CM Bhupendra Patel 1

CM bhupendra patel on budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ નું બજેટ: ભૂપેન્દ્ર પટેલ

CM bhupendra patel on budget: રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ: મુખ્યમંત્રી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી: CM bhupendra patel on budget: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ ર૦ર૩-ર૪ના અંદાજપત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂં બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજુ કરેલા બજેટને મુખ્યમંત્રીએ કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ તરીકે આવકારતા કહ્યું કે, કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ રૂપ બનશે.

તેમણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષના બજેટ કરતાં ર૩ ટકાનો વધારો આ બજેટમાં કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બે દાયકા કરતાં વધુ સમયથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસ રોલ મોડેલ બન્યું છે.

આ જ અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી હરણફાળ ભરાવવાના ઉદ્દેશ્યથી આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરતું બજેટ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ જે પાંચ સ્તંભો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સમાજના ગરીબ જરૂરત મંદ વર્ગોને પાયાની સુવિધા અને સામાજીક સુરક્ષા, સંતુલિત અને સમતોલ વિકાસના લાભ સાથે માનવ સંસાધન વિકાસ, જન સુખાકારી અને આર્થિક સમૃદ્ધિને વધુ સુદ્રઢ બનાવવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, કૃષિ, ઉદ્યોગ અને સેવા અને ખાસ તો ટુરીઝમ દ્વારા નવી રોજગારીને મહત્વ આપવું, ગ્રીન ગ્રોથ-પર્યાવરણપ્રિય વિકાસ એ પાંચ બાબતોને બજેટમાં આવરી લેવાઇ છે.

સામાજીક સુરક્ષાને અહેમિયત આપીને શ્રમિકોના કલ્યાણ હેતુથી શ્રમિકોને કામકાજના સ્થળથી નજીક રહેણાંકની વ્યવસ્થા માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. એટલું જ નહિ, જુદા-જુદા પ્રકારના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કારીગરો-વિશ્વકર્માઓને વિવિધ પ્રોત્સાહનો આપી સ્વરોજગારીની તકો ઉભી કરાશે, તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

સામાજીક સુરક્ષાની વિવિધ કલ્યાણ યોજનાઓ જરૂરતમંદ પરિવારો સુધી સુપેરે પહોંચે તે માટે દરેક પરિવારને ફેમિલી ઓળખ પત્ર આપવાની નવી બાબત બજેટનું અગત્યનું પાસું છે તેમ તેમણે જણાવ્યું હતું. કોટવાળીયા, કોલધા અને કાથોડી વગેરે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ ગરીબ જરૂરતમંદ મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાન જન આરોગ્ય-મા યોજનાના પરિવાર દીઠ વીમા મર્યાદા વાર્ષિક ૧૦ લાખ કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

ગુજરાતને આરોગ્યપ્રદ બનાવવાની નેમ સાથે ૪૨૦૦ કરોડ રૂપિયાની વર્લ્ડ બેન્ક લોન સાથે ‘શ્રેષ્ઠ ગુજરાત’ બહુ આયામી આરોગ્યલક્ષી યોજના આવનારા પાંચ વર્ષમાં અમલી કરાશે તેની બજેટ જોગવાઇ પણ તેમણે જણાવી હતી. આરોગ્ય અને સામાજીક સુરક્ષા સાથે શિક્ષણને પણ સર્વગ્રાહી મહત્વ આપીને આ વર્ષે રૂ. ૪૩,૫૬૫ કરોડની જોગવાઇઓ શિક્ષણ માટે કરી છે. અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર અને ડાંગ જેવા આદિજાતિ વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની બજેટ જાહેરાત મુખ્યમંત્રીએ આવકારી હતી.

વડાપ્રધાનના સફળ પ્રયાસોથી આ વર્ષ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ વિશ્વભરમાં ઉજવાય છે ત્યારે આંગણવાડી અને શાળાના બાળકોને પોષણયુક્ત, શુદ્ધ સાત્વિક આહાર માટે મધ્યાહન ભોજનમાં શ્રી અન્ન મિલેટનો સમાવેશ કરાશે. આ ઉપરાંત શ્રી અન્નનું વિતરણ પણ વાજબી ભાવની દુકાનો પરથી કરવાની પહેલ આપણે કરવાના છીએ તેમ તેમણે જણાવ્યું હતું.

માતૃશક્તિનો મહિમા કરતાં માતા-બહેનો કિશોરીઓને પોષણ માટે પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સામાજીક સુરક્ષા સેવા માટે ૬ હજાર કરોડનું પ્રાવધાન કર્યું છે. સાથે સાથે ગુજરાતને અમૃતકાળમાં વિકાસમાં અગ્રેસર રાખવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છીએ તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

ગ્રામ્ય કક્ષાના ઘરો સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ફાયબર નેટવર્ક વિસ્તારવાનો પણ આ બજેટમાં ધ્યેય છે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ક્લિન-ગ્રીન એનર્જીના સંકલ્પને સાકાર કરતાં ૨૦૨૩ સુધીમાં ગુજરાતની રિ-ન્યુએબલ ઉર્જા વપરાશ ૪૨ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

શહેરી ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે ૩૭ ટકાનો વધારો કરવા સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ૨૦૨૪ સુધીમાં લંબાવીને ૮,૦૮૬ કરોડની જોગવાઇ કરી છે તેની વિગતો તેમણે આપી હતી. રાજ્યના રોડ, રસ્તા, હાઇવેઝ વગેરેને વધુ સુદ્રઢ કરવા વિવિધ કામો માટે ૨૦,૬૪૨ કરોડની જોગવાઇ આ બજેટમાં કરી છે. રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે રાજ્યમાં પાંચ હાઇસ્પિડ કોરિડોર વિકસાવવા સાથે ત્રણ વર્ષમાં સિમાવર્તિ વિસ્તારના ગામોને જોડતી અને ૧૦૦ ટકા કનેક્ટિવિટી માટેની પરિક્રમા પથ યોજના શરૂ કરાશે એમ તેમણે કહ્યું હતું.

નર્મદા મૈયાના વધારાના જળ કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોચતા કર્યા છે. કચ્છના વધુ વિસ્તારોને આ નર્મદા જળ પહોંચાડવા ઉદવહન પાઇપલાઇન માટે ૧૯૭૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. સાથોસાથ આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ વિકાસ, કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે સાથે ઉભરતા ક્ષેત્ર સાયન્સ ટેકનોલોજીને પણ વેગવાન બનાવવા ૨૧૯૩ કરોડનું પ્રાવધાન કર્યું છે જે ગયા વર્ષ કરતાં ૨૨૭ ટકા વધુ છે તેમ તેમણે જણાવ્યું હતું.

ખેડૂત અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા ૨૧૬૦૫ કરોડ રૂપિયા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે રૂ. ૨૦૦ કરોડ ફાળવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-એ ની સ્થાપના કરવામાં આવશે, તેની પણ તેમણે સરાહના કરી હતી.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ૮,૨૭૮ કરોડની જોગવાઇ કરી છે. સાથે સાથે ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ખેડૂતો માટે ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા ૧૫૦૦ કરોડની જોગવાઇ કરી છે તે મુખ્યમંત્રીએ આવકારી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્રીન ગ્રોથની હિમાયત કરી છે.

ગુજરાતમાં આવનારા પાંચ વર્ષમાં ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ ખર્ચ કરવાના બજેટ પ્રાવધાનની વિગતો આપતાં તેમણે ગુજરાતનું આજે રજુ થયેલું ૨૦૨૩-૨૪નું બજેટ સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથ પ્રદર્શક બજેટ ગણાવ્યું હતું.

આ પણ વાંચો: Train cancelled news: ઓપરેશનલ કારણોસર આ ટ્રેનો એક સપ્તાહ સુધી રદ્દ રહેશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો