Fish Seed Production

Fish Seed Production Centre:ગુજરાતનું સૌ પ્રથમ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર: લીંગડા

૧૦ મી જુલાઈ: રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ (Fish Seed Production Centre)

Fish Seed Production Centre: લીંગડા મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રમાંથી દર વર્ષે ૧૨ કરોડ જેટલી મીઠા પાણીની માછલીના બિયારણનું ઉત્પાદન થાય છે

Fish Seed Production Centre: ૧૦ જુલાઈ ૧૯૫૭ ના રોજ ઓરિસ્સાના કટક રિસર્ચ સેન્ટર ખાતે ડૉ. હીરાલાલ ચૌધરી અને ડૉ. કે એચ અલીકુન્હીએ મીઠા પાણીની માછલીઓના બ્રિડીંગનું સફળ પરીક્ષણ કર્યું હતું, જેના થકી મત્સ્યપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ. આ નોંધપાત્ર સિદ્ધિને માન આપવા માટે ૨૦૦૧ ના વર્ષથી દર વર્ષે ૧૦ જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ગુજરાતના સૌથી પહેલા આણંદ જિલ્લાના મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રની માહિતી વાંચકો માટે રસપ્રદ બની રહેશે.

આણંદ, 09 જુલાઈ: Fish Seed Production Centre: ‘ખેતી’ શબ્દ સાંભળતાં જ આપણી સામે ખેતરોમાં લહેરાતા પાક અથવા તો ટ્રેકટર કે બળદની સાતીથી વાવણી કરી રહેલા ખેડૂતનું ચિત્ર ઉપસી આવે તે સ્વાભાવિક છે. પૌરાણિક કાળથી જ આપણે જમીનમાં બીજનું વાવેતર કરી ધાન પકવતા ખેડૂતોના વ્યવસાયને ખેતીકામ સાથે જોડી દિધો છે. પરંતુ ઝડપથી બદલાઈ રહેલા સમયમાં આજે ધાન્ય પાકોની ખેતીની સાથે હવે લોકો મત્સ્યપાલનની પ્રવૃત્તિ પણ ખેતીના એક ભાગ સ્વરૂપે અપનાવી મત્સ્યપાલનના વ્યવસાય થકી તેમના પરિવારનું ભરણ પોષણ કરી રહયાં છે.

Fish Seed Production Centre

ગુજરાતના આવા મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને મીઠા પાણીની માછલીનું સારૂ બિયારણ પ્રાપ્ત થાય તે માટે ૧૯૭૫-૭૬ ના વર્ષમાં સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ આણંદ જિલ્લાના લીંગડા ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતુ. ૪૮ વર્ષની લાંબી સફર બાદ આજે આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતેથી દર વર્ષે ૧૨ કરોડ જેટલી મીઠા પાણીની માછલીઓના સ્પોન મત્સ્ય બીજનું ઉત્પાદન કરી તેનું સમગ્ર ગુજરાતમાં વિતરણ કરવામાં આવે છે.

રાજયમાં મત્સ્યોદ્યોગના ઝડપથી વિકસી રહેલા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. દરિયાઈ પટ્ટીનો વિસ્તાર ધરાવતાં આણંદ જિલ્લામાં મત્સ્યોદ્યોગનો ઘણો વિકાસ થયો છે. જિલ્લાના દરિયાને અડીને આવેલા વિસ્તારોમાં માછીમારી – મત્સ્યપાલનની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા આ વિસ્તાર સહિતના રાજયના અન્ય વિસ્તારોમાં થતી મત્સ્યપાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને તેની સાથે જોડાયેલા પરિવારોને મીઠા પાણીની માછલીનું સારૂ બિયારણ પ્રાપ્ત થાય તે માટે રાજયમાં લીંગડા ઉપરાંત ઉકાઈ, પીપોદરા (સુરત), કોસમાળા (સુરત) અને પાલણ ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

Fish Seed Production Centre

આણંદ જિલ્લાના લીંગડા ખાતે સ્થપાયેલા આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રની વિગતો આપતાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક આર.પી. સખરેલીયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતનું સૌ પ્રથમ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર લીંગડા ખાતે સ્થપાયા બાદ ક્રમશ: તેના મત્સ્ય બીજ ઉત્પાદનમાં વધારો થતો રહયો છે. હાલમાં આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર દ્વારા દર વર્ષે અંદાજે ૧૨ કરોડ જેટલી મીઠા પાણીની માછલીઓના બિયારણનું ઉત્પાદન કરવામાં આવે છે. આ બિયારણ મત્સ્ય ઉછેર કરતાં લોકોને તથા મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવો, ડેમ સહિતના જલપ્લાવીત વિસ્તારો ભાડાપટ્ટા ઉપર રાખતા ઈજારદારોને તેમની જરૂરીયાત મુજબ આપવામાં આવે છે.

Fish Seed Production Centre

લીંગડા મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન સાથે જોડાયેલા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક વિષ્ણુભાઈ બ્રાહ્મણે કહે છે કે, લીંગડાનું આ મત્સ્ય બીજ કેન્દ્ર ૭.૫ હેકટર વિસ્તારમાં આવેલું છે. જેમાં ૧૮ તળાવોમાં કટલા, રોહુ અને મ્રીગલ આ ત્રણ જાતની માછલીઓના બીજનું ઉત્પાદન કરવામાં આવે છે. ૧૯૭૫-૭૬ ના વર્ષમાં આ મત્સ્ય બીજ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી ત્યારે અહીંયા ઇનર હાપા આઉટર હાપા પદ્ધતિથી પિટ્યુટરી ગ્લેન્ડની મદદથી તળાવમાં કાપડ બાંધીને મત્સ્ય બીજ ઉત્પાદન કરવામાં આવતું હતું.

આ પણ વાંચો:National Fish Farmers Day: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

પરંતુ બદલાતા સમયની સાથે મત્સ્ય બીજ ઉત્પાદનની પધ્ધતિમાં પણ બદલાવ આવ્યો અને હાલ ચાઈનીઝ સર્ક્યુલર હેચરી પદ્ધતિથી મત્સ્ય બીજ ઉત્પાદન કરવામાં આવે છે. આ પધ્ધતિથી જોઈતા જથ્થામાં, જોઈતા સમયે, તથા જોઈતા પ્રમાણમાં મત્સ્યબીજનું ઉત્પાદન કરી શકાય છે. જેનાથી સારૂં બિયારણ અને વધુ સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.

આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે કટલા, રોહુ અને મ્રીગલ જાતની માછલીના નર અને માદાને અલગ-અલગ તળાવમાં એક માસ સુધી રાખવામાં આવે છે ત્યારબાદ જરૂરિયાત મુજબ નર અને માદા માછલીને આર્ટીફીસીયલ હોર્મોન (ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન) આપીને તેમનું બ્રીડીંગ કરાવવામાં આવે છે. આ માટે કૃત્રિમ રીતે વરસાદી વાતાવરણ ઉભૂ કરી તથા પાણીનું રોટેશન કરી નદી-તળાવમાં જે પ્રકારનું વાતાવરણ હોય તે પ્રકારનું વાતાવરણ કૃત્રિમ રીતે ઉભૂ કરવામાં આવતું હોય છે. જેના કારણે આ માછલીઓને બ્રીડીંગ કરવું સરળ બને છે. આર્ટીફીસીયલ હોર્મોનના કારણે માછલીઓ સાધારણ રીતે અને સરળતાથી બ્રીડીંગ કરી શકે છે.

આમ જોવા જઈએ તો, રાજયમાં મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિવારોને જરૂરીયાત મુજબના મત્સ્ય બીજ સરળતાથી ઉપલબ્ધ બને અને તેના દ્વારા તેઓ વધુ સારૂં મત્સ્ય ઉત્પાદન કરી આર્થિક રીતે સક્ષમ બને તે માટે રાજય સરકારે ઉભા કરેલા આ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રો એ આજે સાચા અર્થમાં મત્સ્ય પાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિવારોના આર્થિક વિકાસના કેન્દ્રો બની રહયાં છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *