devshayani ekadashi

Devshayni Ekadashi: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જાણો ચાતુર્માસ વિશે વૈભવી જોશીના લેખમાં…

વિશેષ નોંધ: જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો પણ જો આપને વિજ્ઞાનમાં શ્રદ્ધા છે તો તો આ લાંબો લેખ એકીશ્વાસે વાંચવો જ રહ્યો.

Devshayni Ekadashi: પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે ગૂંથી લીધા છે કે જાણે એ જ સમગ્ર વર્ષની ભક્તિની વસંત બનીને મધમધી ઉઠે છે.

Devshayni Ekadashi by Vaibhavi joshi

ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ઉપવાસ, જપ તપ અને વ્રતની પરંપરા ચાલી આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં વ્રત ઉપવાસનું અનેરું મહત્વ છે. જોકે મારી દ્રષ્ટિએ ક્યાંકને ક્યાંક આપણા ધર્મ સાથે વિજ્ઞાનનાં તથ્યો પણ વણાયેલાં છે એ વાત હું હંમેશા દ્રઢતાપૂર્વક કહેતી આવી છું.

મને હંમેશા લાગ્યાં કર્યું છે કે આપણા દરેકેદરેક વાર-તહેવાર કે કોઈ વિશેષ તિથિ કે આપણા રીતરિવાજો પાછળ આપણા ઋષિમુનિઓનું ખુબ ઊંડું ચિંતન અને પર્યાવરણમાં આવતાં બદલાવની સાથે અનુકૂલન સાધવાની વાત કરાઈ છે. શક્ય છે કે દરેક વખતે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ નવી પેઢી સુધી નથી પહોંચી શકતું છતાંય આપણા ધર્મમાં મને એક અતૂટ શ્રધ્ધા બેઠી છે.

જેમજેમ હું વધારે ને વધારે એમાં ઊંડી ઉતરતી જાઉં છું એમએમ મારી આ શ્રધ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. અમારી પેઢી ને મારો એક જ અનુરોધ છે કે ક્યારેય પણ આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ને અંધશ્રદ્ધામાં ન ખપાવતા કેમ કે શક્ય છે કે એની પાછળનું જે તે સમયનું તથ્ય કે વૈજ્ઞાનિક મહત્વ આપણાથી અજાણ હશે પણ હશે તો ખરા જ.

આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ ઊંડા તત્વજ્ઞાની અને મહાચિંતક હતાં. આખાય વર્ષ દરમ્યાન આવતી આશરે ૨૪ જેટલી એકાદશીઓ અને એ દિવસે કરવામાં આવતાં વ્રત પણ આજ કારણોસર ગોઠવ્યાં હશે. એકાદશી છે એટલે હંમેશની જેમ પહેલાં ધાર્મિક તત્ત્વોની વાત કરીશ અને પછી એની પાછળ જોડાયેલાં પર્યાવરણ, વિજ્ઞાન કે આરોગ્ય સંબંધિત પાસાઓ વિશે જાણીશું.

દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે દર વર્ષે અષાઢ શુક્લ અગિયારસ તિથિનાં દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં પોઢી જાય છે. ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂતાં રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ ચાર મહિના ચાતુર્માસ કહેવાય છે.

જે એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે એ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. આ અગિયારસ દેવપોઢી, હરશયની, પદ્મનાભ એકાદશી કે દેવશયની અગિયારસનાં નામથી પણ ઓળખાય છે. આ સમય દરમ્યાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ્યું છે કે દેવશયની અગિયારસ નિયમ પૂર્વક કરવાથી સઘળા પાપ નાશ પામે છે અને આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આ અગિયારસ પાછળ અમુક રસપ્રદ પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. તો ચાલો આજે ફરી એક વાર આ પ્રસંગો વાગોળીયે. એક કથા અનુસાર શંખચૂર નામના એક અસુર સાથે ભગવાન વિષ્ણુનું લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. અષાઢ શુક્લ અગિયારસનાં રોજ ભગવાન વિષ્ણુએ શંખચૂરનો વધ કર્યો અને ક્ષીર સમુદ્રમાં સૂવા ચાલ્યાં ગયા.

અન્ય એક કથા મુજબ વામન બનીને ભગવાન વિષ્ણુએ બલિ રાજા પાસેથી ત્રણ પગલાંમાં ત્રણ લોક પરનો અધિકાર મેળવ્યો હતો અને રાજા બલિને પાતાળમાં જતા રહેવું પડેલું. પરંતુ બલિની, ભક્તિ અને ઉદારતાથી ભગવાન વિષ્ણુનો મોહભંગ થયો. ભગવાને બલિને વરદાન માંગવા કહ્યું તો બલિ રાજાએ ભગવાનને કહ્યું કે તમે હંમેશા નરકમાં રહો ભક્તની ઇચ્છા પૂરી કરવા ભગવાન નરકમાં રહેવા ચાલ્યા ગયાં.

આમ થવાથી માતા લક્ષ્મી ઉદાસ થઈ ગયા. ભગવાન વિષ્ણુને પાછાં લાવવા માટે માતા લક્ષ્મી ગરીબ મહિલાનું રૂપ ધારણ કરી પાતાળમાં ગયા. લક્ષ્મીની આ ખરાબ હાલત જોઈ બલિ રાજાએ તેમને પોતાની બહેન બનાવી લીધી. લક્ષ્મી માતાએ બલિને કહ્યું જો તમે તમારી બહેનને ખુશ જોવા માંગતા હોય તો મારા પતિ ભગવાન વિષ્ણુને મારી સાથે વૈકુંઠમાં વિદાય કરો.

બલિએ ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠ વિદાય કર્યા પણ એક વચન લીધું કે અષાઢ શુક્લ અગિયારસથી કાર્તિક શુક્લ અગિયારસ સુધી દરેક વર્ષ તેઓ પાતાળમાં નિવાસ કરશે. આથી એવું કહેવાય છે કે આ ચાર મહિનામાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી.

હવે આપણે આત્મચિંતન કરીએ કે આપણી હજારો-કરોડો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રોનાં આદેશ મારફત આપણને દર અગિયારસે એટલે કે દર ૧૫ દિવસે એકવાર ઉપવાસ કરવાની ભલામણ કરેલ છે. મોટા ભાગનાં લોકો ધાર્મિક માન્યતા અનુસાર તેનું પાલન કરે જ છે, પરંતુ તેમને પણ આ ઉપવાસની ભલામણ પાછળનાં શારીરિક અને આરોગ્ય વિષયક ફાયદાઓની પર્યાપ્ત જાણકારી નથી.

પરંતુ જયારે આધુનિક વિજ્ઞાન અને પરદેશી વૈજ્ઞાનિકો કંઇક નવું સંશોધન કરે છે અને આ નવાં સિદ્ધાંતો આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા હોય એવું સાબિત થાય છે, ત્યારે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનું મહત્વ સમજાય છે. આજે વિજ્ઞાન કહે છે કે થોડાં-થોડાં દિવસે ઉપવાસ કરવાથી ઓટોફાગીની પ્રક્રિયા મારફત આપણું શરીર ખરાબ થયેલ કોષો અને વધારાનાં પ્રોટીનનાં કોષોનું ભક્ષણ કરીને તેનો ઉપયોગ કરી નાખે છે, જેથી રોગ થવાની શક્યતા ઘટી જાય છે. સહુથી પહેલા તો આ ‘ઓટોફાગી’ શબ્દ શું છે એ સમજીયે.

ઓટોફાગી, બે શબ્દ ઓટો અને ફેગીમાંથી મળીને બન્યો છે. તેનો અર્થ છે સ્વયંને ખાવું. ઓટોફાગી એટલે “કોષીય રીસાયકલીંગ સીસ્ટમ”, એટલે કે “કોષ દ્વારાં પોતાની જાતનું જ ભક્ષણ.” વધુ વિગતથી કહું તો મનુષ્યનાં શરીરનાં કોષો પોતાનાં શરીરનાં જ ક્ષતિગ્રસ્ત કોષો અને વધારાનાં પ્રોટીનનું ભક્ષણ કરે તે પ્રક્રિયા.

ઓટોફાગી એ કુદરતી પ્રક્રિયા છે અને તે ભૂખમરાની પરીસ્થિતિમાં કામ કરે છે. ૧૦ થી ૧૨ કલાકનાં ઉપવાસ દરમિયાન કોશિકાઓ શરીરની ક્ષતિગ્રસ્ત અને ખરાબ કોશિકાઓને જાતે જ ખત્મ કરવા લાગે છે. આ સંશોધન મુજબ જો ઓટોફાગીની પ્રક્રિયા નિયમિત રીતે ન થાય તો મનુષ્યનાં શરીરમાં ક્ષતિગ્રસ્ત કોષોનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે શરીરમાં અનેક રોગો પેદા થાય છે.

આપણા ઋષિઓએ તો શરીરની તંદુરસ્તી સાથે મનની પણ ઉન્નતિ થાય તે માટે ઉપવાસ દરમ્યાન જપ, ભજન, ધ્યાન, પ્રાર્થના વગેરેની ગોઠવણ પણ કરેલી છે, જેનાથી મન શાંત થવાથી ઓટોફાગીની પ્રક્રિયા વધુ સારી રીતે થઇ શકે છે. આમ શારીરિક તંદુરસ્તીની સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થાય તેવી અદભૂત ગોઠવણ કરનાર આપણા મહાન ઋષિઓની ઊંડી સમજ અને મન તથા શરીરનાં વિજ્ઞાનની સચોટ સમજણ માટે આપણે શીશ ઝૂકાવી પ્રણામ કરવા જ ઘટે.

એ જમાનામાં આપણી દરેક સારી પ્રથા, સારા રીત-રિવાજો કે આચાર-વિચારની સારી પદ્ધતિઓને ધર્મ સાથે જોડી દેવામાં આવતી જેથી લોકો એને અનુસરે. પણ આજની પેઢીનો જયારે આપણાં ધર્મ કે સંસ્કૃતિમાંથી વિશ્વાસ ઉઠતાં જોઉં છું ત્યારે ખરેખર દુઃખ થાય છે. હું એમાં આજની યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી.

આ પણ વાંચો:-Gujarat Govt Decision For Farmers: રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, વાંચો સંપૂર્ણ અહેવાલ…

આ તાર્કિક પેઢી છે અને મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર પેઢી એ વાતને સમજાવવામાં કે આપણાં કોઈ પણ પર્વ, ઉત્સવ કે વાર-તહેવાર અને ખાસ તો એ દિવસે રાખવામાં આવતા વ્રત કે ઉપવાસ પાછળ ખરેખર તો પર્યાવરણની કાળજી, પર્યાવરણમાં આવતા ફેરફારો મુજબ આરોગ્યલક્ષી હેતુ કે પછી વિજ્ઞાન જ જોડાયેલું છે.

૨૦૧૬માં જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીએ ઓટોફાગીની શોધ કરી હતી જે માટે તેમને નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. જયારે આ વાત આપણા ઋષિમુનિઓ તો પરાપૂર્વથી કરતાં આવ્યાં છે. હકીકતમાં તો આપણે જ આપણો ભવ્ય ભૂતકાળ ભૂલી ગયા છીએ, પરંતુ જયારે વિદેશી વિદ્વાનો એમાંથી કંઇક સારાં તત્વો શોધી કાઢે છે ત્યારે આપણને એની મહત્તા સમજાય છે.

આશા રાખું કે આજની અને આવનારી પેઢી આપણા દરેક વાર-તહેવાર, ઉત્સવ કે પર્વને ઊંડાણથી સમજી એની સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તથ્યો જાણીને એની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરે. આપ સહુને દેવશયની અગિયારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..!!!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *