયા આજે ચોક્કસ ડગમગી રહ્યાં છે અને એટલે જ સાચી માહિતીને ઉજાગર કરવી એ હવે એક જવાબદારી થઈ ગઈ છે જે આપણે બધાએ સાથે મળીને કરવી જ રહી.

આશા રાખું કે અમારી પેઢી આવનારી પેઢીને સાચી દિશામાં માહિતગાર કરવા માટે કટિબદ્ધ થાય. જેટલાં લોકોએ હજી પણ શ્રદ્ધા સાથે આ એકાદશીનું વ્રત કર્યું હતું અને કરે છે એ સહુને મારાં તરફથી આમલકી એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!– વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *