Banner Vaibhavi Joshi

Holi Part-03: મણકો-03: હોળી સાથે જોડાયેલી તમામ પૌરાણિક માન્યતાઓ

whatsapp banner

Holi Part-03: (વિશેષ નોંધ: આ હોળી-ધુળેટીની લેખમાળાનો ત્રીજો મણકો છે અને અગાઉનાં બીજા મણકાનાં સંદર્ભમાં છે. આ ભાગમાં અન્ય પ્રચલિત કથાઓ, પૌરાણિક માન્યતાઓ અને લોક્વાયકાઓનો પણ સમાવેશ કર્યો છે. હવે પછીનાં છેલ્લાં મણકામાં સમગ્ર ભારતભરનાં અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવતી હોળી-ધુળેટીની ઉજવણી અને આ તહેવારનું પ્રકૃતિ અને સાહિત્ય સાથેનું જોડાણ રજુ કરીશ.)

મણકો ૩ – હોળી સાથે જોડાયેલી તમામ પૌરાણિક માન્યતાઓ ©

અગાઉનાં મણકામાં આપણે અટકેલાં હોલિકાની અધુરી વાત પર તો એક પૌરાણિક માન્યતા અનુસાર હોલિકાની ભટકતી આત્મા દ્વાપર યુગમાં વ્રજમાં જ્યાં બાળ કનૈયાની લીલા ચાલતી હતી ત્યાં પહોંચી ગઈ. મથુરામાં કંસે અનેક રાક્ષસો, દૈત્યો અને કૃત્યાઓને પોતાનાં વશમાં કરી રાખ્યા હતા. તેમાં હોલિકા તે વખતે ઢુંડા નામની કૃત્યા તરીકે ઓળખાતી હતી એનો પણ સમાવેશ થતો હતો.

કંસે ઢુંડાને કૃષ્ણને મારવા માટે વ્રજ તરફ મોકલી એટલે તે કૃષ્ણને મારવા માટે વૃંદાવન જાય છે અને એ દિવસે હોળી હતી. આજ કથા અન્ય લોકવાયકાઓ મુજબ કોઈ રઘુ રાજાનાં રાજ્યકાળમાં બની હતી એ રીતે પણ પ્રચલિત છે. અલગ-અલગ માન્યતાઓ અનુસાર આ કૃત્યાનું નામ ઢુંઢા કે ધુન્ડી પણ જણાવાયું છે. વૃંદાવનનાં બાળકો તો પંચમીથી જ નંદગાંવ અને બરસાનાં વચ્ચે સૂકાં લાકડાં, કંડી વગેરે એકત્ર કરતાં હતાં. પૂનમ સુધીમાં તો એ નાની ટેકરી જેટલો વિશાળ ઢગલો થઈ ગયો હોય.

આ પણ વાંચો:- Remove Holi Colour from Nails: ધૂળેટી રમતા નખમાં લાગેલા રંગ નથી નીકળતા, તો આ ટિપ્સ અપનાવો

એ દિવસે બાલ ગોપાલ તો ઘરે સૂઈ રહ્યા હતાં અને બાલ ગોવાળો હોળીકા દહનની તૈયારી કરતાં હતા. એ જ સમયે બાળકોને રસ્તામાં વિશાળકાય પર્વત જેવી મહિલાનો પડછાયો દેખાયો. તેના વાળ વડલાની વડવાઈઓની માફક ચારે તરફ ફેલાયેલા હતા. આંખો બળતા અંગારા જેવી લાલ હતી. લાંબી જીભ બહાર લટકતી હતી. વૃંદાવનનાં બાલ ગોવાળો આવા રાક્ષસોથી અપરિચિત ન હતા. કંસની મહેરબાનીથી આવતાં આવાં રાક્ષસોનો કૃષ્ણ-બલરામની મદદથી વધ કરી ચૂક્યા હતાં. આ વખતે બાલ ગોવાળોએ સમૂહે વિચાર્યું કે કાનાને જગાડવો નથી. આપણે એકલા જ આ કૃત્યાનો ખાતમો કરી નાખીએ.

બાલ ગોવાળોએ ખુબ શોર મચાવ્યો એટલે કૃત્યા હોલિકા ભાગીને લાકડાં-પાન-કંડીકાનાં મોટા ઢગલાં પર પડી ગઈ. બાલ ગોવાળોએ તેને આગ ચાંપી દીધી. કૃત્યાનો વ્રજમાં મોક્ષ થઈ ગયો. બીજા દિવસે સવારે બાલ ગોવાળોએ પાણી નાખી રાખને ઠંડી કરી અને એ રાખ અને ભીની માટીને એકબીજા પર ઉડાડવા લાગ્યા. એ રીતે હોળી પછી ધુળેટીનો આરંભ થયો. યુગોથી જે વ્રજમાં ચંદન, અબીલ-ગુલાલ અને ફૂલોનાં રંગથી હોળી ખેલાતી ત્યાં હવે કૃત્યા હોલિકાથી મુક્તિ મેળવ્યા બાદ રંગોની સાથે ગોબર-કીચડ સાથે પણ હોળી ખેલાય છે.

અમુક માન્યતાઓ અનુસાર કૃત્યાનો બનાવ બન્યાં પહેલાં પણ વૃંદાવનમાં હોળી રમાતી હતી. હોળીનાં તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવો એ તેમની લીલાનો જ એક ભાગ મનાયો છે. ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે.

એક લોકવાયકા મુજબ એક વાર બાલગોપાલે માતા યશોદાને પૂછ્યું કે તે પોતે રાધાની જેમ શ્વેત વર્ણનાં કેમ નથી. યશોદા માતાએ મજાકમાં કહ્યું કે રાધાનાં ચહેરા પર રંગ લગાવવાથી રાધાનો રંગ પણ કનૈયાની જેવો થઈ જશે. આના પછી કાનાએ રાધા અને ગોપીઓની સાથે રંગોથી હોળી રમી અને ત્યારથી આ પર્વ રંગોનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

એક પૌરાણિક કથા શિવ-પાર્વતીની પણ છે. આ દિવસે ભગવાન શિવે કામદેવનું દહન કર્યું હતું. દક્ષ પ્રજાપતિનાં યજ્ઞ પછી સતીએ પાર્વતી તરીકે જન્મ લીધો. તેમણે શિવજીને મેળવવા માટે ભારે તપ કર્યું. પરંતુ શિવજી ધ્યાનમગ્ન હતા. તેમનાં ધ્યાનને ભંગ કરવા માટે અંતે પાર્વતીજીએ કામદેવનો સહારો લેવાનું નક્કી કર્યું. કામદેવને આહ્વાન કરીને તેમને મદદ કરવા જણાવ્યું. કામદેવે ભગવાન શિવ પર તીર ચલાવ્યું અને શિવજીનું ધ્યાનભગ્ન થતાં તેઓ ક્રોધિત થયા. તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી દીધા.

આ બાજુ કામદેવનાં પત્ની રતિ વિલાપ કરવાં લાગ્યાં અને શિવજીને યાચના કરી કે કામદેવને ફરી જીવીત કરી દે. ભોળા ભંડારી પીગળી ગયા અને તેમણે વચન આપ્યું કે કામદેવ હવેથી બધા લોકોનાં મનમાં રહેશે. આ કથા કહે છે કે એક બાજુ કામદેવને ભસ્મ કરવાની વાત છે તો બીજી બાજુ એમની પત્નીનાં વિલાપ અને પુનર્જીવનની કથા છે. એટલે રતિ અને કામદેવનાં પ્રેમને કારણે તેને પ્રેમોત્સવ પણ કહેતાં હોય છે. આ દિવસે લોકો રતિવિલાપમાં ગીતો ગાય છે. આમ કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમનાં જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.

કાશીની હોળીનો પણ અનોખો જ મહિમા છે. અન્ય એક માન્યતાં અનુસાર ભગવાન શિવ રંગભરી એકાદશીએ પાર્વતીનું આણુ કરીને પિતૃગૃહેથી કાશી લાવ્યાં હતાં. કાશીમાં ‘રંગભરી’ એકાદશી એટલે કે હોળી પહેલાંની અગિયારસથી જ હોળીનો શંખનાદ થઈ જાય છે. કાશીમાં એવી માન્યતા છે કે એ દિવસે રંગ એકાદશીના રોજ શિવશંકર પર્વતરાજ હિમાલયનાં ઘરેથી દેવી પાર્વતીનું આણુ કરીને પોતાની સાથે કાશીમાં લાવ્યાં હતાં.

એટલે કાશીમાં એ દિવસથી, અગિયારસથી જ રંગભરી હોળીના પર્વની શરૂઆત થઈ જાય છે. આજે પણ કાશીમાં આ પરંપરા જળવાઈ રહી છે. કાશીવાસીઓ જાનૈયા બનીને માતા પાર્વતીની ડોલી ઉઠાવીને ચાલે છે અને વિશ્વનાથ મહાદેવનાં ઘરે દેવીના આગમન નિમિત્તે ભવ્ય રીતે અબીલ-ગુલાલથી હોળી રમાય છે. એ પછી દિવસો સુધી કાશીમાં હોળીનો માહોલ જમાવટ કરે છે.

એક માત્ર હોળીનું પર્વ એવું છે કે હિંદુઓનાં બંને મુખ્ય આરાધ્ય દેવ ભગવાન શિવ અને શ્રી વિષ્ણુનાં માનમાં હોળી રમાય છે. વ્રજ, વૃંદાવન, મથુરા-બરસાનામાં કૃષ્ણકનૈયા હોળી ખેલે છે તો અવધમાં રઘુવીરા ભગવાન રામ પણ હોળી ખેલે છે. લોકમાનસ રામનાં હાથમાં કનક પિચકારી પકડાવી દે છે તો લક્ષ્મણનાં હાથમાં અબીલ-ગુલાલ. ભોળાનાથ શિવશંકર ભસ્મની હોળી પણ ખેલે છે. તો હાસ-પરિહાસનાં આ પર્વમાં લોકગીતનાં માધ્યમથી રાધા શ્રીકૃષ્ણને કહે છે કે, ‘આજે તમે રાધા બનો શ્યામ, હું બનીશ નંદલાલ’ આવું કહીને રાધા હોળીની બાજી પોતાના હાથમાં લઈ લેવા ઇચ્છે છે. આ કલ્પના જ કેટલી મધુર છે..!!

ફાગણ સુદ પૂનમ પછીનો દિવસ ફાગણ વદ – ૧ (પડવો) નો દિવસ હતો. જેને આપણે ‘ધૂળેટી’નાં નામથી ઓળખીએ છીએ. સાથોસાથ ફાગણ વદ બીજને દિવસે ભરતખંડનાં રાજા શ્રીનરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોવાથી ભારતનાં ઘણાં રાજ્યોમાં એમનો પ્રાગટ્યદિન પણ ઊજવવામાં આવે છે. આ જ દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણને ગોપ-ગોપીઓએ નવીન ફૂલોથી શણગારી ફૂલનાં હિંડોળે હિંચકાવ્યાં હતા અને ગુલાલ રંગ ઊડાડી રંગોત્સવ મનાવ્યો હતો. એટલે આ દિવસ ‘ફુલદોલ ઉત્સવ દિન’ તરીકે વૈષ્વણ-ભક્તિ સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીનો બીજો દિવસ ફુલદોલોત્સવ, હોલોત્સવ, પોંખોત્સવ કે રંગોત્સવનાં નામથી પણ પ્રખ્યાત છે.

હોળીનું વર્ણન ઘણાં પહેલાથી જ આપણને જોવા મળે છે. પ્રાચીન વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પીમાં ૧૬મી શતાબ્દીનું ચિત્ર મળે છે જેમાં હોળીનાં પર્વ ને કોતરવામાં આવ્યું છે. તેમજ વિવિધ પર્વતોની જોડે રામગઢમાં મળેલાં આશરે ૩૦૦ વર્ષ જુનાં અભિલેખમાં પણ આનો ઉલ્લેખ મળે છે.

પરંતુ વર્તમાન સમયમાં જ્યારે-જ્યારે આ ઉત્સવ ઉજવવામાં છે ત્યારે-ત્યારે રંગોત્સવમાં ઘણી બધી જગ્યાએ સ્ત્રી-પુરુષો મર્યાદા તોડી, સંયમ ચૂકી અને જે રીતે હોળી રમે છે એ જોતાં આ દિવસો અશ્લીલતાથી ઉભરાઇ જતાં હોય એવું લાગે છે. સાથો સાથ એવાં-એવાં ફટાણાં કે ગીતો ગવાય છે જેનાથી સમાજમાં ઘણી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે અને ઘણી વાર આત્મઘાતક પરિણામો પણ સમાજની સામે આવતાં હોય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો