somvati amavasya

Somavati Amas: હિન્દુ વિક્રમ સંવંત 2080 મુજબ આજે વર્ષની છેલ્લી સોમવતી અમાસ; જાણો એનું વિશેષ મહત્વ

Banner Vaibhavi Joshi

Somavati Amas: આપણાં ધર્મમાં ચંદ્રની કળાઓનાં આધાર પર આવનાર પૂર્ણિમાં અને અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે આ અમાસોમાં પણ જે સોમવારે આવતી અમાસ છે એનું વિશેષ મહત્વ રહેલું છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે.

આમ તો આજે ફાગણ વદ અમાસ છે (Somavati Amas) પણ એને ચૈત્રી અમાસ પણ કહે છે કેમ કે પૂર્ણિમાંત મહિના અનુસાર અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે જયારે અમાંત મહિના અનુસાર ફાગણ મહિનો ચાલી રહ્યો છે જે આવતી કાલે ચૈત્ર સુદ એકમે બદલાશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ ભેદ જોવા મળે છે જેથી અલગઅલગ મહિના અને તારીખે અમુક તહેવારો ઉજવાતાં જોવા મળે છે.

whatsapp banner

Somavati Amas; અમાસની તિથિ અહીંયા સિડનીનાં સમયાનુંસાર આજે સવારે ૭:૫૧ મિનિટે પ્રારંભ થઈ અને આવતીકાલે સવારે ૪ઃ૨૦ મિનિટે સમાપ્ત થશે. આવો શુભ સંયોગ વર્ષમાં ૨ અથવા ક્યારેક ૩ વાર પણ બની જાય છે. આવતી કાલથી શરૂ થતાં નવા વર્ષમાં આ સોમવતી અમાસનો સંયોગ ૨ વાર થતો જોવા મળશે.

આ પણ વાંચો:- Festive Season: સનાતની + ધાર્મિક તહેવારોની મોસમ; પ્રસ્તુત છે નિલેશ ધોળકિયા દ્વારા ભેગી કરેલી માહિતી

આ અમાસને હિંદુ ધર્મમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, વ્રત, સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે એવી માન્યતા છે. દેવાધિદેવ મહાદેવ, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસ. સામાન્ય રીતે અમાસનું મહત્ત્વ તો હોય જ છે પણ તેમાં સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ સર્જાય છે જે એક વિશિષ્ટ સંયોગ છે.

અમાવસ્યા એટલે, અમ-સાથે અને વસ્યા એટલ વસવું, રહેવું કે સાથે રહેવું એનું નામ અમાવસ્યા. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે. એક ગરમ પ્રકૃતિનો ને બીજો શીત પ્રકૃતિનો આમ શીત અને ગરમ પ્રકૃતિ સાથે થવાનાં કારણે કેટલાક તેને પ્રલયકારી કહે છે અને અશુભ માને છે.

વાસ્તવમાં આ વિપરીત પરિસ્થિતિને લય કરનારી સ્થિતિ છે. શાસ્ત્રો કહે છે કે અમાસનાં દિવસે દરેક દેવો એક બીજાને મળે છે. સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કેવાય? સર્વેને પ્રિય છે એવી લક્ષ્મીજીનું પૂજન પણ આપણે અમાસનાં કરીએ છીએ એ પણ વર્ષનાં અંતિમ દિવસે રાત્રીનાં મધ્ય ભાગમાં. આપણાં શાસ્ત્રમાં તો યંત્ર, મંત્ર, તંત્ર, સાધનાને અમાસનાં દિવસે શ્રેષ્ઠ ગણી છે.

આપણે ત્યાં સોમવતી અમાસનાં મહત્વની સાથે-સાથે પીપળાનાં પૂજનનો પણ અનેરો મહિમા અને મહત્વ છે. પૃથ્વીની તમામ વનસ્પતિ માનવ જાત માટે પરમ કલ્યાણકારી છે. પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉધ્ધારક માનવામાં આવે છે. પીપળાનાં વૃક્ષને વિષ્ણુ સ્વરૂપ પણ માનવામાં આવે છે અને વેદ વૃક્ષ પણ કહે છે. એમાં ત્રિદેવનો વાસ છે.

ભગવાન શ્રી કૃષ્ણે ll અશ્વત્થ: સર્વ વૃક્ષાણામ્ ll કહી પીપળાનાં વૃક્ષને પોતાની વિભૂતિનાં રૂપમાં દર્શાવ્યુ છે. પીપળામાં પ્રાણશકિતનો ભંડાર છે. આ ઉર્જા અનિષ્ટ નિવારક અને આયુષ્યવર્ધક છે. એટલે જ સુતરનાં આંટા વડે એની પ્રદક્ષિણા કરી એનાં માધ્યમ વડે આ શકિતગ્રહણ કરાય છે. આ દિવસે ૧૦૮ વાર પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને કોઇ-કોઇ જગ્યાએ તો પીપળાને સૂતર વીંટીને પણ ૧૦૮ વાર પ્રદક્ષિણા કરાય છે. આમ ધર્મશાસ્ત્ર સૂચિત પ્રત્યેક વ્રતોનું આચરણ સવિશેષ પ્રયોજનથી કરવામાં આવ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો