Makarsankranti Part- 03: આ મણકામાં પર્યાવરણ, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિનાં વૈશિષ્ટ્ય વિશે વાત કરીશું.

Makarsankranti Part- 03: (વિશેષ નોંધ : ઉત્તરાયણની લેખમાળાનો આ ત્રીજો મણકો છે. પહેલાં મણકામાં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિને લગતાં ખગોળીય પાસાઓ વિશે અને બીજા મણકામાં એની સાથે જોડાયેલાં ધાર્મિક તત્ત્વો વિશે જાણ્યું. હવે આ મણકામાં પર્યાવરણ, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિનાં વૈશિષ્ટ્ય વિશે વાત કરીશું.)

અગાઉનાં મણકામાં ખગોળીય અને ધાર્મિક પાસાઓ જાણ્યા પછી હવે વાત કરીયે પર્યાવરણ કે પ્રકૃતિની. સહુથી પહેલાં વાત કરું પ્રકૃતિ કે પર્યાવરણીય પાસાઓની તો હકીકતમાં તો આ બે ઋતુઓનાં સંધિકાળનો સમય છે. હેમંત ઋતુ જઇ રહી છે અને શિશિર ઋતુ શરૂ થઇ રહી છે. જેના કારણે સિઝનલ બીમારીઓની અસર વધવા લાગે છે. આ દિવસોમાં તલ-ગોળનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાયેલી રહે છે. સિઝનલ બીમારીઓની અસર ઘટી જાય છે. એટલાં માટે પણ અમુક ખાસ વસ્તુઓનું સેવન આપણા મહાજ્ઞાની ઋષિઓએ ખાસ પર્યાવરણમાં આવતા ફેરફારોને અનુલક્ષીને નક્કી કર્યું હશે એવું તર્કબધ્ધ અનુમાન આપણે લગાવી શકીયે. આપણે બધા જ જાણીયે છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનાં તહેવારોને કૃષિજીવન સાથે સીધો સંબંધ છે. મકરસંક્રાંતિનાં સમયે ખરીફ પાક તૈયાર હોય છે. ખેડૂતો થોડાં મુક્ત અને ખુશ પણ હોય છે. એટલે રવિ પાક અને ખરીફ પાકનાં કેટલાંક ધાન્યોને વધાવવાનો પણ આ તહેવાર છે. વિવિધતામાં એકતા એ હંમેશા ભારતનો વૈશિષ્ટ્ય ગુણ રહ્યો છે. ભારતમાં આ તહેવાર અનેકવિધ નામોથી ઉજવવામાં આવે છે. યુ.પી. કે બિહાર માં ખિચડી, પંજાબમાં લોહરી, આસામમાં બીહુ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તૈલંગાણામાં પોંગલ તરીકે અને બાકીનાં ભારતમાં પણ ઘણાં બધા અલગ નામોથી ઓળખાય છે.

આ ઉત્સવ સાથે સંકળાયેલી ઘણી વિવિધ પરંપરાઓ પણ લોકપ્રિય છે. તો ચાલો આજે ઘણા બધા પ્રાંતોમાં જ્યાં આ તહેવાર અલગ-અલગ નામથી પ્રચલિત છે એ વિશે થોડું જાણીયે.

ખિચડી: ઉત્તર પ્રદેશ અને બિહારમાં મકરસંક્રાંતિનો તહેવાર ખિચડી નામે ઉજવવામાં આવે છે. યુપી અને બિહારનાં ઘણા ભાગોમાં આ દિવસે ખિચડી બનાવવામાં આવે છે, જ્યારે કે ઘણાં સ્થળોએ દહીં-ચવાણું અને તલનાં લાડુ બનાવીને ખાવામાં આવે છે.

આપણાં કામની ખબર મેળવવા હમણાં જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Atal Setu Bridge: હવે 2 કલાક નહીં માત્ર 20 મિનિટમાં જ પહોંચી જશે નવી મુંબઈ, જાણો અટલ સેતુ વિશે…

માધ/ભોગલી બિહુ : આસામમાં મકર સંક્રાંતિનાં તહેવાર પર માધ બિહુ એટલે ભોગાલી બીહુ તહેવાર ઉજવાય છે. જો કે, આ તહેવાર આજે પણ સંક્રાંતિનાં એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન આસામમાં તલ, ચોખા, નારિયેળ અને શેરડીનો સારો પાક થાય છે. તેથી આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરીને ખાવામાં આવે છે.

પોંગલ : દક્ષિણ ભારતનાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તૈલંગાણામાં મકરસંક્રાંતિનો તહેવાર પોંગલ તરીકે ઓળખાય છે. અહીંયા ડાંગરનાં લણણીની ઉજવણી કર્યા પછી લોકો પોતાની ખુશી પ્રગટ કરવા માટે પોંગલનો તહેવાર ઉજવે છે. ત્રણ દિવસ સુધી ચાલતો આ તહેવાર સૂર્ય અને ઇન્દ્ર દેવને સમર્પિત હોય છે. અહીંયા પોંગલ પર્વનાં પહેલા દિવસે કચરો બાળવામાં આવે છે. બીજા દિવસે માતા લક્ષ્‍મીની પૂજા થાય છે જ્યારે ત્રીજા દિવસે પ્રાણીની પૂજા કરવામાં આવે છે.

લોહરી: આજથી શરૂ થાય છે લોહરીનો તહેવાર. લોહરીએ ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણા પ્રાંતમાં આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે. પંજાબ-હરિયાણામાં મુખ્યત્વે ઉજવાતો આ તહેવાર આમ જોવા જઈએ તો ૧૩ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. પંજાબી સંસ્કૃતિ મુજબ આ દિવસે ખેડૂતો પોતાના પાક લણવાની શરૂઆત કરે છે. મકારસંક્રાંતિથી એક દિવસ અગાઉ આવતા તહેવારમાં લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સામે લોહરી પ્રગટાવે છે. આ સાથે જ પુરુષો ભાંગડા અને મહિલાઓ ગીદ્દા નૃત્યો કરે છે. આ સાથે જ પૌષ મહિનાની સમાપ્તિ થાય છે અને માહ મહિનાની શરૂઆત થાય છે. આ દિવસે લોકો પવિત્ર લોહરી અગ્નિમાં ગોળ, રેવડી, ગજક, અને મગફળી નાંખીને લોકો તેમની ફરતે પરિક્રમા કરે છે. બીજી બાજુ આ તહેવાર ખેડૂતો માટે નવું વર્ષ પણ કહેવાય છે. પંજાબી રિત-રીવાજ મુજબ જાન્યુઆરી મહિનો એટલે કે ઠંડીનાં અંતમાં વાવણી અને લણણીનો સમય માનવામાં આવે છે. પંજાબમાં તો આ દિવસે નવી ઉપજની પણ પૂજા કરવામાં આવે છે. નવી ઉપજ લોકો અગ્નિમાં અર્પણ કરે છે અને એવી મનોકામના કરે છે કે, તેમની ઉપજ આ વર્ષે સારી રહે. મુખ્યત્વે આ તહેવાર પ્રકૃતિમાં આવી રહેલા પરિવર્તનોનો આનંદ લેવા માટે મનાવામાં આવે છે. માનવામાં આવે છે કે લોહરીની રાત વર્ષની છેલ્લી સૌથી લાંબી રાત હોય છે. આ પછી દિવસો લાંબા થવા માંડે છે.

લખતાં-લખતાં લગભગ આખું ભારત ભ્રમણ કર્યાની ફીલિંગ્સ આવી રહી છે 🥰 પણ આજે આટલું જ. આ ઉત્સવ સાથે જોડાયેલાં ખગોળીય, ધાર્મિક અને પર્યાવરણને લગતાં પાસાઓ જાણ્યાં અને એ પણ જાણ્યું કે હકીકતમાં આ ઉત્સવ ધરતીમાતાનું ઋણ સ્વીકાર કરી આભાર માનવાનો છે. ભારતિય સંસ્કૃતિનો સંદેશ છે કે પૃથ્વી આપણી મા છે અને એની સેવા કરવી તે આપણો પુત્ર ધર્મ છે. મા ની પાસેથી ખપ પુરતું ભલે લેવાય પરંતુ તેના બીજા પણ દિકરાઓ છે, તેમને પણ મળી રહેવું જોઈએ, માટે અતિ લાલચમાં આવી નિસર્ગને લુંટી ન શકાય. સારો પુત્ર એ કે જેણે મા પાસેથી જેટલું લીધું હોય તેનાથી બમણું કરીને પાછું આપે અને આ કરનાર ધરતીપુત્ર સિવાય બીજું કોણ હોઈ શકે. અને માટે જ આજે લોહરીનો તહેવાર મનાવી રહેલાં તમામ ધરતીપુત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! હું જાણું છું કે આપણા બાહોશ પતંગબાજો માટે તો ઉત્તરાયણ એટલે પતંગોત્સવ જ પણ જેમણે આ ત્રણેય મણકા વાંચ્યા હશે એમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ એટલે પતંગોત્સવ તો નહિ જ પણ બીજું ઘણું બધું 😅 પણ રખેને પાછું પતંગપ્રેમીઓને ખોટું લાગે એટલે પહેલાં મણકામાં આપેલો વાયદો ચોક્કસ પૂરો કરીશ.

એટલે આવતીકાલનાં છેલ્લાં મણકામાં પતંગ વિશેનો રસપ્રદ ઇતિહાસ રજુ કરીશ. ગઈકાલનાં મણકામાં કીધું એમ આશા છે અત્યાર સુધીમાં ભોળાં અને નિર્દોષ પક્ષીઓને નુકસાન ન પહોંચે એવી રીતે આ ઉત્સવ ઉજવવાનાં રસ્તાઓ ગોતી નાંખ્યા હશે. અને હા ! પાછું પોતાની જાતનું ધ્યાન રાખવાનું ભુલાય નહિ હો ! આપણા ઘરેય કોઈક રાહ જોતું હોય 😇

✍️ વૈભવી જોશી (એક ઉત્સવ અને જીવદયાપ્રેમી ગુજરાતી 🥰)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો