Isudan Gadhavi

Isudan Gadhvi Statement: ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી, તેઓ ફક્ત ‘આપ’ને તોડવા માંગે છે: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi Statement: દર અઠવાડિયે એક ધારાસભ્યને ઓફર થતી હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું: ઈસુદાન ગઢવી

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ Isudan Gadhvi Statement: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે, પરંતુ હું કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર છેલ્લા એક વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે.

અત્યાર સુધી રાજનીતિમાં એવું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો રાજનીતિમાં આવીને વધુ રૂપિયા લૂંટતા હતા. એટલા માટે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને સમર્થન આપીને ગુજરાતના 41 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો.

ભાજપના 156 ધારાસભ્યો છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં નકલી સીરપ, નકલી ટોલનાકા, નકલી સરકારી કચેરીઓ જેવી વસ્તુઓ થઈ રહી છે. અને ભાજપ પાસે 156 ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ વારંવાર અમારા ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક ધારાસભ્યને આવી ઓફર થતી હતી. અને આજે વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું.

ભાજપના નેતાઓને કામ કરવામાં રસ નથી. તેઓ બસ એક જ વાત ઈચ્છી રહ્યા છે કે વિપક્ષમાં કોઈપણ નેતા મજબૂત ન થાય. તે માટે તેઓ સતત અમારા ધારાસભ્યોને સંપર્ક કરતા હતા.

તેઓ ઇચ્છતા હતા કે ત્રણ ધારાસભ્યો સાથે મળી જાય અને આમ આદમી પાર્ટી છોડે કારણકે જો ત્રણ સાથે આવી જાય તો તેમને રાજીનામા પણ ન આપવા પડે. આજે ભાજપ પાસે ખૂબ જ સત્તા છે, તેમ છતાં પણ તેઓ પાંચમાંથી ત્રણ ધારાસભ્યોને તોડી શક્યા નથી.

ચૈતરભાઈ વસાવાના પત્નીને છેલ્લા દોઢ વર્ષથી જેલમાં રાખ્યા છે અને ચૈતરભાઇને પણ ખોટા કેસ કરીને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેઓ ગમે તે રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે, કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.

એટલા માટે તેઓએ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે, કારણકે તેમને લાગે છે કે આમ કરવાથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે.

હું ખાતરી સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે. ક્યાંક ને ક્યાંક અમે ઉમેદવાર મૂકવામાં થાપ ખાઈ ગયા પરંતુ વિસાવદરની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે આવું ફરીથી નહીં થાય.

હું વિસાવદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે ફક્ત વિસાવદરની ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં પણ જૂનાગઢની સીટ પર ભાજપને જાકારો આપી જેથી તેઓ ભવિષ્યમાં ધારાસભ્ય તોડવાનું ભૂલી જાય.

નોધઃઆમ આદમી પાર્ટી ના પ્રેસ નોટ થી

આ પણ વાંચો… Parliament Security: સંસદની સુરક્ષામાં ક્ષતિ, લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો સંસદમાં ઘૂસ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો