Banner

Colliers India Study: 2023માં ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતે મેળવ્યું: કોલિયર્સ

Colliers India Study: 2023માં ગુજરાતને ₹ 30 હજાર કરોડથી વધુ મૂલ્યનું રોકાણ ઉત્પાદન ક્ષેત્રમાં મળ્યું

  • ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાન પર
  • 2025-26 સુધી ભારતીય ઉત્પાદન બજાર $1 ટ્રિલિયન સુધી પહોંચવાની સંભાવના
  • ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવા તરફ ગુજરાત અગ્રેસર

ગાંધીનગર, 20 ડિસેમ્બર: Colliers India Study: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે.

આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે.

કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.

ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા, સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, “નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે.

આ કારણે જ ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી ₹ 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે.“ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર 4% છે ,જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે.

આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.” વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે, જે નીતિઓ, સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે. આ અભ્યાસ મુજબ, નીચે આપેલા કારણો ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યાત્રામાં ગુજરાતનું મહત્તમ યોગદાન સુનિશ્ચિત કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃ વૈશ્વિક આર્થિક જોડાણ

છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે.

આ અભ્યાસ અનુસાર ગુજરાત ₹50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે, જેના લીધે જેથી રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષિત થાય છે.

વ્યૂહાત્મક MoUs, મજબૂત ઉત્પાદન ભાગીદારી

એક સક્રિય અભિગમના પ્રમાણ તરીકે, આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતે છેલ્લા છ મહિનામાં ઘણા MoU સાઇન કર્યા છે. તેમાં, ઓક્ટોબર 2023માં થયેલા MoUs પૈકી, ત્રણ MoUsનું સામૂહિક મૂલ્ય ₹ 3,000 કરોડ છે.

આ MoU ટેક્સટાઈલ, ઔદ્યોગિક પાર્ક, એન્જિનિયરિંગ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે, જે પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ગુજરાતની વ્યાજબી શ્રમ સુવિધાઓ અને સહાયક સરકારી નીતિઓ ઔદ્યોગિક વિકાસ માટે ફાયદાકારક છે. અહીં અત્યંત વિશેષ લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને બંદરો, રોડવેઝ અને રેલ્વે સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજ્યમાં જમીનના દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. વધુમાં, ગુજરાત અન્ય રાજ્યો કરતાં વધુ આકર્ષક દરે પાણી, વિજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા સંસાધનો પ્રદાન કરે છે.

ઉત્પાદન પ્રભુત્વ અને પ્રોત્સાહન ફાળવણી

કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના નિકાસ પોર્ટફોલિયોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. તે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતની મજબૂતાઈને દર્શાવે છે. ગુજરાત ઔદ્યોગિક સામાન્ય નીતિઓના કુલ પ્રોત્સાહનો અને લાભોના નોંધપાત્ર 34.7% મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાળવે છે.

આટલું જ નહિં, ગુજરાતનું સ્પર્ધાત્મક સરેરાશ ભાડું (લગભગ ₹ 18.5 પ્રતિ ચોરસ ફૂટ પ્રતિ માસ) અને આકર્ષક મૂડી દરો (લગભગ ₹ 16.50 મિલિયન પ્રતિ એકર) રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા સરખામણીના રાજ્યો કરતાં વધુ સારા છે.

કંડલા, મુન્દ્રા, પીપાવાવ અને હજીરા જેવા મુખ્ય બંદરો સાથે રાજ્યનો 1600 કિમી લાંબો દરિયાકિનારો, 505 મિલિયન ટનના કુલ કન્ટેનર થ્રુપુટ સાથે ગુજરાતને લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે સ્થાન આપે છે.

FDI, સારા શ્રમ સંબંધો અને સરકારી સ્થિરતા

ગુજરાતની અપીલ વૈશ્વિક સ્તરે પહોંચે છે. ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાલ ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં, છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે.

ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય ઉભરતા ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર, એગ્રી-ટેક, વેસ્ટ મેનેજમેન્ટ ખાસ કરીને ઈ-વેસ્ટ, અદ્યતન તકનીકો, ટકાઉ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રી 4.0, સ્થાનિક ઉત્પાદન ફોકસ, AI એકીકરણ, 3D પ્રિન્ટીંગ અને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ઉપરોક્ત મોટા ભાગના ક્ષેત્રોમાં ગુજરાતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે અને ભવિષ્યમાં પણ આ તેની વિશેષતાઓના લીધે, ગુજરાત ભારતના ઉત્પાદન બજારમાં સૌથી મોટો ફાળો આપનાર રાજ્ય તરીકે દાવેદાર રહેશે.

કોલિયર્સ એક અગ્રણી ડાયવર્શિફાઇડ પ્રોફેશનલ સર્વિસિઝ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જેણે ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત થઇ રહી રહેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે તેમના અભ્યાસમાં વિશ્લેષણ કર્યું છે.

આ પણ વાંચો… Saurav Chauhan in RCB: IPLમાં ગુજરાતના સૌરવ ચૌહાણની પસંદગી, વિરાટ કોહલી સાથે રમશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો