Rajkot TTE: રાજકોટ ડિવિઝનના TTEની ઈમાનદારીને સલામ, વાંચો સંપૂર્ણ વિગત…
Rajkot TTE: ટીટીઈએ મુસાફરને 1.5 લાખની કિંમતની સોનાની ચેઈન પરત કરી
રાજકોટ, 18 માર્ચઃ Rajkot TTE: રાજકોટ રેલવે ડિવિઝનના ટીટીઇ દિનેશ પરમારે પ્રમાણિકતાનું ઉદાહરણ બેસાડ્યું છે. તાજેતરમાં તે 17 માર્ચના રોજ ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતાના B-4, B-5 અને B-6માં અમદાવાદથી રાજકોટ વચ્ચે ચેકિંગની ફરજ બજાવતા હતા ત્યારે મધ્ય રાત્રિમાં લગભગ 1.30 વાગ્યે B-5 કોચમાંથી તેમણે એક સોનાની ચેઈન મળી આવી હતી. તે સમયે તમામ મુસાફરો સૂઈ ગયા હોવાથી તે ચેઈન કયા મુસાફરની છે તે જાણી શક્યું ન હતું.
તેમણે તાત્કાલિક રાજકોટમાં ફરજ પરના સીટીઆઈ લોબી સ્ટાફને ઘટના અંગે જાણ કરી હતી. બીજા દિવસે સવારે, પદ્મદેવ સિંહ તોમર (ઉંમર 61 વર્ષ) નામનો મુસાફર, જે ટ્રેન નં. 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ સુરતથી રાજકોટ, પી.એન.આર. ના. 8315823374 પર મુસાફરી કરેલ હતી તેણે સીટીઆઈ ઓફિસનો સંપર્ક કર્યો અને જાણ કરી કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમની લગભગ રૂ. 1.5 લાખની કિંમતની 3 તોલાની ચેન ગુમાવી દીધી હતી.
ફરજ પરના CTI લોબી સ્ટાફ આર.ડી. રાવલે તેમને જણાવ્યું કે આ ટ્રેનના મેનિંગ સ્ટાફ દિનેશ પરમારને સોનાની ચેઈન મળી આવી છે. બાદમાં હકીકતની ચકાસણી કર્યા બાદ ટીટીઈ રાજકોટ દિનેશ પરમાર દ્વારા સીટીઆઈ રાજકોટના સ્ટાફ આર.ડી.રાવલની હાજરીમાં મુસાફરને સોનાની ચેઈન સોંપવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (કોચિંગ) દેવેન્દ્ર મેશ્રામે TTE દિનેશ પરમારની પ્રામાણિકતા અને નિષ્ઠાની પ્રશંસા કરી છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો