cow 2

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

Cow farmer

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે

રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે રજીસ્ટર્ડ પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે મળશે સહાય


સહાયતાના ધોરણો

  • ટ્યૂબવેલ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય ૧ થી ૧૦ હેકટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને મળશે
  • સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ. ૮ લાખની મર્યાદામાં સહાય
  • ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય
  • ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ. ૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે
  • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
  • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે ૩૫ હજારથી .૧.૦૫લાખ સુધી સહાય
  • લાભાર્થી પાંજરાપોળ -.સંસ્થાએ ઉત્પાદન થયેલા ઘાસચારાનો રેકર્ડ નિભાવવાનો અને વર્ષના અંતે ગૌ-સેવા ગૌચર વિકાસ બોર્ડને મોકલવો પડશે
  • રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે
  • આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે
  • પારદર્શી ફૂલપ્રૂફ વ્યવસ્થાથી સહાય મળે તેવો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંજરાપોળમાં રહેલા પશુધનને સરળતાએ ઘાસચારો મળી રહે તેવી જીવદયા સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને ઘાસચારા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા ઉદારત્તમ સહાય આપવાનો નિર્ણય કર્યો છે હવે, રાજ્યની આવી રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની અનિયમીતતા અને દુષ્કાળ, અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની અછત મૂંગા પશુઓ માટે ન સર્જાય અને પાંજરાપોળના પશુઓ ઘાસચારાથી વંચિત ન રહે તે માટે રજીસ્ટર્ડ પાંજરાપોળોને પોતાની જમીનમાં ઘાસચારા ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવાના હેતુથી આ સહાય આપવાની સંવેદના દર્શાવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખરખાવમાં રખાયેલા પશુધનને અછતના સમયે કે દુષ્કાળના સમયે ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા નિ:સહાય અને મૂંગા પશુજીવો પ્રત્યે જીવો અને જીવવા દો નો કલ્યાણભાવ દર્શાવી રજીસ્ટર્ડ પાંજરાપોળ પોતે જ પોતાની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુધનને આપી શકે તેવી સંવેદનાથી આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છ

cow 3


રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે
મુખ્યમંત્રીશ્રીએ આવી રજીસ્ટર્ડ પાંજરાપોળોને ઘાસ ઉગાડવાના હેતુસર ટયૂબવેલ સહાય તરીકે ૧ થી ૧૦ હેકટર જમીન વિસ્તાર ધરાવતી પાંજરાપોળોને રૂ. ૧૦ લાખની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આવી પાંજરાપોળો સૌરઊર્જાનો ઉપયોગ કરી વીજ બિલમાં પણ બચત કરી શકે તે માટે શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧ થી ૧૦ હેકટર પોતાની જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળોને સોલાર ઇલેકટ્રીક પેનલ માટે રૂ. ૮ લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, ગ્રીન ફોડર બેલર માટે ૪ થી ૧૦ હેકટર પોતાની જમીન ધરાવતી પાંજરાપોળોને રૂ. ૩.પ૦ લાખની મર્યાદામાં અને ચાફકટર માટે ૧ થી ૧૦ હેકટર જમીન વિસ્તાર સુધી રૂ. ૧.રપ લાખની મર્યાદામાં સહાય અપાશે. પાંજરાપોળોની જમીનમાં જે લીલો ઘાસચારો ઉત્પન્ન થાય તેને રોજીંદા વપરાશ ઉપરાંત અન્ય પાંજરાપોળ કે સંસ્થાના મૂંગા પશુધન માટે પણ મોકલી શકાય તે માટે લીલા ઘાસની ગાંસડી બાંધી તેના સ્ટોરેજ માટે આ ગ્રીન ફોડર બેલર ઉપયોગમાં આવતું હોય છે. આવી બેલીંગથી ઓછી સ્ટોરેજ જગ્યામાં વધારે માત્રામાં લીલુ ઘાસ લાંબો સમય સંગ્રહી શકાય છે. રાજ્યની રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની જમીનમાં પશુધન માટે ઘાસ ઉગાડવા તેને ખેતીલાયક બનાવવા બોરમાંથી પાણી આપી શકે તેમજ પાંજરાપોળના પશુઓના શેડ સુધી પાણી પૂરવઠો પહોચાડી શકે તે હેતુસર પાઇપલાઇન ફોર વોટરીંગ અંતર્ગત પ્રથમ હેકટરે રૂ. ૩૦ હજાર તથા પછીના પ્રતિ હેકટર વધારા ના રૂ. ર૦ હજાર પરંતુ મહત્તમ રૂ. ર.૧૦ લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ આવા ઘાસચારાના ઉત્પાદનમાં પણ પાણીના વિવેકપૂર્ણ અને કરકસરયુકત અભિગમને અગ્રતા આપતાં જે પાંજરાપોળો સ્પ્રીન્કલર ઇરીગેશન સિસ્ટમ ઘાસ ઉત્પાદનમાં અપનાવે તેને પ્રતિ હેકટર રૂ. પ૦ હજારની સહાય વધુમાં વધુ રૂ. પ લાખની મર્યાદામાં આપવા તેમજ રેઇનગન ઇરીગેશન સિસ્ટમ માટે ૧ થી ૩ હેકટર વિસ્તાર માટે રૂ. ૩પ હજાર, ૪ થી ૭ હેકટર માટે રૂ. ૭૦ હજાર અને ૮ થી ૧૦ હેકટર માટે રૂ. ૧.૦૫ લાખ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

cow 2

રાજ્ય સરકારે આ બધા હેતુસર સમગ્રતયા ૧૦૦ કરોડ રૂપિયાની વર્ષ ર૦ર૦-ર૧ના અંદાજપત્રમાં જોગવાઇ કરેલી
રજીસ્ટર્ડ પાંજરાપોળો જે પોતાની માલિકીની જમીન ધરાવે છે તેમને પારદર્શી રીતે આ યોજનાનો લાભ મળી રહે તેવા આશયથી આ યોજના માટેની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાનું પણ નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુક રજીસ્ટર્ડ પાંજરાપોળોને ઓનલાઇન અરજીના પ્રિન્ટ આઉટ સાથે જમીનની માલિકી અને હક્કપત્રના ૭/૧ર, ૮-અ ૬ ની નકલો તેમજ જમીનના તારીખ, સમય સાથેના જી.પી.એસ. એપથી લીધેલા ફોટોગ્રાફ, સંસ્થાના રજીસ્ટ્રેશનની નકલ સહિતના દસ્તાવેજો ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડને ૩૦ દિવસમાં રજૂ કરવાના રહેશે.

એટલું જ નહિ, આવા ઘાસચારાનું ઉત્પાદન કરનારી લાભાર્થી સંસ્થાઓએ ઉત્પાદન થયેલા ઘાસચારા અંગે યોગ્ય રેકર્ડ નિભાવવાનો અને વર્ષના અંતે વિગતવાર રેકર્ડ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપવાનો રહેશે. મુખ્યમંત્રીશ્રીએ આ સમગ્ર સહાય યોજનાને ફૂલપ્રુફ અને પારદર્શી બનાવવાના હેતુથી એવી પણ સૂચનાઓ આપી છે કે,લાભાર્થી સંસ્થાઓએ કામગીરી શરૂ કરતાં પહેલાના તથા કામગીરીના વિવિધ તબક્કાના GPS એપ કેમેરાથી સ્થળ, સમય તારીખ દર્શાવતા ફોટોગ્રાફ લઇને સહાયના દાવા સાથે જોડવા પડશે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા પાંજરાપોળોને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન જે સહાય કોમ્પોનન્ટનો લાભ મળ્યો હશે તે સહાય કોમ્પોનન્ટ માટે આ યોજનામાં ફરી લાભ મળશે નહી. રજીસ્ટર્ડ પાંજરાપોળોએ પોતેઉત્પાદન કરેલા ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન બાંધકામ હેતુસર જે-તે વિસ્તારના સાંસદ કે ધારાસભ્યશ્રીની ગ્રાંટમાંથી સહાય મેળવવાની કાર્યવાહી પોતાની રીતે કરી શકશે

મુખ્યમંત્રીશ્રીએ એવી પણ સ્પષ્ટ જોગવાઇ સૂચવી છે કે પાંજરાપોળની જમીનમાં સિંચાઇ માટે કેનાલ કે અન્ય ઉપલબ્ધ પાણીના સ્ત્રોતનો પ્રાથમિક ધોરણે ઉપયોગ કરવાનો રહેશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આ જીવદયા પ્રેમ-સંવેદનાને પરિણામે રાજ્યની પાંજરાપોળમાં રહેતા મૂંગા પશુધનને હવે અછત સહિતના કપરા સમયમાં ઘાસચારો પૂરતો અને સરળતાએ મળતો થશે.

************

Reporter Banner FINAL 1
loading…