swami viditatmanandji pic

Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

Personal values: “વ્યક્તિગત મૂલ્યો” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

whatsapp banner

Swamiji ni vani Part-29

Personal values: ગીતામાં ભગવાન કહે છે : ‘આ જે વૈશ્વિક સંવાદિતા છે તેને અનુરૂપ અર્થાત્‌ ધર્મને અનુરૂપ, મૂલ્યોને અનુરૂપ કર્મ કરવું તે તારી ફરજ છે.’

પરંતુ આજે તો આપણે જોઈએ છીએ કે ધર્મને, મૂલ્યોને વળગી રહેનારનો કોઈ ભાવ પણ નથી પૂછતું અને જે લોકો મૂલ્યોનો છડેચોક ભંગ કરે છે તે લોકો ઈષ્ર્યા આવે તેવી સ્થિતિએ બેઠેલા જણાય છે. તો પછી પ્રશ્ન થાય જ કે, “સ્વામીજી ! મૂલ્યોમાં અમારી શ્રદ્ધા બેસે કેવી રીતે ? જ્યારે અમે મૂલ્યોનું પાલન કરીએ છીએ, સત્યનું, અહિંસાનું અને પ્રામાણિકતાનું પાલન કરીએ છીએ ત્યારે અમારે સહન કરવાનું જ આવે છે.’ એક સ્તર પર કદાચ સહન કરવું પડતું હશે, પરંતુ બીજા સ્તર પર એનાથી જરૂર લાભ થાય છે.

જેમ યજ્ઞમાં ભૌતિક કે સ્થૂળ ત્યાગ કરવાથી, સૂક્ષ્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ મૂલ્યોના પાલનમાં પણ શારીરિક કે ભૌતિક સ્તરે આપણે ભલે કાંઈક ગુમાવવું પડે પરંતુ સૂક્ષ્મ સ્તરે, આધ્યાત્મિક સ્તરે આપણે કાંઈ ને કાંઈ પ્રાપ્ત કરતા જ હોઈએ છીએ અને આ રીતે આવો ત્યાગ કરનાર મનુષ્ય આંતરિક રીતે વધુ ને વધુ બળવાન બનતો હોય છે. કોઈ લોભ કે લાલચને વશ થઈ જઈને એ ર્નિબળ બનતો નથી.

ધારો કે આપણે ધર્મનો, મૂલ્યોનો ભોગ આપીએ. પરદેશથી આવીએ છીએ. કસ્ટમ્સ ઑફિસર પૂછે, ‘સ્વામીજી ! કશું જાહેર કરવાનું છે ?’ સ્વામીજી કહે તે સ્વીકારી લેવાની ભાવના કસ્ટમ્સ ઑફિસરોમાં હજી છે ખરી. હું સફાઈપૂર્વક જૂઠું બોલું તો પંદર હજાર રૂપિયા કસ્ટમ્સ ડ્યૂટીના બચી જાય ! પરંતુ જો કહું કે હું આટલી આટલી વસ્તુ લાવ્યો છું અને તે મારે જાહેર કરવાની છે, તો ડ્યૂટી આપવી પડે. બબ્બે કસ્ટમ્સ ઑફિસરો આવીને મને કહી પણ ગયા કે ‘સ્વામીજી ! તમારે આ રેડ ચેનલમાં (જ્યાં જાહેર કરવાનું હોય છે કે પોતે શું સાથે લાવ્યા છીએ) લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી.

ગ્રીન ચેનલમાંથી ચાલ્યા જાઓ.’ મેં એ પ્રમાણે કર્યું હોત તો પંદર હજાર રૂપિયા બચી ગયા હોત, પરંતુ તેમ ન કર્યું તેથી ડ્યૂટીરૂપે તે ભરવા પડ્યા. તમે તરત જ પ્રશ્ન કરશો કે ‘સ્વામીજી ! તમે પ્રામાણિકતાને પકડી રાખી તો શું મળ્યું ? પંદર હજાર રૂપિયા ગુમાવ્યા તે જ ને ?’

આ પણ વાંચો:- Power of Commitment: પ્રતિબદ્ધતાની શક્તિ: સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા કાર્યને વળગી રહો

માનવીના મનમાં ડગલે ને પગલે મૂલ્યો અને દેખીતા અંગત સ્વાર્થને વિશે સંઘર્ષ ઊભા થતા હોય છે. આવા સંઘર્ષ થાય છે, કારણ કે આપણને જીવનમાં ધર્મ સિવાય બીજી ઘણી વસ્તુઓનું મૂલ્ય હોય છે. આપણા જીવનમાં માત્ર ધર્મનું જ મૂલ્ય છે એવું નથી. અન્ય કશાનું મૂલ્ય ન હોત તો સંઘર્ષ ઉત્પન્ન ન થાત. પણ અંતરમાં ધર્મનું મૂલ્ય થોડુંઘણું છે. સાથે સાથે અનેક પ્રકારનાં વિરોધી મૂલ્યો પણ આપણી અંદર છે. અંદરથી આપણે જાણીએ છીએ કે સત્ય, અહિંસા, પ્રામાણિકતા એ મૂલ્યવાન છે, પરંતુ આપણા ઉછેર દરમિયાન આપણે બીજાં અનેક મૂલ્યો પણ ગ્રહણ કરતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે ધનસંપત્તિનું, સત્તા વગેરેનું જગતમાં ખૂબ મૂલ્ય છે. ધનવાન માણસને જે જોઈએ તે બધું પ્રાપ્ત થઈ શકે.

જ્યારે, જે ધનવાન નથી તેને નવું પુસ્તક જોઈતું હોય તો તે પણ તે ન લઈ શકે. પછી કોઈના વાપરેલા પુસ્તકથી તેણે ચલાવવું પડે અને તેય કદાચ ન પણ મળે. કોઈ વખત કાગળનો બે વાર ઉપયોગ કરવો પડે. પહેલાં પેન્સિલથી લખીએ, પછી શાહીથી એના ઉપર બીજું કાંઈક લખીએ, કારણ કે કાગળ મોંઘા હોય. ચોકલેટની તો વાત જ કરવાની નહીં. આપણા મિત્રો આરામથી રેસ્ટોરામાં જતા હોય, આઇસક્રીમ, કેન્ડી વગેરે ખાતા હોય, આપણને એવું કશું જ ન મળે. સિનેમા જોવા જવું છે, પર્યટનમાં જવું છે, પરંતુ પૈસાના અભાવે આપણે તેમ કરી શકતા નથી. આપણે જાણીએ છીએ કે જેની પાસે પૈસા છે તે બધું પ્રાપ્ત કરી શકે છે અને તેથી આજના જમાનામાં પૈસાનું શું મૂલ્ય છે તે બાળક પણ જાણે છે. મારા પિતાજી બૅન્કના કે કોઈ ઑફિસના મૅનેજર હોય તો કેટલાય લોકો ઘરે આવીને સલામ ભરતા હોય છે.

ઘરમાં દિવાળીની સફાઈ કરવી હોય તો પણ ઑફિસના બે માણસો આવી સાફસૂફી કરી જતા હોય છે. આમ, આપણે જોઈએ છીએ કે જ્યાં સત્તા છે ત્યાં માન પણ છે. સત્તા, માન, પ્રતિષ્ઠા, ધનસંપત્તિ એ બધાંની કિંમત જ્યારે હું ઊછરતો હતો ત્યારથી જ જોતો આવ્યો છું અને મોટા થયા પછી તો આપણો પ્રત્યક્ષ અનુભવ છે કે જીવનમાં ધન કેટલું મૂલ્યવાન છે. જેમ જેમ મોટા થઈએ તેમ તેમ અનુભવથી અને નિરીક્ષણથી ધન, સત્તા, સગવડ, માન-પ્રતિષ્ઠા વગેરે વાસ્તવિકતાઓ વિષે આપણામાં મૂલ્યો સ્થાપિત થતાં હોય છે.
આવા સંજોગોમાં, આપણાં વ્યક્તિગત મૂલ્યોનો સમજપૂર્વક નિશ્ચય આપણે કરી લઈએ, તે આવશ્યક છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *