vadodara seminar

Sayajirao Maharaj: દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિઓ અને વિશ્વકક્ષાની સુખાકારી સયાજીરાવ મહારાજે વડોદરાની પ્રજાને આપી

Sayajirao Maharaj: હિંદુ લગ્ન કાયદો, બાળ લગ્ન પ્રતિબંધ, કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ અને મોટી વયની મહિલાઓ માટે શિક્ષણ આપવા જનાના મહાવિદ્યાલય, હોમ સાયન્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો

  • રાજાશાહીમાં લોકશાહીની અનુભૂતિ કરાવતી પ્રજામંડળની વડોદરા રાજ્યની વ્યવસ્થા સ્વતંત્રતાની ચળવળને વેગ આપનારી બની: દેવલભાઇ શાસ્ત્રી
  • સમૂહ પ્રત્યાનનું આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન રહ્યું છે: ડો. મિતલ મકરંદ
  • પ્રાદેશિક માહિતી કચેરી વડોદરા અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત પર્વની ઉજવણીની કડી રૂપે વડોદરા ખાતે વિચાર ગોષ્ઠિ યોજાઇ
  • આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત આઝાદીના સંગ્રામમાં વડોદરા જિલ્લાનું યોગદાન વિષય પર માહિતી આપવામાં આવી

વડોદરા, ૨૧ સપ્ટેમ્બર: Sayajirao Maharaj: પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા અને ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત્ત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના સંગ્રામમાં વડોદરા જિલ્લાનું યોગદાન વિષય પર ચર્ચા ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતુ.રાવપુરા સ્થિત હોટલ હવેલીના બેન્કવેટ હોલ, નવરંગ કોમ્પલેક્ષ પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં તજજ્ઞશ્રી દેવલભાઇ શાસ્ત્રી અને ડૉ. મિતલ મકરંદે મીડિયાકર્મીઓ અને પ્રબુધ્ધ નાગરિકો સાથે આ વિષય પર ચર્ચા કરી હતી.

આઝાદીના સંગ્રામમાં વડોદરા જિલ્લાનું યોગદાન વિષય પર તજજ્ઞ દેવલભાઇ શાસ્ત્રીએ જણાવ્યું કે, ગાયકવાડ શાસન આધુનિક શાસન હતુ. સૌરાષ્ટ્રના રજવાડાઓના મહેસૂલ ઉઘરાવવાની કામગીરી વડોદરાના સયાજીરાવે કરી હતી. જે-તે સમયે વડોદરામાં ટ્રેનની શરૂઆત, દેશી શિક્ષણ પધ્ધતિને બદલે આધુનિક શિક્ષણ પધ્ધતિ અપનાવવામાં આવી હતી. સૌથી વધુ પ્રગતિશીલ રાજય વડોદરા તે સમયે દૂરંદેશીભર્યા નિર્ણયો લેતું હતુ. દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિઓ અને વિશ્વકક્ષાની સુખાકારી પ્રજાને વડોદરામાં આપવામાં આવી હતી. હિંદુ લગ્ન કાયદો, બાળ લગ્ન પ્રતિબંધ, કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ અને મોટી વયની મહિલાઓ માટે શિક્ષણ આપવા જનાના મહાવિદ્યાલય, હોમ સાયન્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો હતો.

Sayajirao Maharaj, seminar vadodara

અભ્યાસુઓને નિવાસ માટે છાત્રાલય, સંગીત, નાટ્ય, વિજ્ઞાન, એરોપ્લેન બનાવવાની ફેકટરી સ્થાપવામાં આવી. પશુઓ અને પ્રજા માટે સિંચાઇની સુવિધાઓ પણ સયાજીરાવે કરી હતી. ગ્રામ વિકાસ માટે પંચાયત સ્થાપવામાં આવી હતી. ૧૯૦૬માં મ્યુનિસિપાલિટી અને ધારાસભા સ્થાપી. સયાજીરાવે પ્રજાને લોકતંત્રનો પરિચય કરાવ્યો હતો. પ્રજાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ૧૯૧૬માં વડોદરા રાજય પ્રજા મંડળની સ્થાપના કરવામાં આવી જે વડોદરા રાજ્યમાં આઝાદી માટેની લડતને વેગ આપનારી સંસ્થા બની રહી.

આ સંસ્થાએ તે સમયે પ્રજાનો અવાજ રજૂ કર્યો હતો. આઝાદીના સંગ્રામમાં જોડાયેલ નાગરિકો અને તેમની શૌર્યકથાઓ સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ પટેલના અઘ્યક્ષ પદે મળેલી પ્રજા મંડળની પરિષદોનો હવાલો આપીને શાસ્ત્રીએ સ્વતંત્રતા આંદોલનમાં આ સંસ્થાની અગત્યની ભૂમિકા જણાવી હતી.

દાદા સાહેબ ફાળકેએ ફોટોગ્રાફી કળા અને ફિલ્મ નિર્માણ સહિતની બાબતો વડોદરાથી શીખી હતી, તેમણે કૌટુંબિક કે અન્ય પરિસ્થિતિને કારણે વડોદરાથી મુંબઇ સ્થળાંતર કર્યુ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું એટલે ફિલ્મ ઉદ્યોગ જનક દાદા સાહેબનું પણ વડોદરા સાથે મહત્વનું જોડાણ હતુ. આમ, વડોદરાએ આઝાદીના સંગ્રામમાં પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે પણ અનોખું અને અવિસ્મરણીય તથા નોંધનીય પ્રદાન આપ્યું છે.

ડૉ. મિતલ મકરંદે જણાવ્યું કે, સમૂહ પ્રત્યાયનનું આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આઝાદીની લડત દરમિયાન શરૂ કરવામાં આવેલા સમાચાર પત્રો આજે પણ માઇલસ્ટોન સમાન છે. ૧૯૩૯માં સર સયાજીરાવે બરોડા બ્રોડકાસ્ટીંગ સર્વિસ (બીબીએસ) શરૂ કરી હતી, જે બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી) માફક કાર્ય કરતી હતી. પ્રજાજનો સાથે આઝાદી ચળવળ સંબંધિત પ્રત્યાયન સાધવા માટે અખબારો અને રેડિયોએ ઉત્તમ સાધનો હતા. તે સમયે રેડિયો પર માણભટ્ટના શૌર્યગાન સહિત શૌર્યગાથાઓ થકી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ જગાડવામાં આવતો હતો. તે ઉપરાંત પરંપરાગત માધ્યમોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.

પદ્ભ ભૂષણ ઉષા મહેતાએ તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપી અને ક્રાંતિકારી ચળવળના ભાગરૂપે અંડરગ્રાઉન્ડ રેડિયોની શરૂઆત થઈ હતી. ચંદ્રકાંત બાબુભાઈ ઝવેરી જેવા લોકોએ રેડિયોનો ઉપયોગ પ્રજા સાથે પ્રત્યાયન સાધવા કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, દક્ષિણ ગુજરાતના સુરતમાં આંતરરાષ્ટ્રીય પ્રત્યાયનના પાયા નાંખવામાં આવ્યા. તેમણે નર્મદનો ડાંડિયો જેવા સ્વતંત્રતા પૂર્વેના પ્રકાશનોની આઝાદીની લડત અને સમાજ સુધારણામાં રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

Sayajirao Maharaj

શાબ્દિક સ્વાગત સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાએ કર્યુ હતુ. તેમણે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યુ કે,આઝાદીના લડવૈયાઓનો સંઘર્ષ અને રાષ્ટ્ર માટેનું તેમના બલિદાન અને ભારતને મહામૂલ્ય આઝાદી કેવી રીતે મળી તે તમામ બાબતોનો યુવા પેઢીને પરિચય થાય તે માટે આ આઝાદી કા અમૃત્ત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના સંગ્રામમાં વડોદરા જિલ્લાનું યોગદાન વિષય પર ચર્ચા ગોષ્ઠિ યોજવામાં આવી છે.

આ પણ વાંચો…Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

ગણપતિ વંદના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરતા પૂર્વ સહાયક માહિતી નિયામક સુરેશ મિશ્રાએ સમગ્ર સંચાલન કર્યુ હતુ. શરૂઆતમાં મૌન પાળી આઝાદી માટે બલિદાન આપનાર તમામ લડવૈયાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જન ગણ મનનું ગાન કરવામાં આવ્યું હતુ. હિંદ છોડો ચળવળમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વડોદરાના સોમાભાઇ પંચાલ અને ભગવાનભાઇ રાણા સહિત નાઓનું સ્મારક વડોદરા સ્થિત કોઠી પોળના નાકે હોય, પત્રકારત્વક્ષેત્રના ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને તે સ્મારકની મુલાકાત લેવા મિશ્રાએ અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં નાયબ માહિતી નિયામક બી.પી. દેસાઈ, સહાયક માહિતી નિયામક ભાનુબેન રાણા, કચેરી અધિક્ષક એસ.બી. સુખડીયા, પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાનો કર્મચારીગણ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક માધ્યમોના પત્રકારઓ, પ્રબુધ્ધ નાગરિકો અને પત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj