Parents Alert For Kids

Parents Alert For Kids: શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે? આ કિસ્સો જરૂરથી વાંચજો…

  • ૧૫ * ૧૦ સેન્ટીમીટરની આ ગાંઠ અત્યંત જટીલ સર્જરી દ્વારા દૂર કરવામાં આવી
  • વાળના ગુચ્છના કારણે ઘણાં સમયથી પેટની તકલીફથી પીડાઇ રહેલી ભૂમિને સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી

Parents Alert For Kids: ૮ વર્ષની ભૂમિના પેટમા વાળના ગુચ્છ એ વિશાળ સ્વરૂપ ઘારણ કર્યું

અમદાવાદ, 18 મેઃ Parents Alert For Kids: ૮ વર્ષની ભૂમિ ચૌહાણના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે ‘ઘણી બાળકીઓ. કિશોરીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ’જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.

ટ્રાયકોબેઝારની તકલીફ સાથે ગાંધીનગરથી આવેલી 8 વર્ષની ભૂમિને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો..

ગાંધીનગરના ભોયણ ગામમાં વતની અને અમદાવાદની અરવિંદ મીલમાં પેટીયું રળી રહેલા કમલેશસિંગ ચૌહાણની દિકરી ભૂમિ ચૌહાણને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું.

પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા ભૂમિના સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોટ્સ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એનેસ્થેસિયા વિભાગના ડૉ. સોનલ ભાલાવત અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી ૧૫ *૧૦ સેન્ટીમીટર ની પેટના આકારની આ ગાંઠ ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.

ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને દિકરીઓ અને કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે તેમ ડૉ. જયશ્રી ઉમેરે છે.

તેઓ વધુમાં ઉમેરે છે કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે, મારી દિકરી ૩ વર્ષની હતી તે ઉમરથી તેણીને માથાના વાળ ખાવાની ટેવ પડી હતી. છેલ્લા ઘણાં વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે.યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.

આ પણ વાંચો… Amit Shah Visit Gujarat: ગુજરાતની મુલાકાતે આવશે ગૃહમંત્રી અમિત શાહ, આટલા કરોડના વિકાસકાર્યોની આપશે ભેંટ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો