Modasar

Modasar: આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે

Modasar: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે આ ગામને વર્ષ 2020માં દત્તક લેતા ગામની કાયાપલટ થઇ

અહેવાલઃ ગોપાલ મહેતા, વ્રજ મણિયાર

સાણંદ, 03 સપ્ટેમ્બરઃ Modasar: સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહે વર્ષ 2020માં સાણંદ તાલુકાના મોડાસર ગામને દત્તક લીધુ હતું. આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું આ મોડાસર ગામ (2 સપ્ટેમ્બર સુધી) દેશમાં પાંચમાં અને ગુજરાતમાં પ્રથમ નંબરે છે. મોડાસર ગામ અંદાજિત 7 થી 8 હજારની વસ્તી ધરાવતું ગામ છે. હાલમાં આદર્શ ગામના પેરામિટર્સ પર ખરું ઉતરે તેવી તમામ પ્રકારની સુવિધાઓ આ ગામમાં જોવા મળે છે.

જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે સાંસદ અમિતભાઇ શાહે દત્તક લીધેલા મોડાસર ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચી છે. મોડાસર ગામમાં બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળાની વ્યવસ્થા છે. ગામમાં ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્ર, મહિલાઓ માટે સખી મંડળ, ગામજનોના અવરજવર માટે પાકા રસ્તાઓ, સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા તેમજ ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે.


જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા એ જણાવ્યું છે કે ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા પણ છે અને એટલું જ નહીં નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. તેના પગલે ‘નલ સે જલ’ અભિયાનને મૂર્તિમંત કરાયું છે…

સાણંદ તાલુકાના મોડાસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. રાજકુમાર કહે છે કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડાસર તેમજ આજુ-બાજુના ૧૭ ગામના અંદાજિત ૪૫૦૦૦ની વસ્તીને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ થી ૧૭ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. મહિનામાં અંદાજિત ૧૫૦૦થી ૧૭૦૦ લોકો આરોગ્ય સુવિધાનો લાભ ઉઠાવે છે. દર મહિને 6 થી 7 પ્રસુતિ આ સેન્ટરમાં થાય છે.

અહી લેબોરેટરી વાનની પણ સુવિધા છે, જેનો ફાયદો મોડાસર તેમજ આજુ-બાજુના ગામજનોને મળી રહ્યો છે. મોડાસર ગામમાં વેક્સિનેશન( પ્રથમ અને બીજો ડોઝ) ૧૦૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. પ્રીકોસન ડોઝ પણ 70 થી 80% લોકોને આપી દેવામાં આવ્યો છે. સાથો-સાથ આ ગામજનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી આરોગ્યલક્ષી યોજનાનો લાભ પણ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Commencement of Guarantee Registration Campaign: CMકેજરીવાલએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો

મોડાસર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મકવાણા કહે છે કે, મોડાસર ગામના વિદ્યાર્થીઓને તમામ ભૌતિક સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ગૂગલ ક્લાસ તેમજ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અમે ગૂગલ ક્લાસ થકી બાળકોને દેશ-વિદેશનું શિક્ષણ આપીને તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છીએ. સરકાર તરફથી વિદ્યાર્થીઓને ક્રોમ બુક પણ આપવામાં આવી છે જેમાં તેમને મેલ દ્વારા લેસન આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન જ્ઞાનકુંજ અને ગૂગલ ક્લાસના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના નામાંકનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦૦ જેટલી હતી. વર્ષ ૨૦૨૧માં ૬૦૦ની આસપાસ પહોંચી ગઈ છે. એટલું જ નહીં ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા ૧ વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલમાંથી આ મોડાસર ગામની પ્રાથમિક શાળામાં નામાંકન કરાવ્યું છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નિયમિત આરોગ્યની ચકાસણી તેમજ વિવિધ એકમોની કસોટી પણ લેવામાં આવે છે.

સાણંદ તાલુકાના મોડાસર ગામના તલાટી કમ મંત્રી મિનલબા પરમાર કહે છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વર્ષ ૨૦૨૦માં આ ગામને દત્તક લીધું છે. આ ગામની હાલની વસ્તી અંદાજે ૭ થી ૮ હજાર છે. આ ગામમાં તમામ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે. મોડાસર ગામમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા તેમજ પાયાની સુવિધાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચ્યો છે. મોડાસર ગામ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે.

હાલમાં ગામમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાં અમિતભાઈ શાહે કેટલાક કામોનું ખાતમુહર્ત પણ કર્યું છે. મોડાસરના બાળ ગંગા તળાવને રી-ડેવલોપમેન્ટ માટેનું ખાતમુર્હત કર્યુ છે. બાળ ગંગા તળાવ મોડાસર ગામનું એક ઐતિહાસિક તળાવ છે. એટલું જ નહિ અત્રેશ્વર મહાદેવની પસંદગી મહાપ્રસાદ યોજનામાં પણ થઇ છે. ગ્રામજનોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ જગ્યા પરથી મળી રહે તેવી વ્યવસ્થા પંચાયત ભવનમાં ઊભી કરાઇ છે. જેમાં ગ્રામજનોને આવકનો દાખલો, પાનકાર્ડ, આધારકાર્ડ, 7/12 ઉતારો તેમજ સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

મોડાસર ગામના રહેવાસી મમતાબેન પરમાર જણાવે છે કે, મોડાસર ગામમાં આવેલી ગ્રામ પંચયાતમાં તમામ કામો ડિજિટલી થઈ રહ્યા છે જેના કારણે ગામના લોકોને સાણંદ તાલુકા મથક સુધી જવુ પડતું નથી. આ જ કારણોસર ગ્રામજનોનો સમય અને પૈસા બંનેની બચત થાય છે. અમારા ગામમાં સરકાર તરફથી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. આ સુવિધાઓ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.

અન્ય રહેવાસી કમાભાઈ ચાવડા કહે છે કે, ગામના લોકોને આજે નાના-નાના સરકારી કામ માટે પહેલાની જેમ તાલુકા મથક સુધી જવુ પડતુ નથી. તમામ પ્રકારની સુવિધાઓ આજે ગ્રામપચંયાત ભવનમાંથી મળી રહે છે. મોડાસર ગામના રહેવાસી ચંદનસિંહ વાધેલા જણાવે છે કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી તમામ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહી છે. સરકારની યોજનાનો લાભ પણ અમને મળી રહ્યો છે. સરકાર તરફથી અમને નિશુલ્ક દવાઓ પણ મળી રહી છે.

આ પણ વાંચોઃ Reform of Electoral Roll: ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને માર્ગદર્શન

Gujarati banner 01