pm

PM inauguration at Mehsana: વડાપ્રધાન મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM inauguration at Mehsana: વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ભારતીય રેલવે સહિત રાજ્ય સરકારના પાંચ વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે

ગુજરાતના સાત જિલ્લાઓને વિકાસકાર્યોનો લાભ મળશે


ગાંધીનગર, 29 ઓક્ટોબર:
PM inauguration at Mehsana: 30 ઓક્ટોબર 2023ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગુજરાતમાં ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ, મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો

મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વીરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે.

તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 5126 કરોડ છે.

Statue of unity: એકતાનગરના આંગણે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ વેગવાન બન્યું

જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો

મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ બન્ને પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 130 કરોડ છે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ પ્રકલ્પનું મૂલ્ય ₹ 139 કરોડ છે.

પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો

પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ કરવામાં આવશે અને મહેસાણામાં એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 (પાર્ટ-એ) અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ચાર પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 212 કરોડ છે.

માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યો

સાબરકાંઠામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પનું મૂલ્ય ₹ 166 કરોડ છે.

શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો

શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 168 કરોડ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો