Lokrakshak training: સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ

Lokrakshak training: ગુજરાતના અંતરિયાળ ગામડાઓની યુવા દીકરીઓએ સંઘર્ષમાંથી સફળતા સર્જી લોકરક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કર્યું

અહેવાલઃ મહેન્દ્ર વેકરિયા, પરેશ ટાપણીયા

સુરત, 03 મેઃ Lokrakshak training: રાજ્ય સરકારે યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરવા માટે સરકારી સેવાઓમાં લાખોની સંખ્યામાં કર્મયોગીઓની ભરતી કરી છે. ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે, તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યપરાયણતા અને ફરજપરસ્તી રહેલી છે.

પ્રજાની સેવા, સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એવા રાજ્યના પોલીસ વિભાગમાં પણ સરકારે પારદર્શિતાથી ભરતી કરી છે, જેના કારણે હજારો યુવાનોને કારકિર્દી ઘડતરની દિશા મળી છે. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી રાજ્ય પોલીસ બળમાં મહિલાઓનું સંખ્યાબળ પણ ઘણું વધ્યું છે. સરકાર ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને પોલીસ દળને સુસજ્જ પણ કરી રહી છે.

રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીની પ્રક્રિયા પારદર્શી, સરળ અને સમયબદ્ધ બનાવતા હજારો યુવાનોને મળી સરકારી નોકરીની તક સાંપડી છે, ત્યારે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ તાલીમ કેન્દ્ર ખાતે ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ સંઘર્ષથી શિખર સુધી પહોંચેલા યુવાનો છે, જેઓ ઈન્ડોર તથા આઉટડોર તાલીમ મેળવી રહ્યા છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર (વહિવટ અને મુખ્યમથક) સરોજકુમારીના માર્ગદર્શનમાં આઉટડોર તાલીમમાં પી.ટી.પરેડ, સાયન્ટીફિક પી.ટી., સ્કવોડ ડ્રીલ, બેનેટ ફાઈટીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય તથા ઈન્ડોર તાલીમમાં વિવિધ કાયદાઓ જેમાં ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦, બંધારણ, ભારતીય ફોજદારી કાર્યરિતી-૧૯૭૩, ગુજરાત પોલીસ એક્ટ જેવા કાયદાઓ અંગે માહિતગાર કરી સજ્જ કરવામા આવી રહ્યા છે.

મહિલા લોકરક્ષકો કન્યા શિક્ષણના સુપરિણામોનું ઉજ્જ્વળ પ્રતિબિંબ

ગુજરાતના અંતરિયાળ ગામડાની યુવા દીકરીઓએ સંઘર્ષમાંથી સફળતા સર્જી છે. મહિલા લોકરક્ષકો રાજ્ય સરકારના કન્યા શિક્ષણના સુપરિણામોનું ઉજ્જ્વળ પ્રતિબિંબ છે. જેનું ઉત્તમ ઉદાહરણ રૂપલબેન વૈશ છે. ‘ગઢ જૂના ગિરનાર’થી જાણીતા જૂનાગઢની પાવન ધરા પરથી તાલીમ હાંસલ કરવા સુરત આવેલા ૨૭ વર્ષીય રૂપલબેન અમરાભાઈ વૈશ સામાન્ય પરિવારમાંથી આવે છે.

પિતા પશુપાલન અને ખેતી કરી આજીવિકા રળે છે. રૂપલબેન કહે છે કે, બી.કોમ પૂર્ણ કરીને સરકારી જોબ મેળવવા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા લાગી ત્યારે મારૂ એક જ લક્ષ્ય હતું- ‘કઠોર મહેનત ભલે કરવી પડે, પણ ખાખી પહેરીને જ જંપીશ.’ આખરે સંઘર્ષ તેમજ મહેનતથી લોકરક્ષક બનવાનું મારૂ સપનું પૂર્ણ થયું છે. તેમણે ખુશી સાથે જણાવ્યુ કે, પોલીસ વિભાગમાં કારકિર્દીથી મને મારા જીવનની નવી રાહ હાંસલ થઈ છે.

તાલીમમાં શિસ્ત, જીવનમૂલ્યોના ઘડતર, આત્મગૈારવના પાઠ શીખવા મળી રહ્યા છે. ગુજરાતની દરેક દીકરીએ તમામ ક્ષેત્રોમાં તેમની શક્તિને અનુરૂપ કાર્ય કરવા આગળ વધવુ જોઈએ. જેમાં રાજ્ય સરકારની અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ મદદરૂપ બનશે.

રૂપલબેન કહે છે કે, આજે સ્ત્રી અબળા નહી, પણ સબળા અને સશક્ત થઈ છે. ઘરપરિવારની સારસંભાળની સાથોસાથ પુરૂષ સમોવડી બની રહી છે. આરામદાયક નોકરીના બદલે પોલીસની પડકારજનક નોકરી કરવા તે ઉત્સુક બની છે. ગુજરાતની શિક્ષિત બની રહેલી દીકરીઓની બદલાયેલી માનસિકતાનું આ સાર્થક પરિણામ છે. એટલે જ દરેક પરિવારે દીકરા દીકરીના ભેદ ભૂલીને સંતાનોને સમાન તક આપવી જોઈએ.

જીવનમાં સંઘર્ષ અને પડકારોને અવસરોમાં બદલી લોકરક્ષક બન્યા રાજ બાલકૃષ્ણ શર્મા

સુરત પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ લઈ રહેલા ૨૫ વર્ષીય રાજ બાલકૃષ્ણ શર્મા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. જીવનમાં સંઘર્ષ અને પડકારોને તેમણે અવસરોમાં બદલ્યા. અમદાવાદના વતની રાજના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું પોષણ કરે છે, ટૂંકી આવકમાં શિક્ષણ મેળવવામાં મુશ્કેલી અને આર્થિક વિટંબણાઓને ઓળંગીને ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનીયરીંગ પૂર્ણ કર્યું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી અને સખ્ત મહેનતથી રાજ શર્મા લોકરક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. રાજ જણાવે છે કે, મેં ક્યારેય ટ્યુશન ક્લાસનો સહારો લીધો ન હતો. સેલ્ફ સ્ટડી અને યુટ્યુબના માધ્યમથી પોલીસ ભરતીની તૈયારીઓ કરી હતી. રાજ્ય સરકારે પારદર્શક રીતે લોકરક્ષક ભરતી પૂર્ણ કરી અમારા જેવા હજારો યુવાનોના સપના સાકાર કર્યા છે.

રાજ સ્વ-અનુભવ અને સંઘર્ષથી સફળતાના સૂત્રો આપતા કહે છે કે, શિસ્ત અને સખત મહેનત કરવાનો અભિગમ, કયારેય હાર નહીં માનવાની મનોવૃત્તિ, તમામ વસ્તુ-વ્યક્તિ-ઘટનાને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા, વિશાળ વાંચન દ્વારા મળેલ વિશિષ્ટ તર્કશક્તિ, અદમ્ય સાહસવૃત્તિ જેવા ગુણો કેળવીશું તો પોલીસ અધિકારી અવશ્ય બની શકાય છે.

ભરતી કેલેન્ડરની પહેલથી અમારા જેવા લાખો યુવાનોને આયોજનબદ્ધ તૈયારી કરવાનો સમય મળી જાય છે: કુલદિપસિંહ રાઠોડ

સુરત પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ મેળવી રહેલા ૨૪ વર્ષીય કુલદિપસિંહ પ્રવિણભાઈ રાઠોડ કહે છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ૨૦૨૧-૨૨ના વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઉત્તીર્ણ થયો છું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામના વતની કુલદિપસિંહ કહે છે કે, ભરતી સમયે પગમાં ચીપ સાથે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ, સી.સી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં દોડ કરાવવામાં આવી હતી. જેના કારણે અમારા જેવા છેવાડાના ગામના યુવાનો પણ સેલ્ફ સ્ટડી કરીને ભરતી થઈ શક્યા છીએ.

રાજ્ય સરકાર સૌપ્રથમ તો ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરતી હોવાથી અમારા જેવા લાખો યુવાનોને અગાઉથી આયોજનબદ્ધ તૈયારી કરવાનો સમય મળી જાય છે. અમારી ભરતી સમયે ૧૧ લાખ યુવાનોના ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૦ હજારથી વધુ યુવાનોની પોલીસમાં ભરતી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

મારા સમાજની મહિલાઓ મારો વર્દી સાથેનો ફોટો જોઈને ગર્વ અનુભવે છે, જેનાથી મારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થયો: પારૂલબહેન મકવાણા

મહિલાઓ સશક્ત, આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પોલીસ ભરતીમાં પણ મહિલા પ્રતિનિધિત્વ વધે તે માટે ૩૩ ટકા અનામત આપીને મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામની વતની ૨૫ વર્ષીય પારૂલબહેન ભીમાભાઈ મકવાણા કહે છે કે, ૨૦૧૮-૧૯માં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી પાસ કરીને હાલ સુરત પોલીસ હેડકવાર્ટરમાં તાલીમ મેળવી રહી છું. જ્યારે હું ધો.૫માં અભ્યાસ કરતી હતી,ત્યારે મારા પિતાનું દુ:ખદ અવસાન થયું હતું.

મારી માતાએ મારૂ અને નાના ભાઈનું પાલન-પોષણ કરીને મોટા કર્યા છે. નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હતું. મારા એક મહિલા સંબંધી પોલીસમાં હોવાથી તેમણે પોલીસ ભરતી માટે વિશેષ માર્ગદર્શન અને પ્રેરણા આપી. રાજ્ય સરકાર મહિલાઓના કલ્યાણ માટે સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે. કારણ કે, ૩૩ ટકા પોલીસ ભરતીમાં અનામત હોવાથી અમને ખૂબ લાભ થયો છે.

આજે મારા સમાજની મહિલાઓ મારો વર્દી સાથેનો ફોટો જોઈને ગર્વ અનુભવે છે, જેનાથી મારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થયો છે. અન્ય દિકરીઓ પણ પડકારો ઝીલીને પોલીસની કારકિર્દી બનાવી રાજ્યની સેવા-સુરક્ષા માટે આગળ આવે એવો તેમણે કર્યો હતો.

આ પણ વાંચો… Vadodara-Haridwar summer weekly special train: વડોદરા-હરિદ્વાર વચ્ચે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો