science city park

National Science Day: ગુજરાતનું સાયન્સ સિટી બન્યું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ

National Science Day: 5 લાખ મુલાકાતીઓના અવિરત પ્રવાહ સાથે ગુજરાતનું સાયન્સ સિટી બન્યું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લઇએ અમદાવાદના સાયન્સ સિટીની એક મુલાકાત

National Science Day: આજે 28 ફેબ્રુઆરી, એટલે કે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ છે.


અમદાવાદ, 28 ફેબ્રુઆરી: National Science Day: ભારતના નોબલ પુરસ્કાર વિજેતા અને ભૌતિક વિજ્ઞાની સર સી.વી. રામને વર્ષ 1928માં આ જ દિવસે પ્રકાશના પરાવર્તનની તેમની મહાન વૈજ્ઞાનિક શોધ, જે ‘રામન ઇફેક્ટ’ તરીકે ઓળખાય છે, તેની જાહેરાત કરી હતી. તેની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરી નો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગુજરાતના વિજ્ઞાન પ્રવાસનના લોકપ્રિય સ્થળ સાયન્સ સિટીની એક મુલાકાત લઈએ.

Science city garden,National Science Day

કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ લોકોને જ્યારે તેમના ઘરની બહાર નીકળી સ્વચ્છ, હરિયાણા અને સુરક્ષિત સ્થળની મુલાકાત લેવાનો મોકો મળ્યો, ત્યારે ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી (Gujarat science city) એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું. વિજ્ઞાન વિશ્વમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને લોકો માટે સાયન્સ સિટી એક અદ્ભુત જગ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીને હંમેશાંથી ઉષ્માભર્યો અને ઉત્સાહવર્ધક આવકાર મળ્યો છે.

વર્ષ 2021-22માં લગભગ 5 લાખ લોકોએ લીધી સાયન્સ સિટીની મુલાકાત 16 જૂલાઈ, 2021ના રોજ ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સાયન્સ સિટી 2.0 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કોવિડ ગાઇડલાઇન્સ સાથે સાયન્સ સિટીને ફરી એકવાર મુલાકાતી ઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. સાયન્સ સિટી ખૂલ્લું મૂકાયા પછી બહોળા પ્રમાણમાં વિજ્ઞાન ઉત્સાહીઓ અને સામાન્ય નાગરિકોએ અહીં ની મુલાકાત લીધી છે. શરૂ કરાયાના ચાર મહિનામાં જ આશરે 3.50 લાખ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી અને ફેબ્રુઆરી 2022 સુધીમાં (14 ફેબ્રુઆરી, 2022 સુધી) આશરે 5 લાખ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.

Science city ahmedabad

સાયન્સ સિટીના 3 નવાં આકર્ષણો

સાયન્સ સિટીના કેમ્પસમાં તાજેતરમાં જ ત્રણ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે, જે તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષી રહી છે.

28 મીટર લાંબી વોકવે ટનલવાળી એક્વેટિક ગેલેરીમાં વિશ્વભરના જળચરોને સમાવવામાં આવ્યા છે. 15,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં પથરાયેલી આ ગેલેરી દરિયાઈ જીવસૃષ્ટિને જાણવા અને માણવાની તક આપે છે. આ ફક્ત દેશના જ નહીં પરંતુ એશિયાના ટોચના એક્વેરિયમ્સમાંનું એક છે. એક્વેટિક ગેલેરીમાં 72 નિદર્શન ટેન્ક્સ છે, જેમાં વિશ્વભરની વિવિધ 181 જળચર પ્રજાતિઓ જોઈ શકાય છે. ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન વગેરે વિવિધ જળચર પ્રજાતિઓ તમને અહીંયા જોવા મળશે. અહીંયા બાળકો અને અન્ય મુલાકાતીઓ સ્પર્શ કરીને જાતે શૈક્ષણિક અનુભવ મેળવી શકે તે માટે ટચ પુલ્સ પણ બનાવેલા છે. હવે આ ગેલેરી ખાતે પેંગ્વિનનો ઉમેરો પણ થઈ ચૂક્યો છે, જે એક્વેટિક ગેલેરીની મુલાકાતને ખૂબ જ રસપ્રદ બનાવશે.

રોબોટિક ગેલેરી એ અત્યાધુનિક ટેક્નોલોજીનું એક સશક્ત ઉદાહરણ છે, જેના રોબોટ્સ લોકોને અચંબિત કરી દે છે. આ ગેલેરી તમામ પ્રકારના રોબોટ સાથે ભવિષ્યના માણસ અને મશીન વચ્ચેના સંવાદને જાણવા માટેનું ઉત્તમ માધ્યમ છે. ગેલેરીના પ્રવેશદ્વાર પર ટ્રાન્સફોર્મર રોબોટની એક વિશાળ પ્રતિમા છે. સ્વાગતકક્ષમાં એક સુંદર હ્યુમનાઈડ રોબોટ મુલાકાતીઓને આવકારે છે. અહીંયા મુલાકાતીઓ અલગ-અલગ ક્ષેત્રોમાં ચોક્કસ ઉપયોગ માટે બનાવાવમાં આવેલી રોબોટ્સની ગેલેરીઓ પણ જોઇ શકે છે. અહીંયાનો બોટુલિટી વિભાગ, જટિલ ક્ષેત્રો જેવાંકે, સ્પેસમાં, સર્જરીમાં, દીવાલ ચડવાની કામગીરીમાં, સંરક્ષણના ઉપયોગમાં, વગેરેમાં રોબોટિક એપ્લિકેશન્સ દર્શાવે છે.

આ ઉપરાંત, રોબોટિક ગેલેરીમાં રોબો કાફે પણ છે, જ્યાં મુલાકાતીઓ ભોજનનો અનુભવ લઈ શકે છે. આ કેફેમાં રોબોટ્સ દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટીમાં 25 એકરથી વધુના વિસ્તારમાં પથરાયેલો એક નેચર પાર્ક પણ છે. નેચર પાર્કની ડિઝાઈન કુદરતી સાંન્નિધ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં જળાશયો, ફૂવારા, બાળકોને રમવાની જગ્યા, આઉટડોર નિદર્શનો વગેરે છે. આ પાર્ક મુલાકાતીઓને તેમના વ્યસ્ત જીવનમાંથી બહાર લાવીને પ્રકૃતિના ખોળે બેસવાની તક આપે છે.

આ ઉપરાંત, સાયન્સ સિટીના અન્ય આકર્ષણોમાં અદ્યતન 3ડી આઇમેક્સ થિયેટર, હોલ ઓફ સ્પેસ અને અન્ય પેવેલિયન્સનો સમાવેશ થાય છે.

Science city ahmedabad

ઓનલાઇન બુકિંગ સિસ્ટમ
ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાયન્સ સિટીમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. મુલાકાતી ઓ વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર અગાઉથી તેમની ટિકિટ બુક કરાવી શકે છે. સાયન્સ સિટીના પ્રવેશદ્વાર પરના ટિકિટ કાઉન્ટર પર PoS મશીનો દ્વારા ટિકિટ આપવામાં આવે છે. આમ, સમગ્ર કેમ્પસમાં કેશલેસ વ્યવહારો કરવામાં આવે છે.

સાયન્સ સિટીની ગેલેરીઓના વિવિધ પ્રદર્શનોએ તમામ ઉંમરના લોકોને આકર્ષ્યા છે અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અન્વેષણોને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે. સમાજને વિજ્ઞાન સાથે જોડવાના ધ્યેયને અનુલક્ષીને સાયન્સ સિટી વિવિધ આઉટરીચ કાર્યક્રમો, હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, વૈજ્ઞાનિકો સાથેનો સંવાદ તથા આકાશ દર્શન જેવા વિજ્ઞાન સાથે જોડતા વિવિધ રસપ્રદ અને આકર્ષક કાર્યક્રમો સમયાંતરે યોજે છે. વિજ્ઞાન સાથે દોસ્તી કરવા માટે ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લેવી જ રહી.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *